૧૮ વિકેટ લેનાર પ્રભથ જયસૂર્યા બન્યો પ્લેયર આૅફ ધ સિરીઝ, મૅન આૅફ ધ મૅચ કામિન્દુ મેન્ડિસ
ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે શ્રીલંકન ક્રિકેટ ટીમ
શ્રીલંકાએ ગૉલ સ્ટેડિયમમાં ચોથા દિવસની રમત દરમ્યાન ન્યુ ઝીલૅન્ડને ઇનિંગ્સ અને ૧૫૪ રનથી હરાવી ટેસ્ટ-સિરીઝ ૨-૦થી જીતીને ક્લીન સ્વીપ કર્યું છે. ૧૫ વર્ષ બાદ શ્રીલંકન ટીમ ન્યુ ઝીલૅન્ડને ટેસ્ટ-સિરીઝમાં હરાવવામાં સફળ રહી છે. છેલ્લે ઑગસ્ટ ૨૦૦૯માં શ્રીલંકાએ ન્યુ ઝીલૅન્ડને ટેસ્ટ-સિરીઝમાં માત આપી હતી. ગૉલ સ્ટેડિયમમાં ન્યુ ઝીલૅન્ડ શ્રીલંકા સામે હમણાં સુધી ૬ ટેસ્ટ રમ્યું છે અને એક પણ વાર જીતી શક્યું નથી.
SL vs NZ: શ્રીલંકાની ટીમે આ મૅચની પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટના નુકસાન પર ૬૦૨ રને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી, પરંતુ ન્યુ ઝીલૅન્ડની ટીમ એની બન્ને ઇનિંગ્સમાં મળીને પણ એટલા રન બનાવી શકી નહોતી. મહેમાન ટીમ પહેલી ઇનિંગ્સમાં માત્ર ૮૮ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી જેના કારણે શ્રીલંકાએ પ્રથમ દાવના આધારે ૫૧૪ રનની લીડ લીધી હતી અને ન્યુ ઝીલૅન્ડને ફૉલોઑન રમવાની ફરજ પડી હતી.
બીજી ઇનિંગ્સમાં ન્યુ ઝીલૅન્ડ ૩૬૦ રને ઑલઆઉટ થઈ ગયું હતું જેના કારણે આ ટીમે ૧૫૪ રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ૧૮૨ રન ફટકારનાર કામિન્દુ મેન્ડિસ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે, જ્યારે બે મૅચમાં ૧૮ વિકેટ લઈને સ્પિનર પ્રભથ જયસૂર્યા પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો છે. ડેબ્યુ ટેસ્ટમાં શ્રીલંકન સ્પિનર નિશાન પેરિસે ૨૦૩ રન આપીને ઝડપી ૯ વિકેટ.
ADVERTISEMENT
ડેબ્યુ ટેસ્ટમાં શ્રીલંકન સ્પિનર નિશાન પેરિસે ૨૦૩ રન આપીને ઝડપી ૯ વિકેટ
સનથ જયસૂર્યાને મળ્યું પ્રમોશન
છેલ્લા ત્રણ મહિનામાં શ્રીલંકન ટીમના શાનદાર પ્રદર્શનને કારણે ભૂતપૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાને પ્રમોશન મળ્યું છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેનો કરાર આગામી એક વર્ષ માટે લંબાવ્યો છે. હવે તેને આગામી એક વર્ષ માટે વચગાળાના કોચમાંથી ટીમનો હેડ કોચ બનાવવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ 2024માં ખરાબ પ્રદર્શનને કારણે આ ટીમના ભૂતપૂર્વ હેડ કોચ ક્રિસ સિલ્વરવુડ અને સલાહકાર કોચ મહેલા જયવર્દનેએ રાજીનામું આપી દીધું હતું. જયસૂર્યાને સૌથી પહેલાં ડિસેમ્બર ૨૦૨૩માં એક વર્ષ માટે ક્રિકેટ કન્સલ્ટન્ટ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. આ અંતર્ગત તેઓ હાઈ પર્ફોર્મન્સ સેન્ટર માટે કામ કરતા હતા.