આવા નિવેદન આપવા છતાં જૂની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ માટે ભાવુક જોવા મળ્યો રવીન્દ્ર જાડેજા, વૈભવ સૂર્યવંશીને રાજભોગ મીઠાઈથી મળી ૧૫ બૉલમાં ફિફ્ટી ફટકારવાની શક્તિ
પિન્ક રંગ મારા પર સારો લાગે છે, યલો રંગ થોડો જૂનો થઈ ગયો હતો
સોમવારે ૩૭ વર્ષનો સ્પિનર રવીન્દ્ર જાડેજા પોતાની જૂની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સામે પહેલી જ ઓવરમાં બે વિકેટ લઈને છવાઈ ગયો હતો. પોતાની પહેલી IPL ટીમ રાજસ્થાન રૉયલ્સની પિન્ક જર્સીમાં રમીને તેણે વિકેટ સમયે ગન-શૂટ સેલિબ્રેશન કરીને મેહફિલ લૂંટી લીધી હતી. તેણે મૅચ જીત્યા બાદ કહ્યું હતું કે ‘પિન્ક રંગ મારા પર સારો લાગે છે, યલો રંગ થોડો જૂનો થઈ ગયો હતો.’
આવા સેલિબ્રેશન અને નિવેદન છતાં રવીન્દ્ર જાડેજા પોતાની જૂની ટીમ માટે ભાવુક પણ જોવા મળ્યો હતો. મૅચ દરમ્યાન તે બાઉન્ડરી પર ફીલ્ડિંગ કરતા સમયે ભાવુક જોવા મળ્યો હતો. એની આંખ એ સમયે ભીની પણ જોવા મળી હતી. મૅચ બાદ તેણે ફાસ્ટ બોલર ખલીલ અહમદની યલો જર્સી પર લાગેલા ચેન્નઈ સુપર કિંગ્સના લોગોને કિસ પણ કરી હતી.
ઇન્જર્ડ મહેન્દ્ર સિંહ ધોની આગામી બે અઠવાડિયાંમાં ટીમ સાથે ટ્રાવેલ કરવાને બદલે ચેન્નઈમાં સંપૂર્ણ ફિટ થવાનો પ્રયાસ કરી રહ્યો છે.
