આકાર મારો રુદિયો જાણે છે, તેના હૈયે પણ હું છું ને ઘરના સૌને પસંદ પણ છું એ બધું જાણી અવનિ અવાક થઈ, પછી નિસાસો સરી ગયો
ઇલસ્ટ્રેશન
‘તમારા સાહેબનાં અપલક્ષણ જુગાર પૂરતાં જ મર્યાદિત નથી.’ ઇન્સ્પેક્ટરે ધડાકો કર્યો, ‘તેમનું બીજું કાળું કામ એટલે ઐયાશી!’
‘બહુ થયું, ઇન્સ્પેક્ટર’ આરોહી ઊભી થઈ ગઈ, ‘એક સજ્જન આદમીને જુગારી અને હવે ઐયાશ બતાવતાં લજાતા નથી?’
ADVERTISEMENT
‘ઐયાશ જ નહીં, આનંદ પરપીડનવૃત્તિ ધરાવતો વહેશી છે.’ મિત્તલનાં જડબાં તંગ થયાં, ‘અને આ આરોપ મૂકનારી અહીં હાજરાહજૂર છે.’ તેણે સાદ પાડ્યો, ‘કજરી!’
અને તે દેખાઈ.
આ તો એ જ!
અવનિને ‘ગીતાંજલિ’નું દૃશ્ય સાંભરી ગયું. અત્યારે જોકે બાઈ ત્રસ્ત જણાય છે, પગે ખોડંગાતી તે આનંદને જોતાં જ ચીખે છે ને ધસી જઈ ધડાધડ તમાચા વીંઝવા લાગે છે, ‘રાક્ષસ! નરાધમ! કયા જન્મનું વેર વાળ્યું તેં મારી સાથે?’
આનંદે કજરીને આપેલા જખમ વિશે ઇન્સ્પેક્ટરે ફોડ પાડતાં અરેરાટી જન્મી : કજરીના ગુપ્ત ભાગ પર સ્પિરિટ છાંટી આગ ચાંપી બદમાશ ભાગી ગયો!
‘નો, નો. ધિસ ઇઝ કૉન્સ્પિરસી.’ આનંદ બબડ્યો : ‘CCTV ફુટેજમાં હું દેખાઉં છું, પણ વાસ્તવમાં હું નથી. મેં પાસપોર્ટ ચોરાવ્યો નથી. આ સ્ત્રીને હું ઓળખતો પણ નથી.’
‘ઇનફ!’ અવનિ ચીખી ઊઠી. તેના તેવરે આકાર, આરોહી તો ઠીક આનંદ પણ ડઘાઈ ગયો.
‘ઇનફ સર. આ કજરી સાથે તમને જોયાની હું સાક્ષી છું.’
‘લો!’ અવનિના બયાને ઇન્સ્પેક્ટર-હવાલદારની નજર એક થઈ.
‘અવનિ!’ આકારના લાગણીતંત્રમાં હડકંપ મચ્યો. પોતે જેને ચાહી એ જ વ્યક્તિ મારી આદર્શ મૂર્તિ પર કીચડ ઉછાળે એ અસહ્ય બની ગયું. જાણે કંઈકેટલું તૂટવાને આરે આવી ગયું, ‘તને ભાન પણ છે તું શું લવારો કરે છે? તું એ માણસ પર દોષ ઢોળે છે જેણે આપણી પ્રીતને પહેલી પોંખી?’
આપણી પ્રીત!
આકાર મારો રુદિયો જાણે છે, તેના હૈયે પણ હું છું ને ઘરના સૌને પસંદ પણ છું એ બધું જાણી અવનિ અવાક થઈ, પછી નિસાસો સરી ગયો, ‘તમને ગુમાવવાના ડરે હું આટલા દિવસો ચૂપ રહી પણ આજે ચૂપ રહી આ માણસ દીદીને છેતરતો રહે એવું નહીં થવા દઉં.’
તે મક્કમપણે આરોહી તરફ ફરી, ‘તમને યાદ હોય આરોહીદીદી તો મેં તમને પૂછેલું પણ કે સર રાતે ક્યાં હતા. અને તમે કહેલું દોશીને ત્યાં...’
‘કરેક્ટ.’ આનંદે દૃઢતા દાખવી, ‘તમે જે રાતની વાત કરો છો સાહેબ, ત્યારે પણ હું ત્યાં જ હતો.’
‘ફાઇન. આનું સાક્ષી ધૅટ દોશી સિવાય કોઈ હશે? CCTV...’
‘નથી.’ આનંદે હોઠ કરડ્યો.
‘સી!’ મિત્તલે ખભા ઉલાળ્યા, ‘તમે પુરાવો પણ એવો રાખ્યો આનંદ કે તમે ફસાઓ નહીં અને અમે પુરવાર કરી શકીએ નહીં.’
તેણે સ્ટાફમાં નજર દોડાવી, ‘નક્કી તમારે કરવાનું છે, આનંદ જુગારી હોવાના પુરાવા તમે જોઈ લીધા. તેની ઐયાશીનો નમૂનો પણ નજર સામે છે. બાઈની હાલત જોઈને પણ તમને પગનું ખાસડું આના માથે મારવાનું મન ન થતું હોય, તેનું મોં કાળું કરી ગધેડે ફેરવવાનું મન ન થાય તો મહેરબાની કરી મહિલા દિન ઊજવવાનું ધતિંગ બંધ કરો.’
‘આનંદ મહેતા... હાય-હાય!’
બહાર દેકારો મચ્યો. કોઈ નારીવાદી સંસ્થાવાળા આવીને લૉબી ગજવતા હોય એના પડઘા કૉન્ફરન્સ રૂમ સુધી પહોંચ્યા.
આનંદના ચહેરા પર વિષાદ ઘૂંટાયો : કોઈ કહી દો આ સત્ય નથી!
‘હું કહું છું.’ આરોહીએ આનંદનો હાથ હાથમાં લીધો, ‘મારું એકમાત્ર સત્ય તમે, આનંદ. આજે પણ અને હંમેશાં.’
‘ધન્ય દીકરી.’ મીતાબહેને સાદ પુરાવ્યો.
આકાર આનંદના બીજા પડખે ગોઠવાયો, ‘કોઈએ મારા વિશ્વાસને અંધવિશ્વાસ માનવો હોય તો છૂટ છે, પણ પ્યાર હોય ત્યાં વિશ્વાસ તો તોલ્યો તોલાય નહીં એટલો હોય જ.’
વાક્ય અવનિ માટે હતું. ના, અવનિને અકળામણ ન થઈ, બલકે અચરજ જરૂર ઘૂંટાયું : આટઆટલા પુરાવા અવગણવાનું સામર્થ્ય કેટલા ભરોસાએ પ્રગટતું હશે!
‘એ ભરોસો હોય અવનિ તો પ્રણય હોય. અને પ્રણય હોય તો એ ભરોસો હોય.’
આરોહીએ એક વાક્યમાં સહજીવનનો પદાર્થપાઠ આપી દીધો એવું લાગ્યું અવનિને. તો શું પોતે જોયું એ ખોટું?
અને તેને ઝબકારો થયો, ‘આનંદ સરનો ટ્વિન બ્રધર નથી, આ સંજોગોમાં એક શક્યતા રહે છે. બની શકે આનંદ સર સ્પ્લિટ પર્સનાલિટીનો ભોગ બન્યા હોય!’
હેં! આ ટર્મ અજાણી નથી. એક જ વ્યક્તિમાં બે કે એથી વધારે વ્યક્તિ શ્વસતી હોય એને સ્પ્લિટ કે મલ્ટિપલ પર્સનાલિટી ડિસઑર્ડર કહે છે. આમાં ઘણી વાર મૂળ વ્યક્તિને પોતાના બીજા રૂપની જાણ જ નથી હોતી એમ પહેલી વ્યક્તિ પ્રત્યે ખાર રાખી તેને બદનામ કરવાનો કારસો બીજી વ્યક્તિ ઘડે એવું બન્યાના પણ દાખલા છે જ!
‘નહીં, મને એવો કોઈ ડિસઑર્ડર નથી. હું મારી જાતને એટલું નથી ધિક્કારતો કે ખુદને ઐયાશ કે જુગારી પુરવાર કરું.’
‘તો પછી કોઈ બીજું તમને ઐયાશ, જુગારી પુરવાર કરવા માગતું હોય.’
અવનિથી બોલી જવાયું. આનંદના હોઠ પાતળા સ્મિતમાં વંકાયા, ‘ધેર યુ આર! મારે તારા મોંએ આટલું જ સાંભળવું હતું. આકુની થનારી પત્નીને પણ મારામાં આટલી શ્રધ્ધા તો હોવી ઘટે.’
‘બહુ થયું.’ કજરીની ધીરજ ખૂટી હોય એમ તે આનંદ તરફ ધસી, ‘બદમાશ, આજે તારું મોં કાળું કર્યા વિના નહીં રહું!’ કહેતાં બ્લાઉઝમાંથી પાઉચ કાઢી અંદરનો કાળો રંગ આનંદના ચહેરા પર પિચકારીની જેમ છોડવા જાય છે કે...
‘બસ!’
આનંદે તેનો હાથ પકડી, મરોડી પાઉચ વચકાવી દીધું.
‘મને એટલું કહે કજરી, મારા ચહેરા સિવાય મારા શરીરની કોઈ નિશાની તને યાદ છે?’
આનંદ પૂછતો કજરીને હતો ને તેની નજર ઘડીક મિત્તલને ઘડીક મોહનસિંહને વીંધી રહી હતી. તેમનું તારામૈત્રક જોઈ આનંદના અનુમાનને બળ મળ્યું, ‘એક નિશાની હું આપું?’
કજરી તેને ધૂંધવાતી નજરે જોઈ રહી. પોતાને દઝાડીને પલાયન થઈ ગયેલા આનંદની ભાળ હૉસ્પિટલમાં મળવા આવેલા આ ઇન્સ્પેક્ટરે આપી હતી : કાયદો તો તેને સજા કરશે જ પણ આજે મહિલા દિવસ નિમિત્તે તેનું મોં કાળું કરવાની તને તક આપું છું... એ સાવ ઢૂંકડું હતું ત્યાં આનંદ આ શરીરની નિશાનીનું શું તૂત લઈ બેઠો?
‘મારી છાતીના ડાબા ખૂણે ચારેક ઇંચ જેવડું લાખું છે?’
આનંદની નજર હજી પણ ઇન્સ્પેક્ટર-હવાલદારની જોડી પર જડી હતી.
‘હા, છે!’ કજરી તાડૂકી, ‘સાડી સત્તર વાર છે!’
અને આનંદે શર્ટનાં ઉપલાં બટન ખોલી નાખ્યાં, ‘જો, ક્યાં છે?’
કજરીના ડોળા ચકળવકળ થયા : આ કેમ બને? જન્મજાત નિશાની ગાયબ કઈ રીતે થઈ શકે?
‘નહીં જ થઈ શકે.’ આનંદ મક્કમ ડગલે ઇન્સ્પેક્ટર-હવાલદારની જોડી તરફ વળ્યો, ‘એ નિશાની જ્યાં હોવી જોઈએ ત્યાં તો છે જ.’
એ જ વખતે દરવાજે નૉક થયું. બધાની ગરદન ઘૂમી : ઓહ, પાછી પોલીસ! પણ આ ઇન્સ્પેક્ટર તો જાણીતા છે, બાજુની જ ચોકીના સહદેવ સર.
‘તમારા ગેટકીપરનો ફોન આવ્યો કે મહિલા મોરચાવાળા બળજબરી બિલ્ડિંગમાં ઘૂસી ગયા છે. એટલે મારે આવવું પડ્યું.’
‘તમે સમયસર આવી ગયા, સાહેબ. આ બેઉનાં શર્ટ ઉતરાવો એટલે ખબર પડે કે સાહિલ નથવાણી કોણ છે.’
ઇન્સ્પેક્ટર ઝંખવાયો, હવાલદાર સરકવા ગયો પણ આકારે દોડીને બેઉનાં બાવડાં ઝાલી રાખ્યાં: ખબરદાર!
‘આ તો નકલી પોલીસ છે.’ સહદેવ ભાડાના યુનિફૉર્મ પરથી ભેદ પામી ગયા, ‘ચલ, ઉતાર વર્દી!’
અને ઇન્સ્પેક્ટરનું શર્ટ ઊતરતાં જ કજરીની આંખો ફાટી ગઈ : આ તો એ જ લાખું!
‘પણ ચ..હેરો...’
‘માનવી વસ્ત્રોથી અંગ ઢાંકતો થયો એ પહેલાંથી કદાચ લાગણીદ્વેષને ઢાંકવા મુખવટાનો ઉપયોગ કરતાં શીખી ગયેલો. ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક, કોઈ ને કોઈ કારણોસર મુખવટો આપણે સૌએ ઓઢ્યો છે પણ આ બદમાશો તો મહોરાં બદલવામાં માહેર છે!’
દાંત ભીંસી આનંદે ઇન્સ્પેક્ટરના ચહેરા પર નખ બેસાડી નકાબની જેમ મહોરું ચીર્યું ને તેનો અસલી ચહેરો ઊઘડી ગયો : આરોહી, કૉલેજમાં એક જુવાનને મેં ગધેડે ફેરવેલો એ યાદ છે? એ આ સાહિલ નથવાણી!
એ જ રીતે આકારે હવાલદારનું મહોરું ચીરતાં વિલિયમ જેવો જૂનો સ્ટાફ ચોંકી ગયો : વિરાજ, તું?
(સાહિલની કામવાસના પ્રબળ હતી. કૉલેજની યુવતીઓને ફોસલાવી તેમનું યૌવન માણવાની તેની ફિતરત હતી. આમ જ એક કન્યાને ફસાવી, ફોસલાવી તેણે એક દિવસ હૉસ્ટેલની રૂમમાં બળજબરી આદરી, પણ લગ્ન પહેલાં આબરૂ લુંટાવવા યુવતી તૈયાર નહોતી. તેણે ચીસો પાડી. સાહિલની રૂમમાંથી આવતી ચીસોથી બીજા ટેવાઈ ગયેલા, પણ ટ્યુટોરિયલના કામે હૉસ્ટેલ આવેલા આનંદનો પિત્તો ગયો. લાતના મારથી દરવાજો ખોલ્યો, અડધા ઉઘાડા સાહિલને પટ્ટાથી ફટકાર્યો ને પછી તો મોં કાળું કરી ગધેડે ફેરવ્યો.)
‘એ બદનામીથી ગલવાઈ કૉલેજ-હૉસ્ટેલ છોડી ગચ્છંતિ કરી ગયેલો સાહિલ આજે દેખાયો. અને વિરાજ! વાપીનો આપણો એક્સ-મૅનેજર, જેને માલની તસ્કરીમાં પકડી મેં આ જ હૉલમાં ઉઘાડો પાડ્યો.’
‘એટલે તો તને અહીં જ ઐયાશ, શરાબી, જુગારી ઠેરવી મોં કાળું કરવાનો અમારો પ્લાન હતો...’
સાહિલે કબૂલી લીધું.
કૉલેજમાંથી ભાગ્યા પછી સાહિલની કે નોકરીમાંથી બરતરફ થયા પછી વિરાજની ચલગત બદલાઈ નહોતી. તેમનાં કાળાં કરતૂતોએ તેમને જેલમાં ભેગા કરી દીધા. બન્નેનો દુશ્મન એક નીકળ્યો એટલે પણ તેમની વચ્ચે મિત્રતાની ધરી રચાઈ. એમાંથી આનંદને બદનામ કરવાનું કાવતરું ઘડાયું.
‘તને બરબાદ કરવાના હજાર રસ્તા હતા. જીવલેણ હુમલો, તારા છોકરાનું કિડનૅપિંગ... પણ ના, અમને બન્નેને તારા ચારિત્રહનનમાં રસ હતો : અમને ઉઘાડા પાડનારના સંસ્કારોનું ચીરહરણ થવું જોઈએ. તે લોકોની નજરમાં, કાયદાના ચોપડે ઐયાશ, જુગારી ગણાવો જોઈએ. આઠેક માસ અગાઉ જેલમાંથી છૂટ્યા પછી અમારું એ જ એકમાત્ર લક્ષ્ય હતું. મેં તારી ગતિવિધિ પર નજર રાખી. ’ વિરાજે દમ ભીડ્યો, ‘અમે યોજના ઘડી, આમાં હુકમનો એક્કો પુરવાર થવાની હતી સાહિલની સ્કિલ!’
‘તું કદાચ નહીં જાણતો હો આનંદ, પણ મારા બાપદાદા બહુરૂપીનો વેશ કાઢતા. માસ્ક બનાવવાની મારી માસ્ટરી છે.’
એટલે વિરાજ આનંદની ગતિવિધિ પર નજર રાખે ને સાહિલ આનંદ બની આનંદની જ હાજરી વર્તાય એ ઢબે કાળાં કામ કરે એ પ્લાન ધાર્યા મુજબ પાર પડતો ગયો. વિલિયમ-લિલીનું લફરું વિરાજને માલૂમ હતું એટલે તેના રસ્તે પાસપોર્ટ ચોર્યો, ગોવાનાં ફુટેજ પછી કજરીને ત્રાસ આપ્યો. નારીવાદી સંસ્થાને તેડાવી.
‘વી વેર ઑલમોસ્ટ ક્લોઝ. બસ, તારી ફૅમિલી ન માની અને આ અવનિએ ખરા વખતે હિન્ટ આ...પી.’ સાહિલ થોથવાયો, છેલ્લા શબ્દો ગળામાં જ અટવાઈ ગયા કેમ કે...
આખો કારસો સમજી ચૂકેલી કજરીએ કેક ટેબલ પર રહેલી છરી ઉઠાવી તેના બે પગની વચ્ચે ખચાખચ ઘોંચવા માંડી : મને તેં ધંધાને કાબેલ ન રાખી તે તુંય પુરુષ કહેવડાવવાને લાયક નહીં બચે, લેતો જા!
બૂરાનો અંજામ બૂરો જ હોવાનો!
lll
કથાના ઉપસંહારમાં એટલું કે પુરુષત્વ ગુમાવી બેઠેલા સાહિલે હૉસ્પિટલમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો ને મિત્રના અંજામ અને કાયદાની સજાના બેવડા મારથી ભાંગી પડેલા વિરાજની ડાગળી ચસકી ગઈ. જેવી જેની કરણી!
કજરીને આરોહીએ નારી નિકેતનમાં ઍડ્મિટ કરી સાચવી લીધી છે. વિલિયમે આનંદની માફી માગી પોતાનું લફરું પત્ની સમક્ષ કબૂલી તેનીયે માફી માગી હળવો થઈ ગયો.
‘આકુ, અવનિ પર ગર્વ કરજે. પ્યારની ઉપરવટ જઈ તેનામાં સત્ય કહેવાની હિંમત છે, તેને પોંખવાની હોય.’ આનંદની સમજ પછી આકુને દ્વિધા ન રહી. સૌ અવનિના ઘરે પહોંચ્યા. અણધાર્યા કહેણમાં માવતરનો રાજીપો જ વરસ્યો.
અને ગદ્ગદ થતી અવનિ આનંદના આશીર્વાદ લેવા ઝૂકી : આકુની જેમ હું પણ તમારી છત્રછયાને લાયક રહી શકું એવા આશિષ આપો!
અને આનંદના આશિષ પછી આકાર-અવનિના સહજીવનમાં સુખ જ સુખ રહ્યું એ ઉમેરવાની જરૂર ખરી?
(સમાપ્ત)
