સુધા શાહ ૨૦૦૫માં સાઉથ આફ્રિકામાં વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ રમાયો એ વખતે ભારતીય ટીમનાં હેડ કોચ હતાં અને ભારતીય ટીમ ઉત્કૃષ્ટ દેખાવ કરીને ફાઇનલ સુધી પહોંચી હતી
ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં સુધા શાહ.
ગુજરાતી પપ્પા અને મલયાલી મમ્મીનાં દીકરી ૨૦૦૫માં વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમનાં હેડ કોચ હતાં: દેશ માટે ૨૧ ટેસ્ટ-મૅચ અને ૧૩ વન-ડે રમ્યાં છે તથા નૅશનલ સિલેક્ટર પણ રહી ચૂક્યાં છે : મૂળ વઢવાણના જસવંતલાલ શાહ પોતે ક્રિકેટ ન રમી શક્યા તો દીકરીઓને એન્કરેજ કરી
નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં તાજેતરમાં રમાયેલી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં ભારતની યુવતીઓએ જબરદસ્ત ફૉર્મ અને ટીમ-વર્કથી વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ સરજ્યો એ સમયે સૌરાષ્ટ્રમાં આવેલા મૂળ વઢવાણનાં સુધા શાહની ખુશીનો કોઈ પાર ન રહ્યો. હર્ષનાં આંસુ સરી પડ્યાં.
ADVERTISEMENT
સુધા શાહ ૨૦૦૫માં સાઉથ આફ્રિકામાં વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ રમાયો એ વખતે ભારતીય ટીમનાં હેડ કોચ હતાં અને ભારતીય ટીમ ઉત્કૃષ્ટ દેખાવ કરીને ફાઇનલ સુધી પહોંચી હતી. એ સમયે ભારતીય ટીમ રનર-અપ બની હતી. સુધા શાહ સહિત ભારતીય ટીમનો વર્લ્ડ કપ જીતવાનો મનસૂબો જેમનો તેમ રહી ગયો હતો, પરંતુ આ વખતે ભારતીય યુવતીઓએ વન-ડે વર્લ્ડ કપ જીતીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી એનાથી સુધા શાહ બહુ જ ખુશ થયાં હતાં. ગુજરાતી પિતા જસવંતલાલ અને મલયાલી માતા કનકમ શાહનાં સંતાન ૬૭ વર્ષનાં સુધા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વર્લ્ડ કપ જીતવાનુ સપનું જોયું હતું એ આજે પૂરું થયું છે. આજે અમે સાચાં પડ્યાં, ડ્રીમ્સ કમ ટ્રુ. ભારતીય મહિલા ટીમે વર્લ્ડ કપ જીત્યો એનાથી હું બહુ જ ખુશ થઈ, કેમ કે ૨૦૦૫માં સાઉથ આફ્રિકામાં જ્યારે મહિલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ રમાયો એમાં હું હેડ કોચ હતી અને આપણી ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. અમે કપ જીતવા માટે કૉન્ફિડન્ટ હતાં. અમે એ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચ્યાં હતાં, પરંતુ દેશ માટે વર્લ્ડ કપ જીતવાનું અમારું સપનું અધૂરું રહી ગયું હતું એ હવે પૂરું થયું છે. હરમનપ્રીત, જેમિમા, રાધા, દીપ્તિ, સ્મૃતિ સહિત આપણી ટીમની દરેક પ્લેયરે સમગ્ર ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું. બધા ખેલાડીઓએ કન્ટ્રિબ્યુટ કર્યું અને આપણે વર્લ્ડ કપ જીત્યા.’

૧૯૭૯માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇન્દિરા ગાંધીની મુલાકાત કરી હતી એ સમયના ફોટોમાં નીચે બેસેલી મહિલા ક્રિકેટરોમાં જમણેથી બીજા નંબરે બેસેલાં સુધા શાહ.
હિસ્ટરી સબ્જેક્ટ સાથે બૅચરલ ઑફ આર્ટ્સનો અભ્યાસ કરનારાં સુધા શાહને કેવી રીતે ક્રિકેટ રમવામાં ઇન્ટરેસ્ટ પડ્યો એની રોમાચંક સફર વિશે વાત કરતાં સુધા શાહે કહ્યું કે ‘અમે મૂળ સૌરાષ્ટ્રના વઢવાણનાં. મારા દાદા એક સમયે સાઉથ ગુજરાતના સોમગઢમાં રહેતા હતા. જોકે એ પછી અમારી ફૅમિલી બર્માના રંગૂનમાં ગઈ અને ત્યાં જ્વેલરીનું કામ હતું. જોકે વર્લ્ડ-વૉરને કારણે અમારી ફૅમિલી ચેન્નઈ આવી ગઈ અને ત્યાં પણ જ્વેલરીનું કામ શરૂ કર્યું. મારા પપ્પા જસવંતલાલ શાહ તામિલનાડુ ક્રિકેટ અસોસિએશનના ફાઉન્ડર સેક્રેટરી હતા. તેમને ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો, પરંતુ દાદા ભાઈલાલભાઈએ પપ્પાને ધંધામાં ધ્યાન આપવાનું કહીને ક્રિકેટ રમવા માટે ના પાડી હતી. એથી મારા પપ્પાએ મને, મારી બહેનને અને ભાઈને એન્કરેજ કર્યાં. તેઓ તો ક્રિકેટ ન રમી શક્યા, પણ અમને ક્રિકેટ રમતાં કર્યાં. મારો ભાઈ સ્કૂલમાં ક્રિકેટ રમતો હતો, મારી બહેન તામિલનાડુ અને સાઉથ ઝોનની ટીમમાંથી ક્રિકેટ રમી છે અને હું તામિલનાડુ, સાઉથ ઝોન અને ભારતીય મહિલા ટીમમાંથી ટેસ્ટ અને વન-ડે મૅચ રમી છું. એ જમાનામાં હું કૉલોનીમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. તામિલનાડુ ક્રિકેટ ટીમમાં હું ૧૯૭૩થી ૧૯૯૭ સુધી ક્રિકેટ રમી છું અને ટીમની કૅપ્ટન પણ રહી ચૂકી છું. ૧૯૭૫થી ૧૯૯૧ સુધી હું ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સભ્ય રહી હતી. ઑલરાઉન્ડર તરીકે હું રમતી હતી. બૅટિંગની સાથે ઑફસ્પિન બોલિંગ કરતી હતી. મારી કરીઅરમાં મેં ૨૧ ટેસ્ટ-મૅચ અને ૧૩ વન-ડે મૅચ રમી છે. ભારત વતી ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ તેમ જ ઇંગ્લેન્ડમાં પણ અમે મૅચ રમ્યાં છીએ.’
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કોચ તરીકે તેમ જ નૅશનલ સિલેક્ટર તરીકેની સફર વિશે વાત કરતાં અપરિણીત રહેલાં સુધા શાહે કહ્યું હતું કે ‘૧૯૯૭માં હું રિટાયર થઈ હતી. એક વર્ષ મેં રેસ્ટ લીધો હતો. પછી મેં કોચિંગ શરૂ કર્યું હતું અને ૧૯૯૯માં પહેલી વાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કોચ બની હતી. એ પછી ૨૦૦૩થી ૨૦૧૦ સુધી કોચ તરીકે કામગીરી કરી હતી. ત્યાર બાદ ૨૦૧૪માં પણ કોચ તરીકે કામગીરી કરી હતી. ૨૦૧૩માં તેમ જ ૨૦૧૭થી ૨૦૨૦ દરમ્યાન હું નૅશનલ સિલેક્ટર રહી ચૂકી છું.’
૨૦૦૫ના વર્લ્ડ કપ વખતે કેવા પડકારો હતા અને કેટલા લોકો જાણતા હતા કે વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ રમાય છે એની વાત કરતાં સુધા શાહે કહ્યું કે ‘સાઉથ આફ્રિકામાં ૨૦૦૫માં મહિલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ રમાયો હતો. એમાં ભારતીય ટીમની હું હેડ કોચ હતી. એ સમયે ચાર જણનો જ સપોર્ટ-સ્ટાફ હતો. હું હેડ કોચ હતી તથા એક મૅનેજર, એક ફિઝિયો અને એક ટ્રેઇનર હતા. પડકારોની વચ્ચે અમે ૨૦૦૩થી જ વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ફીલ્ડિંગ, ફિઝિકલ ફિટનેસના કૅમ્પ કર્યા હતા. ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ સામે ઇન્ટરનૅશનલ વન-ડે મૅચ બહુ રમ્યાં હતાં અને એ રીતે આપણી ટીમની તૈયારી થઈ હતી જેના કારણે આપણી મહિલા ટીમ વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચી હતી. અમે જ્યારે વર્લ્ડ કપ રમવા ગયાં ત્યારે અમારી ફૅમિલી અને ફ્રેન્ડ્સને જ ખબર હતી કે અમે વર્લ્ડ કપ રમવા જઈ રહ્યાં છીએ. મોટા ભાગે કોઈને ખબર જ નહોતી. જોકે આપણી ટીમે આ બધી વાતને બાજુ પર મૂકીને રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આપણી ટીમ ફાઇનલ રમીને દેશમાં પાછી ફરી ત્યારે હું મુંબઈ ઍરપોર્ટ પરથી રિક્ષામાં બેસીને મારી ફ્રેન્ડને ત્યાં ગઈ હતી અને પછી મારા ઘરે ચેન્નઈ ગઈ હતી. એ સમયે કોઈ ઓળખતું પણ નહીં.’
આજે તો મહિલા ક્રિકેટ માટે બહુ જ સારી સુવિધાઓ મળતી થઈ છે, પરંતુ એ સમયે મહિલા ક્રિકેટર્સને તકલીફો પડી હતી એ વિશે વાત કરતાં સુધા શાહે કહ્યું હતું કે ‘એ સમયે વિમેન્સ ક્રિકેટ અસોસિએશનમાં એટલા પૈસા નહોતા. હવે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) સાથે મર્જ થતાં સારી ફૅસિલિટી મળતી થઈ છે. પહેલાં અમે મૅચ રમવા બહાર જતાં ત્યારે ડૉર્મિટરીમાં રહેતાં હતાં. ઘણી વખત ક્લાસરૂમમાં રહ્યાં છીએ. ટ્રેનમાં અનરિઝર્વ્ડ કોચમાં ટ્રાવેલ કરતાં હતાં. મહિલા ક્રિકેટની એટલી બધી અવેરનેસ નહીં હોવાને કારણે છોકરીઓને ફોર્સ કરીને બોલાવવી પડતી હતી. એ સમયે છોકરીઓને ક્રિકેટ અથવા કરીઅર બેમાંથી એકની પસંદગી કરવાની રહેતી હતી અને એના કારણે ઘણી છોકરીઓએ ક્રિકેટ રમવાનું બંધ કર્યું હતું.’
ફોટો – ૩ – ૧૯૭૯માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇન્દિરા ગાંધીની મુલાકાત કરી હતી એ સમયના ફોટોમાં નીચે બેસેલી મહિલા ક્રિકેટરોમાં જમણેથી બીજા નંબરે બેસેલાં સુધા શાહ.


