પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે વેસ્ટ ઇન્ડીઝે લંચ પહેલાં ૬૮ રનમાં ચાર વિકેટ ગુમાવી
ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે રોહિત શર્મા અને ક્રેગ બ્રેથવેઇટ. તસવીર પી. ટી. આઇ.
ટેસ્ટના વર્લ્ડ નંબર-વન ભારતે ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)માં પોતાની ઘણી સારી શરૂઆત કરી હતી. ડૉમિનિકાની પ્રથમ ટેસ્ટ (ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦ વાગ્યાથી લાઇવ)માં પહેલું જ સેશન ભારત માટે ઘણું સારું સાબિત થયું હતું. લંચ સુધીમાં યજમાન ટીમે ૬૮ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી.
ક્રેગ બ્રેથવેટે બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ પોતે બહુ લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો. તેણે ૨૦ રનના પોતાના સ્કોરે વિકેટ ગુમાવી એ પહેલાં તેનો ઓપનિંગ પાર્ટનર તેજનારાયણ ચંદરપૉલ ફક્ત ૧૨ રન બનાવીને અશ્વિનનો પ્રથમ શિકાર બન્યો હતો. ગયા મહિને ડબ્લ્યુટીસીની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં ન રમવા મળ્યા બાદ અશ્વિને ગઈ કાલે કમબૅકના પહેલા જ દિવસે તરખાટ મચાવ્યો હતો. તેણે બોલિંગમાં આગેવાની સંભાળી હતી અને પચીસ રનમાં બે વિકેટ લીધી હતી. થર્ડ સીમ બોલર તરીકે બોલિંગ કરનાર શાર્દુલ ઠાકુરે રેમૉન રાઇફર (બે રન)ને આઉટ કર્યો હતો. વિકેટકીપર ઇશાન કિશને તેનો શાનદાર કૅચ પકડ્યો હતો. સેશનના છેલ્લા બૉલે રવીન્દ્ર જાડેજા ત્રાટક્યો હતો અને તેને જર્મેઇન બ્લૅકવુડની વિકેટ મળી હતી. મોહમ્મદ સિરાજે તેનો અફલાતૂન કૅચ પકડ્યો હતો.

ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડીઝમાં ગઈ કાલે ટેસ્ટ-કરીઅર શરૂ કરતાં પહેલાં યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશન. તસવીર twitter.com

મોહમ્મદ સિરાજે ગઈ કાલે બ્લૅકવુડનો કૅચ પકડ્યો ત્યારે તેને માથામાં ઈજા થઈ હતી.
ભારતીય ટીમ-મૅનેજમેન્ટે આ મૅચમાં ઓપનર યશસ્વી જયસ્વાલને અને વિકેટકીપર-બૅટર ઇશાન કિશનને ટેસ્ટમાં ડેબ્યુ કરવાનો મોકો આપ્યો છે. ડૉમિનિકાનો જ ઍલિક ઍથાનાઝ પણ પહેલી વાર ટેસ્ટ રમી રહ્યો છે.


