Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચેપૉકમાં શાનદાર કમબૅક માટેની તૈયારી શરૂ કરી સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીએ

ચેપૉકમાં શાનદાર કમબૅક માટેની તૈયારી શરૂ કરી સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીએ

Published : 25 February, 2026 11:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમની ઓપનિંગ જોડી લયમાં ન હોવાથી બૅટિંગ-યુનિટને સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. વર્તમાન સીઝનમાં ભારતની ઓપનિંગ ભાગીદારીની ઍવરેજ ૬.૮૦ની જ રહી છે. વીસમા ક્રમની તળિયાની ટીમ ઓમાનની ઓપનિંગ ભાગીદારીની ઍવરેજ ૧૦ છે.

સંજુ સૅમસન અને ઈશાન કિશન સામે બોલિંગ-પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો અભિષેક શર્મા.

સંજુ સૅમસન અને ઈશાન કિશન સામે બોલિંગ-પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો અભિષેક શર્મા.


૨૬ ફેબ્રુઆરીએ ટીમ ઇન્ડિયા ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં સુપર 8ની પોતાની બીજી મૅચમાં ઝિમ્બાબ્વે સામે ટકરાશે. સાઉથ આફ્રિકા સામેની હાર અને વેસ્ટ ઇન્ડીઝના શાનદાર નેટ રન-રેટને કારણે ભારતનું સેમી-ફાઇનલનું સમીકરણ ખોરવાયું છે. ભારતે પોતાની આગામી બન્ને મૅચ મોટા માર્જિનથી જીતીને પોતાના નેટ રન-રેટને સુધારવો પડશે. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને અન્ય ક્રિકેટર્સે ગઈ કાલે હળવા મૂડમાં શાનદાર કમબૅક માટેની તૈયારી ચેપૉકમાં શરૂ કરી હતી. કૅપ્ટન સૂર્યા સાથે પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો અક્ષર પટેલ. બોલિંગ-રણનીતિ પર ચર્ચા કરતા જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.

મેડિકલ ઇમર્જન્સીને કારણે રિન્કુ સિંહ ટીમ ઇન્ડિયાને છોડીને ઘરે પરત ફર્યો 



ભારતીય ફિનિશર રિન્કુ સિંહ ગઈ કાલે ટીમ ઇન્ડિયાનો સાથ છોડીને ફૅમિલી પાસે પરત ફર્યો હતો. ૨૮ વર્ષના રિન્કુ સિંહને મેડિકલ ઇમર્જન્સીને કારણે ફૅમિલી પાસે જવાની ફરજ પડી છે. રિન્કુના પપ્પા ખાનચંદ સિંહને ગંભીર હાલતમાં ગ્રેટર નોએડાની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાથી ફિનિશર રિન્કુને ઉતાવળમાં ઘરે પાછા ફરવું પડ્યું હતું. કેટલાક અહેવાલો અનુસાર રિન્કુના પપ્પા લિવર-કૅન્સરના પેશન્ટ છે. 


T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમની ઓપનિંગ ભાગીદારીની ઍવરેજ ઓમાન કરતાં પણ ખરાબ રહી છે

મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમની ઓપનિંગ જોડી લયમાં ન હોવાથી બૅટિંગ-યુનિટને સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. વર્તમાન સીઝનમાં ભારતની ઓપનિંગ ભાગીદારીની ઍવરેજ ૬.૮૦ની જ રહી છે. વીસમા ક્રમની તળિયાની ટીમ ઓમાનની ઓપનિંગ ભાગીદારીની ઍવરેજ ૧૦ છે. ભારતની ઓપનિંગ ભાગીદારી અમેરિકા સામે ૮ બૉલમાં ૮ રન, નામિબિયા સામે ૧૨ બૉલમાં પચીસ રન, પાકિસ્તાન સામે ૬ બૉલમાં ૧ રન, નેધરલૅન્ડ્સ સામે ૩ બૉલમાં ઝીરો અને સાઉથ આફ્રિકા સામે ૪ બૉલમાં ઝીરો રહી છે. ભારતની એકમાત્ર સારી ઓપનિંગ ભાગીદારી ઈશાન કિશન અને સંજુ સૅમસન વચ્ચે નામિબિયા સામેની મૅચમાં જોવા મળી હતી, જ્યારે સંજુએ એકમાત્ર મૅચ રમીને ૮ બૉલમાં બાવીસ રન કર્યા હતા. સતત ૩ મૅચમાં ઝીરો પર આઉટ થયા બાદ અભિષેક શર્માએ સાઉથ આફ્રિકા સામે ૧૨ બૉલમાં ૧૫ રન કરીને T20 વર્લ્ડ કપમાં પોતાના રન નોંધાવ્યા હતા. જોકે જ્યારે તે ફૉર્મમાં પરત ફર્યો ત્યારે ધુરંધર ઈશાન કિશન ૪ બૉલમાં ઝીરો પર આઉટ થયો હતો. તેણે ગ્રુપ-સ્ટેજની ચારેય મૅચ રમીને ૧૭૬ રન કર્યા હતા. 


સુપર 8ની ટીમોમાંથી ટીમ ઇન્ડિયા કરશે સૌથી વધુ ૧૦,૪૩૨ કિલોમીટરનું ટ્રાવેલિંગ: પાકિસ્તાનનું  સૌથી ઓછું ૧૫૪ કિલોમીટરનું ટ્રાવેલિંગ

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની સુપર 8 ટીમોના ટ્રાવેલિંગ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી જાણવા મળી છે. દસમા T20 વર્લ્ડ કપની શરૂઆતથી સુપર 8 રાઉન્ડના અંત સુધી ટીમ ઇન્ડિયા ૧૦,૦૦૦ કિલોમીટરનું અંતર કાપનાર એકમાત્ર ટીમ રહી છે. પાકિસ્તાન પોતાની તમામ મૅચ શ્રીલંકાના કોલંબો અને કૅન્ડીમાં જ રમી રહ્યું હોવાથી એનું ટ્રાવેલિંગ સૌથી ઓછું છે. ભારતીય ટીમનું T20 વર્લ્ડ કપમાં ટ્રાવેલિંગ ૧૦,૪૩૨ કિલોમીટરનું રહેશે. ટીમ ઇન્ડિયા પોતાની મૅચ મુંબઈ, દિલ્હી, કોલંબો, અમદાવાદમાં રમ્યા બાદ હવે ચેન્નઈ અને કલકત્તામાં રમવા જશે. વેસ્ટ ઇન્ડીઝ કલકત્તા, મુંબઈ અને અમદાવાદની એકથી વધુ વખત વિઝિટ કરીને ૮૨૯૭ કિલોમીટરનું ટોટલ અંતર કાપશે. ઝિમ્બાબ્વે પોતાની ગ્રુપ-સ્ટેજની મૅચો શ્રીલંકાનાં બે શહેરોમાં રમ્યા બાદ હવે ભારતનાં ૩ શહેર મુંબઈ, ચેન્નઈ અને દિલ્હીની વિઝિટ કરીને ૫૭૭૬ કિલોમીટરનું ટ્રાવેલિંગ કરશે. મુંબઈ અને કલકત્તામાં ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ રમ્યા બાદ હવે શ્રીલંકામાં સુપર 8 રાઉન્ડ રમી રહ્યું હોવાથી ઇંગ્લૅન્ડનું ટ્રાવેલિંગ ૪૪૮૬ કિલોમીટરનું થશે. ન્યુ ઝીલૅન્ડ ૪૪૭૫ કિલોમીટર, સાઉથ આફ્રિકા ૨૯૫૮ કિલોમીટરનું અંતર કાપશે. શ્રીલંકા કોલંબો અને કૅન્ડીની એક બાદ એક વિઝિટને કારણે ૭૭૦ કિલોમીટરનું અંતર કાપશે. કોલંબોમાં સતત પાંચ મૅચ અને હવે કૅન્ડીમાં સુપર 8ની અંતિમ બે મૅચ રમવાનું હોવાથી પાકિસ્તાનનું ટ્રાવેલિંગ માત્ર ૧૫૪ કિલોમીટરનું નોંધાશે. 

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK