બર્થ-ડે બૉય વિરાટે સચિન જેટલી ૪૯ સેન્ચુરીની કરી બરાબરી, ભારતે મેળવી સતત આઠમી જીત
રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી
કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ગઈ કાલે સુપર સન્ડે વર્લ્ડ કપના યજમાન ભારતનો હતો. પહેલી વાર ટ્રોફી જીતવા માટે મજબૂત દાવેદાર ગણાતા સાઉથ આફ્રિકાને રોહિત શર્મા ઍન્ડ કંપનીએ ૨૪૩ રનથી હરાવ્યું હતું. વિરાટ કોહલી (૧૦૧ અણનમ, ૧૨૧ બૉલ, દસ ફોર)એ ૩૫મા જન્મદિને સચિન તેન્ડુલકરના ૪૯ વન-ડે સેન્ચુરીના વિશ્વવિક્રમની બરાબરી કરી એ ઉપરાંત એવરગ્રીન સ્પિનિંગ-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પહેલાં બૅટિંગમાં (૨૯ અણનમ, ૧૫ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને પછી બોલિંગમાં (૯-૧-૩૩-૫) પણ તરખાટ મચાવ્યો તેમ જ બે કૅચ પણ પકડ્યા એ સાથે ટેમ્બા બવુમાની ટીમનો ૩૨૭ રનના તોતિંગ ટાર્ગેટ સામે ૨૭.૧ ઓવરમાં માત્ર ૮૩ રનમાં વીંટો વળી ગયો હતો. તેણે પોતાના ૮૩ રનના સેકન્ડ-લોએસ્ટ સ્કોરની બરાબરી કરી હતી.
પહેલી સાતેય મૅચ જીતીને કલકત્તા આવેલી ટીમ ઇન્ડિયાના નામે હવે ઐતિહાસિક આઠ વિજય લખાયા છે. ટેબલમાં મોખરે ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. ક્વિન્ટન ડિકૉક (૫), એઇડન માર્કરમ (૯), હિન્રિચ ક્લાસેન (૧), રૅસી ડુસેન (૧૩) અને ડેવિડ મિલર (૧૧) જેવા ખ્યાતનામ બૅટર્સનું ભારતી બોલર્સ અને ફીલ્ડર્સ સામે કંઈ જ નહોતું ચાલ્યું. શમી તથા કુલદીપે બે-બે વિકેટ તથા સિરાજે એક વિકેટ લીધી હતી. એ પહેલાં બૅટિંગ લેનાર ભારતે પાંચ વિકેટે ૩૨૬ રન બનાવ્યા હતા, જેમાં કોહલીના અણનમ ૧૦૧ રન ઉપરાંત શ્રેયસ (૭૭ રન, ૮૭ બૉલ, બે સિક્સર, સાત ફોર), રોહિત (૪૦ રન, ૨૬ બૉલ, બે સિક્સર, છ ફોર), ગિલ (૨૩ રન, ૨૪ બૉલ, એક સિક્સર, ચાર ફોર) તથા સૂર્યકુમાર (૨૨ રન, ૧૪ બૉલ, પાંચ ફોર)નાં પણ યોગદાનો હતાં. ભારતને ૨૬ રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. સાઉથ આફ્રિકાના પાંચ બોલર્સે એક-એક વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ઈડનના દરેક પ્રેક્ષકને વહેંચાયા હતા કોહલીના ફેસવાળા માસ્ક (તસવીર : પી.ટી.આઇ)
જાડેજા વર્લ્ડ કપમાં બીજી વાર પાંચ વિકેટ લેનાર યુવી પછીનો બીજો ભારતીય સ્પિનર છે.
હું ક્યારેય તેન્ડુલકર જેવો નથી બની શકવાનો. હા, મારા હીરોના વિક્રમની બરાબરી કરી એ મારા માટે સ્પેશ્યલ અચીવમેન્ટ જરૂર છે. મારા મતે બૅટિંગમાં તેના જેવું પર્ફેક્શન કોઈનું નહીં. એક સમય હતો જ્યારે ટીવી પર હું તેને શાનદાર ઇનિંગ્સ રમતો જોતો હતો અને આજે તે મારી પ્રશંસા કરે એ મારા માટે ઘણું કહેવાય. : વિરાટ કોહલી
ઈડનમાં પ્રથમ, ત્યાં જ ૪૯મી સદી
કોહલીએ ૨૦૦૯ની સાલમાં કલકત્તાના ઈડનમાં શ્રીલંકા સામે વન-ડે કરીઅરની સૌપ્રથમ સદી ફટકારી હતી. ગઈ કાલે તેણે એ જ ઐતિહાસિક મેદાન પર અંદાજે ૬૭,૦૦૦ પ્રેક્ષકોની હાજરીમાં ૪૯મી સદી ફટકારી હતી.
૨૮૯ મૅચમાં ૧૩,૬૨૬ રન
કોહલીએ ૨૦૦૮થી ૨૦૨૩ સુધીની કરીઅરમાં ૨૮૯ વન-ડેમાં ૧૩,૬૨૬ રન બનાવ્યા છે, જેમાં ૪૯ સેન્ચુરી ઉપરાંત ૭૦ હાફ સેન્ચુરી પણ સામેલ છે. ૫૮.૩૮ તેની બૅટિંગ ઍવરેજ અને ૯૩.૫૫ સ્ટ્રાઇક-રેટ છે.
હવે કોની-કોની મૅચ બાકી?
આજે : બંગલાદેશ v/s શ્રીલંકા
આવતી કાલે : ઑસ્ટ્રેલિયા v/s અફઘાનિસ્તાન
બુધવાર : ઇંગ્લૅન્ડ v/s નેધરલૅન્ડ્સ
ગુરુવાર : ન્યુ ઝીલૅન્ડ v/s શ્રીલંકા
શુક્રવાર : સાઉથ આફ્રિકા v/s અફઘાનિસ્તાન
શનિવાર : ઑસ્ટ્રેલિયા v/s બંગલાદેશ
શનિવાર : ઇંગ્લૅન્ડ v/s પાકિસ્તાન
રવિવાર : ભારત v/s નેધરલૅન્ડ્સ

