વિજય હઝારે ટ્રોફીની પહેલી મૅચમાં તાબડતોબ સદી ફટકારીને રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટુર્નામેન્ટના પ્રારંભને યાદગાર બનાવ્યો હતો. એના કારણે ટુર્નામેન્ટની સતત બીજી મૅચમાં આ બન્ને અનુભવી ક્રિકેટરનું પ્રદર્શન ચર્ચાના કેન્દ્રમાં રહ્યું હતું.
મુંબઈ અને દિલ્હી સતત બીજી મૅચ જીત્યાં
વિજય હઝારે ટ્રોફીની પહેલી મૅચમાં તાબડતોબ સદી ફટકારીને રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટુર્નામેન્ટના પ્રારંભને યાદગાર બનાવ્યો હતો. એના કારણે ટુર્નામેન્ટની સતત બીજી મૅચમાં આ બન્ને અનુભવી ક્રિકેટરનું પ્રદર્શન ચર્ચાના કેન્દ્રમાં રહ્યું હતું. ગઈ કાલે બીજી મૅચમાં રોહિત શર્મા ઉત્તરાખંડ સામે ગોલ્ડન ડક થયો, જ્યારે વિરાટ કોહલીએ ગુજરાત સામે ૭૭ રન ફટકાર્યા હતા.
ક્રિકેટ બોર્ડના આદેશ અનુસાર ઓછામાં ઓછી બે મૅચ રમ્યા બાદ આ ધુરંધર ક્રિકેટર્સ બાકીની ગ્રુપ-સ્ટેજ મૅચમાં રમશે કે નહીં એના પર સૌની નજર રહેશે. જોકે એની સંભાવના ઓછી લાગી રહી છે.
જયપુરમાં સિક્કિમ સામેની પહેલી મૅચમાં ૧૫૫ રન મારીને પ્લેયર ઑફ ધ મૅચ જીતનાર રોહિત શર્મા ગઈ કાલે ઉત્તરાખંડ સામે ગોલ્ડન ડક એટલે કે પહેલા બૉલે ઝીરો પર કૅચઆઉટ થયો હતો. ફાસ્ટ બોલર દેવેન્દ્ર સિંહ બોરાની પહેલી ઓવરના છેલ્લા શૉર્ટ બૉલ પર રોહિત શર્મા કૅચઆઉટ થયો હતો. તેણે પુલ શૉટની મદદથી બૉલને બાઉન્ડરીની પાર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જગમોહન નાગરકોટીએ બીજા પ્રયાસે કૅચ પકડી
લીધો હતો.
મુંબઈએ ખાન બ્રધર્સની ત્રીજી વિકેટની ૧૦૭ રનની ભાગીદારીને આધારે ૭ વિકેટે ૩૩૧ રન કર્યા હતા. મુશીર ખાને અને સરફરાઝ ખાને ૫૫-૫૫ રન અને હાર્દિક તોમરે ૯૩ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. યુવરાજ ચૌધરીની ૯૬ રનની ઇનિંગ્સ છતાં ઉત્તરાખંડ ૯ વિકેટે ૨૯૦ રન કરીને ૫૧ રને હાર્યું હતું. ફીલ્ડિંગ દરમ્યાન મહત્ત્વપૂર્ણ કૅચ પકડીને રોહિત શર્માએ પોતાનું યોગદાન આપ્યું હતું.
દિલ્હી માટે વિરાટ કોહલીએ ૭૭ અને રિષભ પંતે ૭૦ રન ફટકાર્યા
આંધ પ્રદેશ સામે ૧૩૧ રન કરનાર વિરાટ કોહલીએ ગઈ કાલે બૅન્ગલોરમાં ગુજરાત સામે ૬૧ બૉલમાં ૭૭ રન કર્યા હતા. તેની આ ૧૩ ફોર અને એક સિક્સરવાળી ઇનિંગ્સ સહિત બે કૅચ પકડવાને કારણે તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે લિસ્ટ A ક્રિકેટમાં સતત છઠ્ઠી વખત ૫૦+ રનની ઇનિંગ્સ રમી હતી.
ADVERTISEMENT

ગુજરાતના ધુરંધર વિકેટકીપર-બૅટર ઉર્વિલ પટેલે વિરાટને સ્ટમ્પિંગ કરીને સદી કરતાં રોક્યો હતો. કૅપ્ટન રિષભ પંતે પણ ૭૯ બૉલમાં ૮ ફોર અને બે સિક્સરની મદદથી ૭૦ રન કરી ટીમનો સ્કોર ૨૫૪-૯ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ગુજરાત ૪૭.૪ ઓવરમાં ૨૪૭ રને ઑલઆઉટ થઈને માત્ર ૭ રને હાર્યું હતું.


