Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કપિલ પરથી ધોનીએ લીધી પ્રેરણા, હવે રોહિતે ટ્રોફી અપાવવાની છે

કપિલ પરથી ધોનીએ લીધી પ્રેરણા, હવે રોહિતે ટ્રોફી અપાવવાની છે

01 October, 2023 11:29 AM IST | Mumbai
Yashwant Chad | feedbackgmd@mid-day.com

૧૯૮૩માં વર્લ્ડ કપની શરૂઆત પહેલાં ભારતીય ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખેડ્યો હતો અને એમાં કૅરિબિયનોને એક વન-ડેમાં હરાવ્યા પણ હતા.

કપિલ પરથી ધોનીએ લીધી પ્રેરણા,  હવે રોહિતે ટ્રોફી અપાવવાની છે

કપિલ પરથી ધોનીએ લીધી પ્રેરણા, હવે રોહિતે ટ્રોફી અપાવવાની છેભારતમાં ફરી એક વાર ૫૦ ઓવરની વન-ડેનો વર્લ્ડ કપ યોજાવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મને ઓચિંતો જ એક વિચાર આવ્યો કે કપિલ દેવની કૅપ્ટન્સીમાં ભારતે સૌપ્રથમ વખત ૬૦ ઓવરની મર્યાદિત એકદિવસીય સ્પર્ધા જે રેડ બૉલથી રમાઈ હતી એમાં વેસ્ટ ઇન્ડીઝની ક્લાઇવ લૉઇડની ધરખમ ટીમને ફાઇનલમાં શિકસ્ત આપીને જે ઇતિહાસ સરજ્યો હતો એ સમયે જીવંત ટીવી-પ્રસારણ કે રેડિયો-કૉમેન્ટરી વડે આંખેદેખ્યો અહેવાલ ઘણાને સાંભળવા નહીં મળ્યો હોય એટલે એ દિવસો ફરી તાજા કરીએ તો!
સેમી ફાઇનલ અને ફાઇનલનું જીવંત પ્રસારણ થયું હતું, પણ ત્યારે આપણા દેશમાં રંગીન ટેલિવિઝન જૂજ હતાં અને મને એ પ્રુડેન્શિયલ વિશ્વકપ ઇંગ્લૅન્ડમાં હાજર રહીને માણવા મળ્યો એના થોડા અનુભવો ‘મિડ-ડે’ના ક્રિકેટમિત્રો માટે સંભારણા તરીકે ઉલ્લેખ કરવા છે. તો ચાલો, વાચકમિત્રો ‘બૅક ટુ ૧૯૮૩’.

૧૯૮૩માં વર્લ્ડ કપની શરૂઆત પહેલાં ભારતીય ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખેડ્યો હતો અને એમાં કૅરિબિયનોને એક વન-ડેમાં હરાવ્યા પણ હતા. એ આત્મવિશ્વાસ આપણી ટીમ માટે જાણે પૂરતો હતો અને એટલે જ મૅન્ચેસ્ટરમાં વર્લ્ડ કપની શરૂઆતની મૅચમાં કપિલે ટીમને પ્રેરણા આપી હતી. લડાયક ખમીરવાળી યશપાલ શર્મા તથા સંદીપ પાટીલની બૅટિંગે ભારતને જીતવા માટેનો પાયો નાખી આપ્યો હતો જેનો લાભ ભારતીય સ્વિંગ બોલર્સે ઉઠાવ્યો હતો. ઝિમ્બાબ્વેએ ઑસ્ટ્રેલિયાને અને ભારતે વેસ્ટ ઇન્ડીઝને પ્રથમ રાઉન્ડમાં જ શિકસ્ત આપતાં વિશ્વકપ સ્પર્ધા રસાકસીભરી થશે એનાં એંધાણ મળી ગયાં હતાં.ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ જવા રવાના થઈ ત્યારે કહેવાતું હતું કે ભારતની ટીમ એકંદરે નબળી છે અને ટીમ પાસે સારા ફાસ્ટ બોલર્સ નથી વગેરે વગેરે... આપણી પાસે સારા ઝડપી બોલર્સ નહોતા એ કબૂલ, પણ મધ્યમ ઝડપી બોલર્સની મોટી ફોજ તો હતી જ. કપિલ ઉપરાંત મદન લાલ, મોહિન્દર, રોજર બિન્ની, બલવિન્દર સિંહ સંધુ અને લેફ્ટ-હૅન્ડ સુનીલ વાલસન (જેને એકેય મૅચ નહોતી રમવા મળી) સહિતના બોલર્સ સાથે આપણે વિશ્વકપમાં રમવા ઊતર્યા હતા. આ મિડિયમ પેસ બોલર્સ સ્વિંગ બોલિંગની અજમાયશથી ઇંગ્લૅન્ડની ઠંડી આબોહવાનો લાભ લઈને આખી સ્પર્ધામાં છવાઈ ગયા હતા અને બુઠ્ઠી જણાતી બોલિંગ અતિ ધારદાર અને વિકેટ-ટેકિંગ બની ગઈ હતી.


આપણી દરેક મૅચનું વિગતવાર વર્ણન કરવા બેસીએ તો અહીં જગ્યા ઓછી પડે. હા, ઝિમ્બાબ્વે સામેની યાદગાર મૅચની વાત અચૂક કરવી જ પડે. ‘હરિયાણા હરિકેન’ કપિલ દેવે ટનબ્રિજ વેલ્સમાં જે ધમાલ મચાવી હતી એને ટીવી પર કરોડો દર્શકોને નહોતી માણવા મળી, પરંતુ એ મૅચનો તો અહીં ઉલ્લેખ કરવો જ રહ્યો. કપિલે ટૉસ જીતીને બિલિયર્ડ‍્સના ટેબલ જેવી લીલીછમ પિચ પર બૅટિંગ પસંદ કરી હતી. હજી તો શ્વાસ લઈએ ત્યાં સુધીમાં તો ૧૧ રનમાં ચાર અને ૧૭ રનમાં પાંચ વિકેટના આંચકા જોવા મળ્યા હતા અને આપણે એ વર્લ્ડ કપની બહાર થઈ જવાની ભીતિ જાગી હતી.

તમે માનશો, ઠેઠ લાંબેથી મૅચ જોવા આવેલા ભારતતરફી ક્રિકેટપ્રેમીઓ જેમાં ભાંગડા નૃત્ય માટે પ્રખ્યાત તથા અવાજો કરીને ટીમને પ્રોત્સાહિત કરનારા પંજાબી તથા ગુજરાતી ચાહકો હતા તેઓ બધા જ કચવાતા હતા કે આટલો ખર્ચો કરીને દૂરથી મૅચ જોવા આવીને નકામો સમય બગાડ્યો. જોકે તેઓ ‘ગોલ્ડન ટચ’ ધરાવતી હસ્તી કેવો પરચો બતાવી શકે એ કદાચ ભૂલી ગયા હતા. ‘હરિયાણા હરિકેન’ કપિલ દેવે કૅપ્ટન્સીની જવાબદારી બખૂબી સંભાળીને જરાય ચિંતિત થયા વગર ઝિમ્બાબ્વેના બોલર્સની ખબર લેવાની શરૂઆત કરી દીધી અને ફીલ્ડર્સને પણ ખૂબ દોડાવ્યા. અદ્વિતીય ઇનિંગ્સમાં તેણે જાણે ભારતીય ક્રિકેટપ્રેમીઓની ફરમાઇશ હતી એ દિશામાં ટેક્નિકલી પરફેક્ટ શૉટ‍્સ રમીને ૬૦ ઓવરની એ મૅચમાં અસાધારણ પર્ફોર્મન્સમાં અણનમ ૧૭૫ રન ખડકીને વિક્રમ તો રચ્યો, વેસ્ટ ઇન્ડીઝ સહિતની બીજી હરીફ ટીમોને ચેતવી પણ દીધી હતી. એમ કહીએ તો જરાય ખોટું નથી કે ઝિમ્બાબ્વે સામેની આ યાદગાર જીતથી જ ભારતે વર્લ્ડ ચૅમ્પિયન બનાવાનો પાયો નાખી દીધો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામેની ફાઇનલમાં ભારતીય ટીમે ૧૮૩ રન બનાવ્યા ત્યાર બાદ કપિલે સાથીઓને એટલું જ કહ્યું હતું કે ‘મરી ફિટો. આપણે ૧૮૩ રન બનાવ્યા; પરંતુ વેસ્ટ ઇન્ડીઝનો હવે દરેક બૉલ અટકાવો, ઍક્યુરેટ અને ચુસ્ત બોલિંગ કરો. આપણે જ વિશ્વકપ જીતી જઈશું. એકાદ વિકેટ જશે તો લાઇન લાગશે.’ કપિલના એ ‘ગોલ્ડન વર્ડ‍્સ’ સાબિત થયા.
મેં ત્યારે એક લેખમાં ભારતીય ટીમને અને ખાસ કરીને કપિલ દેવને અભિનંદન આપતાં આ મુજબ લખ્યું હતું ઃ ‘શાબાશ, કપિલ દેવ શાબાશ. તને ઘણી ખમ્મા. તેં પ્રુડેન્શિયલ કપ જીતીને કમાલ કરી નાખી. આખા વિશ્વને આશ્ચર્યમાં ગરકાવ કરી દઈને ભારત પરથી કાયમનું મહેણું ભાંગી નાખ્યું કે ભારતીય ટીમ ક્યારેય વન-ડે ફૉર્મેટમાં સારું રમવાનું કૌશલ્ય ધરાવતી નથી. ભારતને અન્ડરડૉગ્સ ગણાવનારાઓને તેમનું નાક કાપીને હાથમાં આપી દેવા બદલ તને હાર્દિક અભિનંદન.’
૧૯૮૩માં કપિલ દેવ અને તેના સાથીઓએ લડાયક ખમીર સાથે આવડત પુરવાર કરતો પાયો નાખી આપ્યો જેના પરથી પ્રેરણા લઈને સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ૨૦૧૧માં ઘરઆંગણે વર્લ્ડ કપ જિતાડીને વન-ડે ક્રિકેટમાં ભારતની તાકાત ફરી પુરવાર કરી આપી.
હવે ભારતને ત્રીજી વખત વન-ડેના બેતાજ બાદશાહ બનાવવાની જવાબદારી રોહિત શર્માના શિરે છે. હોમ-પિચો છે એટલે ભારત જ ફરી ચૅમ્પિયન બને એવી આપણે સૌકોઈ પ્રાર્થના કરીએ અને ટીમને ‘બેસ્ટ ઑફ લક’ કહીએ.
૧૯૮૩માં વિશ્વકપ સ્પર્ધા અને ૨૦૧૧માં વર્લ્ડ કપની ફાઇનલ આકાશવાણીના કૉમેન્ટરી બૉક્સમાંથી ‘સ્કોરર’ તરીકે માણવા મળી એ જ રીતે ફરી તમારા આ ‘ફેઇથફુલી’ને કૉમેન્ટરી બૉક્સમાંથી


ભારતની જીત વિશે સોનેરી શબ્દોમાં લખવા મળે એવી આશા.

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2023 11:29 AM IST | Mumbai | Yashwant Chad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK