T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રહીમની નજર ૧૦૦ ટેસ્ટ-મૅચ રમવાની સિદ્ધિ પર
ઢાકા પ્રીમિયર લીગમાં સાથી પ્લેયર્સે મુશફિકુર રહીમને આપ્યું ગાર્ડ ઑફ ઑનર.
બંગલાદેશ ક્રિકેટ માટે સૌથી વધુ ૧૫,૩૦૨ રન ફટકારનાર વિકેટકીપર અને બૅટ્સમૅન મુશફિકુર રહીમે T20 બાદ હવે વન-ડે ઇન્ટરનૅશનલમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી છે. ૩૭ વર્ષના આ સ્ટાર બૅટરે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘વૈશ્વિક સ્તરે મારી સિદ્ધિઓ મર્યાદિત છે, પણ એક વાત સ્પષ્ટ છે કે જ્યારે પણ હું મારા દેશ માટે મેદાનમાં ઊતર્યો છું ત્યારે મેં સંપૂર્ણ સમર્પણ અને પ્રામાણિકતા સાથે ૧૦૦ ટકાથી વધુ યોગદાન આપ્યું છે. હું મારા પરિવાર, મિત્રો અને ચાહકોનો આભારી છું જેમના માટે હું છેલ્લાં ૧૯ વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું.’
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં બંગલાદેશ અને રહીમ બન્નેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. રહીમ ભારત સામે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો, જ્યારે તેણે ન્યુ ઝીલૅન્ડ સામે ફક્ત બે રન બનાવ્યા હતા. બંગલાદેશ માટે વન-ડેમાં તે સૌથી વધુ ૨૭૪ મૅચ રમનાર, વન-ડેમાં સૌથી વધુ ૨૯૯ શિકાર કરનાર વિકેટકીપર અને તમીમ ઇકબાલ (૮૩૫૭ રન) બાદ સૌથી વધુ ૭૭૯૫ રન બનાવનાર બીજો પ્લેયર છે. T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત લઈ ચૂકેલો રહીમ હવે વધુ ૬ ટેસ્ટ-મૅચ રમીને બંગલાદેશ માટે ૧૦૦ ટેસ્ટ રમનાર પહેલો પ્લેયર્સ બનવાના માર્ગ પર છે.
ADVERTISEMENT
વન-ડેમાં મુશફિકુરનું પ્રદર્શન
મૅચ : ૨૭૪
રન : ૭૭૯૫
ફિફ્ટી : ૪૯
સેન્ચુરી : ૦૯
કૅચ : ૨૪૩
સ્ટમ્પિંગ : ૫૬

