એક કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 સિક્સર ફટકારનારો બૅટ્સમૅન બન્યો
નિકોલસ પૂરન
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટમાં ‘યુનિવર્સ બૉસ’ ક્રિસ ગેઇલનું સ્થાન હવે નિકોલસ પૂરન લઈ રહ્યો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હાલમાં શરૂ થયેલી પુરુષોની કૅરિબિયન પ્રીમિયર લીગ (CPL) 2024માં ટ્રિનબૅગો નાઇટ રાઇડર્સ તરફથી રમતા નિકોલસ પૂરને સેન્ટ કિટ્સ ઍન્ડ નેવિસ પેટ્રિઅટ્સ ટીમ સામે ૪૩ બૉલમાં ૨૨૫.૫૮ના સ્ટ્રાઇક-રેટથી ૯૭ રન ફટકાર્યા હતા. ત્રણ રનથી સેન્ચુરી ચૂકી જનાર નિકોલસ પૂરને આ ઇનિંગ્સમાં ૯ છગ્ગા અને ૭ ચોગ્ગા ફટકાર્યા હતા.
આ સાથે પૂરને એક કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 સિક્સર ફટકારવાનો રેકૉર્ડ પોતાને નામે કર્યો હતો. ગેઇલે ૨૦૧૫માં ૧૩૫ સિક્સર ફટકારી હતી. પૂરને વર્ષ ૨૦૨૪માં ૧૩૯ સિક્સર ફટકારી છે. અગાઉ ગેઇલ ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭માં પણ સૌથી વધુ T20 સિક્સર ફટકારનાર બૅટર હતો.


