ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને T20 બૅટ્સમૅન સંજુ સૅમસનના ખરાબ ફૉર્મ પર ચિંતા વ્યક્ત કરી છે. ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પાંચેય મૅચમાં તે શૉર્ટ બૉલ પર કૅચઆઉટ થયો હતો.
રવિચન્દ્રન અશ્વિન
ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને T20 બૅટ્સમૅન સંજુ સૅમસનના ખરાબ ફૉર્મ પર ચિંતા વ્યક્ત કરી છે. ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પાંચેય મૅચમાં તે શૉર્ટ બૉલ પર કૅચઆઉટ થયો હતો. આ ઓપનરે અનુક્રમે ૨૬, ૦૫, ૦૩, ૦૧ અને ૧૬ રન બનાવ્યા હતા. વાનખેડે સ્ટેડિયમમાં જમણા હાથની તર્જની આંગળીમાં ઇન્જરી થઈ હોવાથી તેને ઑલમોસ્ટ એક મહિના માટે ક્રિકેટથી દૂર રહેવું પડશે.
પોતાની યુટ્યુબ ચૅનલ પર અશ્વિન કહે છે, ‘જો સંજુ બૅટ્સમૅન તરીકે આ રીતે જ આઉટ થતો રહેશે તો તેનું મગજ તેની સાથે ચાલાકી કરવાનું શરૂ કરશે. તમારું મન તમને એવું વિચારવા મજબૂર કરશે કે બોલર ચોક્કસ રીતે બોલિંગ કરી રહ્યો છે અને હું આ રીતે આઉટ થઈ રહ્યો છું. શું બોલર સારી બોલિંગ કરી રહ્યો છે કે પછી મારામાં કોઈ ખામી છે? શું હું આનો સામનો કરી શકીશ? એક વાર મનમાં આટલા બધા પ્રશ્નો ઊભા થવા લાગે પછી મુશ્કેલીઓ વધી જાય છે. સચિન તેન્ડુલકરે BCCI અવૉર્ડ સમારોહ દરમ્યાન એમ પણ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની શંકાને તમારા અર્ધજાગ્રત મનમાં પ્રવેશવા ન દો, કારણ કે જો આવું થશે તો બૅટિંગ ખૂબ જ મુશ્કેલ બની જશે.’

