કોહલીએ ૨૦૨૨માં રઉફની ઓવરમાં ફટકારેલી બેમાંની પહેલી સિક્સરને ૭ સપ્ટેમ્બરે આઇસીસીએ ‘શૉટ ઑફ ધ સેન્ચુરી’ તરીકે જાહેર કરી : યોગાનુયોગ, ૭મીએ રઉફનો ૩૦મો જન્મદિવસ હતો
આઇસીસી કોહલીનો બર્થ-ડે ઊજવવા ગઈ ત્યાં રઉફનો જન્મદિન બગડ્યો!
ઑસ્ટ્રેલિયાનો ગ્લેન મૅક્સવેલ મંગળવારે (૭ નવેમ્બરે) વાનખેડે સ્ટેડિયમમાં મલ્ટિપલ ક્રૅમ્પ્સની તકલીફ છતાં ક્રિકેટના ઇતિહાસની સર્વશ્રેષ્ઠ ઇનિંગસ રમ્યો એ જ દિવસે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વિરાટ કોહલીના ૨૦૨૨ના ટી૨૦ વર્લ્ડ કપના પાકિસ્તાન સામેની મૅચની એક સિક્સરને ‘શૉટ ઑફ ધ સેન્ચુરી’ તરીકે ઘોષિત કર્યો હતો.
નવાઝની ૨૦મી ઓવરમાં ભારતની જીત
ADVERTISEMENT
૨૦૨૨ની ૨૩ ઑક્ટોબરે મેલબર્નની ગ્રુપ મૅચમાં પાકિસ્તાને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૯ રન બનાવ્યા બાદ ભારતે છેલ્લા બૉલે ૧૬૦/૬ના સ્કોર સાથે રોમાંચક મૅચ જીતી લીધી હતી. મોહમ્મદ નવાઝની ૨૦મી ઓવરમાં હાર્દિક પંડ્યા ૪૦ રને આઉટ થયા પછી દિનેશ કાર્તિક પાંચમા બૉલે ફક્ત એક રન બનાવીને સ્ટમ્પ-આઉટ થયો હતો. ભારતને જીતવા માટે બે રનની જરૂર હતી. જોકે પછીનો નવાઝનો બૉલ વાઇડ હતો અને ત્યાર પછીના રેગ્યુલર બૉલમાં અશ્વિને એક રન બનાવીને ભારત માટે મૅચને યાદગાર બનાવી દીધી હતી.
સુપર સિક્સર પછી ફરી સિક્સર
કોહલી (૮૨ અણનમ, ૫૩ બૉલ, ચાર સિક્સર, છ ફોર)એ એમાં અવિસ્મરણીય છગ્ગાની મદદથી બાજી પલટાવીને ભારતને વિજયપથ પર લાવી દીધું હતું. ૧૯મી ઓવર હૅરિસ રઉફે કરી હતી જેના પાંચમા બૉલમાં (લેન્ગ્થ બૉલમાં) કોહલીએ રઉફના જ માથા પરથી સ્ટ્રેઇટ સિક્સર ફટકારી હતી. કોહલીએ પછીના બૉલમાં કાંડાની કરામતથી ફાઇન લેગ પરથી છગ્ગો ફટકારી દીધો હતો.
ત્યારે એ વર્લ્ડ કપમાં રઉફના પાંચમા બૉલમાં કોહલીએ ફટકારેલી સિક્સરવાળા શૉટને સર્વશ્રેષ્ઠ ગણાવાયો હતો, પરંતુ મંગળવારે (૭ નવેમ્બરે) આઇસીસીએ એને ‘શૉટ ઑફ ધ સેન્ચુરી’ ગણાવીને (તાજેતરમાં સચિન જેટલી ૪૯ સેન્ચુરી ફટકારનાર) કોહલીની યશકલગીમાં વધુ એક પીછું ઉમેર્યું હતું. કોહલીએ તાજેતરમાં ૩૫મો બર્થ-ડે ઊજવ્યો અને આઇસીસીએ તેના એ જન્મદિનના અવસરને ધ્યાનમાં રાખીને ‘શૉટ ઑફ ધ સેન્ચુરી-મેકર’નું ગૌરવ આપ્યું. નવાઈની વાત એ છે કે હૅરિસ રઉફનો એ જ દિવસે (૭ નવેમ્બરે) ૩૦મો જન્મદિન હતો. એ રીતે, કોહલીના જન્મદિનને આઇસીસીએ યાદગાર બનાવ્યો, પરંતુ રઉફનો બર્થ-ડે બગડ્યો, કારણકે એ જ દિવસે તે ખરાબ રેકૉર્ડ-બુકમાં આવી ગયો હતો.
‘બૉલ ઑફ ધ સેન્ચુરી’ વૉર્નનો
અહીં ઉલ્લેખનીય છે કે ‘બૉલ ઑફ ધ સેન્ચુરી’ સદ્ગત શેન વૉર્નના નામે છે. એ ‘ગૅટિંગ બૉલ’ તરીકે પણ ઓળખાય છે. ૧૯૯૩ની ૪ જૂને મૅન્ચેસ્ટરની ઍશિઝ ટેસ્ટમાં વૉર્ને ઇંગ્લૅન્ડના માઇક ગૅટિંગને ચક્કર ખવડાવતો જે બૉલ ફેંક્યો હતો અને તેની વિકેટ લીધી હતી એ ‘બૉલ ઑફ ધ સેન્ચુરી’ તરીકે ઓળખાય છે.


