Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિયન-અમેરિકન વકીલે ટ્રમ્પને નમાવ્યા

ઇન્ડિયન-અમેરિકન વકીલે ટ્રમ્પને નમાવ્યા

Published : 22 February, 2026 08:44 AM | Modified : 22 February, 2026 08:44 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉક્ટર-એન્જિનિયર માતા-પિતાના પુત્ર નીલ કાત્યાલે સુપ્રીમ કોર્ટમાં ટૅરિફને ગેરબંધારણીય ઠેરવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી

નીલ કાત્યાલ

નીલ કાત્યાલ


અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની વૈશ્વિક ટૅરિફને ગેરબંધારણીય જાહેર કરીને જણાવ્યું હતું કે ફક્ત અમેરિકન કૉન્ગ્રેસ પાસે જ ટૅક્સ લાદવાની સત્તા છે. આ નિર્ણયને અમેરિકન લોકશાહી અને બંધારણમાં સત્તાના સંતુલનને મજબૂત બનાવતો સીમાચિહ્‍નરૂપ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. આ કેસમાં પંચાવન વર્ષના ભારતીય-અમેરિકન વકીલ નીલ કાત્યાલે ડોનલ્ડ ટ્રમ્પની વ્યાપક વૈશ્વિક ટૅરિફ સામે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં કાનૂની પડકારનું નેતૃત્વ કર્યું હતું. તેઓ શિકાગોમાં ભારતીય ઇમિગ્રન્ટ માતા-પિતાના ઘરે જન્મ્યા હતા. તેઓ અગાઉ અમેરિકાના કાર્યકારી સૉલિસિટર જનરલ હતા અને હાલમાં એક ઇન્ટરનૅશનલ લૉ ફર્મ મિલબૅન્ક LLPમાં ભાગીદાર છે.

કોણે કેસ દાખલ કર્યો?



આ કેસ નાના અમેરિકન વેપારીઓ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો જેમને લાગ્યું હતું કે ટૅરિફ તેમના વેપારને અસર કરી રહી છે. ડોનલ્ડ ટ્રમ્પે ટૅરિફ લાદવા માટે ૧૯૭૭ના ઇન્ટરનૅશનલ ઇમર્જન્સી ઇકૉનૉમિક પાવર્સ અૅક્ટ (IEEPA)નો ઉપયોગ કર્યો હતો.


નીલ કાત્યાલની દલીલ

નીલ કાત્યાલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે પ્રેસિડન્ટે કટોકટીની આર્થિક સત્તાનો દુરુપયોગ કર્યો છે. તેમણે દલીલ કરી હતી કે ટૅરિફ ટૅક્સ છે અને એ લાદવાની સત્તા ફક્ત અમેરિકન કૉન્ગ્રેસ પાસે છે, પ્રેસિડન્ટ પાસે નહીં. ટૅરિફ એક્ઝિક્યુટિવ પાવર પર બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. કાત્યાલે આ ટૅરિફને અન્યાયી અને ગેરબંધારણીય ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે ૬-૩ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે કૉન્ગ્રેસ પાસે બંધારણ હેઠળ ટૅક્સ લાદવાની સત્તા છે.


ચુકાદા પછીની પ્રતિક્રિયા

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કાત્યાલે કહ્યું હતું કે ‘આજે અમેરિકાની સુપ્રીમ કોર્ટે કાયદાના શાસન અને સમગ્ર અમેરિકા માટે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. સંદેશ સરળ હતો કે પ્રેસિડન્ટ શક્તિશાળી હોય છે, પરંતુ આપણું બંધારણ એનાથી પણ વધુ શક્તિશાળી છે. અમેરિકામાં ફક્ત કૉન્ગ્રેસ જ અમેરિકન લોકો પર ટૅક્સ નાખી શકે છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે અમારા કાનૂની કેસમાં અમે જે માગ્યું એ બધું આપ્યું, બધું જ આપ્યું. આ કેસ હંમેશાં પ્રેસિડન્ટપદ વિશેનો રહ્યો છે, કોઈ એક પ્રેસિડન્ટ વિશે નહીં. એ હંમેશાં સત્તાના વિભાજન વિશે રહ્યો છે અને વર્તમાન રાજકારણ વિશે નહીં. હું ૨૫૦ વર્ષથી અમારી સરકારનો આધાર રહેલી અમારી સુપ્રીમ કોર્ટને અમારાં સૌથી મૂળભૂત મૂલ્યોનું રક્ષણ કરતી જોઈને ખુશ છું.’

નીલ કાત્યાલે બીજું શું-શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે કાયદાના શાસન અને સામાન્ય અમેરિકનોના અધિકારોનું રક્ષણ કર્યું છે.

પ્રેસિડન્ટ શક્તિશાળી છે, પરંતુ બંધારણ તેમનાથી પણ વધુ શક્તિશાળી છે.

અમેરિકામાં ફક્ત કૉન્ગ્રેસ પાસે ટૅક્સ લાદવાની સત્તા છે, પ્રેસિડન્ટ પાસે નહીં.

કોર્ટે અમારી કાનૂની દલીલોને સંપૂર્ણપણે સ્વીકારી છે.

કોર્ટે અમે જે નિર્ણય માગ્યો હતો એ આપ્યો છે.

આ કેસ કોઈ એક પ્રેસિડન્ટ વિરુદ્ધ નથી.

ડૉક્ટર-એન્જિનિયર માતા-પિતા

શિકાગોમાં ભારતીય ઇમિગ્રન્ટ માતા-પિતા (એક ડૉક્ટર અને એક એન્જિનિયર)ના ઘરે જન્મેલા કાત્યાલે ઉચ્ચ કક્ષાના કેસ લડીને પોતાની કારકિર્દી બનાવી છે. તેઓ ડાર્ટમાઉથ કૉલેજ અને યેલ લૉ સ્કૂલના ગ્રૅજ્યુએટ છે અને અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સ્ટીફન બ્રેયર માટે ક્લાર્ક તરીકે સેવા આપી છે. ૨૦૧૦માં પ્રેસિડન્ટ બરાક ઓબામા દ્વારા તેમને કાર્યકારી સૉલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમણે સુપ્રીમ કોર્ટ અને દેશભરમાં અપીલ-કોર્ટ સમક્ષ ફેડરલ સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ પચાસથી વધુ કેસમાં દલીલ કરી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી ઇલિનૉઇના ગવર્નરે ટ્રમ્પને ૮ અબજ ડૉલરનું ટૅરિફ રીફન્ડ બિલ મોકલ્યું

અમેરિકન સુપ્રીમ કોર્ટે વિવિધ દેશો પર લાદવામાં આવેલી મોટા ભાગની ટૅરિફને રદ કર્યા પછી ઇલિનૉઇના ગવર્નર જે. બી. પ્રિટ્ઝકરે રીફન્ડ માટે ૮ અબજ ડૉલર (આશરે ૭૮,૭૪૭ કરોડ રૂપિયા)થી વધુનું ઇન્વૉઇસ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મોકલ્યું છે. એક પત્રમાં તેમણે પ્રેસિડન્ટ ટ્રમ્પને લખ્યું છે કે ‘તમારી ટૅરિફે ખેડૂતો પર ભારે વિનાશ વેર્યો છે અને અમારા સાથીઓને ગુસ્સે કર્યા છે અને ગ્રોસરીના ભાવ આસમાને પહોંચાડ્યા છે. હવે તમારા દ્વારા પસંદ કરાયેલા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ તમને જાણ કરી કે ટૅરિફ પણ ગેરબંધારણીય છે. ઇલિનૉઇના લોકો વતી હું ઇલિનૉઇમાં દરેક પરિવાર માટે ૧૭૦૦ ડૉલર પાછા કરવાની માગણી કરું છું. મારા રાજ્યમાં ૫૧,૦૫,૪૪૭ ઘરો છે જેમાં તમને કુલ ૮,૬૭,૯૨,૬૧,૬૦૦ ડૉલરનું નુકસાન થયું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે તમારા વહીવટ દ્વારા વધુ એક ગેરબંધારણીય કૃત્ય થયું છે. આ પત્ર અને જોડાયેલા ઇન્વૉઇસ એક સત્તાવાર સૂચના તરીકે છે કે ઇલિનૉઇના લોકોને વળતર ચૂકવવાનું બાકી છે અને જો તમે એનું પાલન નહીં કરો તો અમે આગળની કાર્યવાહી કરીશું.’

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 08:44 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK