યશ ડિપ્રેશનમાં હતો ત્યારે મમ્મીએ ખાવાની ના પાડી દીધી હતી, ભારતીય સ્ક્વૉડમાં સ્થાન મળતાં જ પરિવારમાં આવી રોનક
ભારતીય સ્ક્વૉડમાં ફાસ્ટ બોલર યશ દયાલ સામેલ થતાં તેનો પરિવાર થયો ખુશખુશાલ.
બંગલાદેશ સામેની પહેલી ટેસ્ટ-મૅચ માટે ભારતીય સ્ક્વૉડમાં સ્થાન મેળવ્યા બાદ યશ દયાલનો પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. અમદાવાદમાં ૨૦૨૩માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં જ્યારે યશની ઓવરમાં રિન્કુ સિંહે પાંચ સિક્સર ફટકારી એ ઘટના આ પરિવાર માટે ભયાનક ઍક્સિડન્ટ સમાન હતી. યશ દયાલના એ પડકારજનક સમયમાં તેના પરિવારે તેને ખૂબ સપોર્ટ કર્યો હતો.
યશના પપ્પા ચંદ્રપાલ દયાલે કહ્યું હતું કે ‘પ્રયાગરાજમાં અમારા ઘર પાસેથી સ્કૂલ-બસ પસાર થતી ત્યારે બાળકો ‘રિન્કુ સિંહ... પાંચ સિક્સર’ના નારા લગાવતા હોવાથી મેં લગભગ એક વર્ષ સુધી બપોરે ઘરની બહાર નીકળવાનું છોડી દીધું હતું. યશ ડિપ્રેશનને કારણે એકલતામાં રહેવા લાગ્યો અને તેની માતા રાધા એટલી પરેશાન થઈ ગઈ કે તે બીમાર પડી ગઈ. તેણે ખાવાની ના પાડી દીધી. ગુજરાત ટાઇટન્સે પણ તેને છોડ્યો જેને કારણે તે બીમાર પડ્યો.’
ADVERTISEMENT
અમે તેને ક્યારેય હાર માનવાનું વિચારવા દીધું નથી એમ જણાવતાં ચંદ્રપાલ દયાલે કહ્યું હતું કે ‘અમે એક પરિવાર તરીકે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી તે ભારત માટે નહીં રમે ત્યાં સુધી અમે અડગ રહીશું. તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું એ અમારા પરિવાર અને મિત્રો માટે એક મોટો દિવસ હતો.’
કઈ રીતે મળ્યું ભારતીય સ્ક્વૉડમાં સ્થાન?
યશે IPL 2024માં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ૧૪ મૅચમાં ૧૫ વિકેટ લીધી હતી. તેણે દુલીપ ટ્રોફીની મૅચમાં ઇન્ડિયા A સામે ઇન્ડિયા Bની ૭૬ રનની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે બીજા દાવમાં મયંક અગ્રવાલ, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલની વિકેટ લીધી અને મહત્ત્વના સમયે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. જોકે મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને આકાશ દીપ જેવા બોલર્સની હાજરીમાં યશ માટે ભારતીય પ્લેઇંગ-ઇલેવનમાં સ્થાન બનાવવું આસાન નહીં હોય.