પાકિસ્તાન સેમી ફાઇનલની દોડમાંથી બહાર : બટલરની ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફી માટે થઈ ક્વૉલિફાય
અબદુલ્લા શફિકની વિકેટની ઉજવણી કરતો ડેવિડ વિલી.
આજે જ્યારે ટૉસ જીતીને ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો એ જ વખતે પાકિસ્તાનની હાર નક્કી થઈ ગઈ હતી. ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને ૯૩ રનથી હરાવી જીત સાથે આ ટુર્નામેન્ટનો અંત આણ્યો હતો. તેમજ ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ક્વૉલીફાય થયું હતું. ઇંગ્લૅન્ડે નવ વિકેટે ૩૩૭ રન કરીને પાકિસ્તાનને ૪૩.૩ ઓવરમાં ૨૪૪ રનમાં ઑલઆઉટ કર્યું હતું. પાકિસ્તાન તરફથી આગા સલમાન એકમાત્ર બૅટર હતો જેણે ૫૧ રન ફટકાર્યા હતા. ઇંગ્લૅન્ડના બોલર ડેવિડ વિલીએ ૫૬ રન આપીને ત્રણ વિકેટ લેતાં પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ હતી. છેલ્લી વિકેટ માટે હૅરિસ રઉફના ૩૫ રન અને મોહમ્મદ વસિમ જુનિયરના ૧૬ રનના કારણે હાર લંબાઈ હતી.
વધુમાં ઈડન ગાર્ડન્સમાં પોતાની છેલ્લી લીગ મૅચમાં ઇંગ્લૅન્ડના બેન સ્ટોક્સ, જો રૂટ અને જૉની બૅરસ્ટૉ જેવા ખેલાડીઓએ હાફ-સેન્ચુરી ફટકારીને ટીમના સ્કોરને ૯ વિકેટે ૩૩૭ રન સુધી પહોંચાડ્યો હતો. સાંધામાં થયેલી ઈજાને કારણે પહેલી ત્રણ મૅચ ગુમાવનાર બેન સ્ટોક્સે ૭૬ બૉલમાં ૮૪ રન કર્યા હતા. બૅરસ્ટૉએ ૫૯ રન અને જો રૂટે ૬૦ રન કર્યા હતા. પાકિસ્તાન માટે ન્યુ ઝીલૅન્ડ કરતાં રનરેટ સુધારવા માટે ૬.૪ ઓવરમાં લક્ષ્યાંકને પાર કરવાનો હતો. તેઓ ૪૦ બૉલમાં ૪૦ સિક્સર ફટકારે તો પણ માત્ર ૨૪૦ રન જ કરી શકે એવી હાલતમાં હતા.


