Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝવિકરાળ કોહલી

03 May, 2023 09:46 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉગ્ર સ્વભાવના વિરાટનો વર્ષોથી ત્રણ દિગ્ગજો કુંબલે, ગાંગુલી, ગંભીર સાથે ૩૬નો આંકડો : સોમવારે લખનઉમાં મૅચ પછી કોહલી-ગંભીરની ‘સુપરઓવર’

ગૌતમ ગંભીર, વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી

IPL 2023

ગૌતમ ગંભીર, વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી


વિરાટ કોહલી સામાન્ય રીતે ક્રિકેટના મેદાન પર હરીફ ટીમની વિકેટ પડે ત્યારે કે પોતે હાફ સેન્ચુરી કે સેન્ચુરી ફટકારે ત્યારે આક્રમક મૂડમાં આવી જાય છે અને પ્લાન પ્રમાણે સફળતા મેળવી હોવાનો ભાવ વ્યક્ત કરવાની સાથે હરીફ ખેલાડીઓને કે સ્ટૅન્ડમાં બેઠેલામાંથી કોઈને બતાવી દીધું હોવાનો ઉગ્રપણે ઇશારો કરતો હોય છે. સોમવારે લખનઉમાં એક તરફ ‘બર્થ-ડે ગર્લ’ તેની પત્ની અનુષ્કા બેઠી હતી અને બીજી બાજુ તેણે (કોહલીએ) રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની લખનઉ સુપર જાયન્ટ્સ સામેની રોમાંચક જીત બાદ ખૂબ જોશમાં આવીને જીત સેલિબ્રેટ કરી હતી. જોકે થોડી વારમાં જ કોહલી અસલ રંગમાં આવી ગયો હતો અને મામલો બીચક્યો હતો, કારણ કે તે અને ગંભીર સામસામે આવી ગયા હતા. જાણે જૂનો કોહલી ફરી વિવાદ વહોરી લેવાના મૂડમાં આવી ગયો હતો. ટૂંકમાં, અત્યંત ટૅલન્ટેડ અને જોશીલા બૅટર કોહલીનું વિકરાળ સ્વરૂપ ઘણી વાર જોવા મળ્યું છે.

૨૦૧૭માં શિસ્તપાલનના આગ્રહી હેડ-કોચ અનિલ કુંબલે અને કૅપ્ટન વિરાટ કોહલી વચ્ચેના સંબંધો બગડ્યા હતા અને છેવટે કુંબલેએ હોદ્દો છોડવો પડ્યો હતો. ૨૦૨૧માં સૌરવ ગાંગુલી બીસીસીઆઇના પ્રમુખ હતા ત્યારે સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલાં કોહલીને વન-ડેના કૅપ્ટનપદેથી હટાવવામાં આવ્યો હતો, પરંતુ ટી૨૦ના સુકાનીપદે રહેવાની સલાહ તેને અપાઈ હતી. ગાંગુલીએ ત્યારે કહેલું કે વન-ડેની કૅપ્ટન્સીમાં ફેરફાર કરવાની બાબતમાં (રોહિતને સુકાન સોંપવાના સંદર્ભમાં) કોહલીને અગાઉથી માહિતગાર કરવામાં આવ્યો હતો. જોકે કોહલીએ પત્રકારોને કહ્યું હતું કે મને વન-ડેના કૅપ્ટનપદેથી હટાવાયો એના ગણતરીના કલાકો પહેલાં જ મને ફોન પર એ નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. કોહલીએ ટેસ્ટ અને ટી૨૦, બન્નેની કૅપ્ટન્સી પણ છોડી દીધી હતી.૧૦ વર્ષથી કોહલી-ગંભીર તકરાર


ભૂતપૂર્વ ભારતીય ઓપનર, કલકત્તા નાઇટ રાઇડર્સના ભૂતપૂર્વ ચૅમ્પિયન કૅપ્ટન અને બીજેપીના સંસદસભ્ય ગૌતમ ગંભીર સાથેનું કોહલીનું ૧૦ વર્ષ જૂનું વૈમનસ્ય ફરી સપાટી પર આવ્યું છે. બન્ને મૂળ દિલ્હીના ક્રિકેટર છે અને એકમેક સામે ઉગ્રતા બતાવી ચૂક્યા છે. આઇપીએલની જ વાત કરીએ તો ૨૦૧૩માં બૅન્ગલોરમાં આરસીબી-કેકેઆરની મૅચમાં પણ બન્ને સામસામે આવી ગયા હતા.

સોમવારે શરૂઆત ક્યાંથી થઈ?


લખનઉએ બૅન્ગલોરને ૧૦ એપ્રિલે બૅન્ગલોરમાં છેલ્લા બૉલે ૨૧૩ રનનો ટાર્ગેટ મેળવી લીધો અને માત્ર એક વિકેટના માર્જિનથી હરાવ્યું એ પછી ગૌતમ ગંભીરે બૅન્ગલોરના સ્ટૅન્ડ તરફ જોઈને ક્રાઉડની બોલતી બંધ કરી દીધી હોવાનો ઇશારો કર્યો એના વળતા જવાબમાં ગઈ કાલે વિરાટ કોહલીએ લખનઉના ક્રાઉડ સામે જોઈને ‘ચૂપ’ રહેવાનો સંકેત કર્યો હતો. જોકે એક તબક્કે કોહલીએ લખનઉના ક્રાઉડ સામે જોઈને તેમના પ્રત્યેની પોતાની પ્રેમની લાગણી વ્યક્ત કરતો ઇશારો પણ કર્યો હતો.

જોકે સોમવારે લખનઉની મૅચમાં કે. એલ. રાહુલની ટીમની ૧૭મી ઓવર જે બૅન્ગલોરના પેસ બોલર સિરાજે કરી હતી ત્યારે કોહલી અસલ મૂડમાં આવ્યો હતો. ત્યારે કોહલીએ વારંવાર સિરાજને નવીનને શૉર્ટ બૉલ ફેંકવા કહ્યું હતું જે નવીનને નહોતું ગમ્યું અને નવીન-કોહલી વચ્ચે બોલાચાલી થઈ હતી. ગંભીરે મૅચ પછી કોહલી સાથે હાથ મિલાવવામાં આક્રમકતા બતાવી હતી. ગંભીરે કચકચાવીને હાથ મિલાવ્યા હતા.

નવીને વિદેશમાં વિવાદ જગાવેલો

અફઘાનિસ્તાની પેસ બોલર નવીન-ઉલ-હકની ૨૦૨૦ની લંકા પ્રીમિયર લીગમાં પાકિસ્તાનના શાહિદ આફ્રિદી અને મોહમ્મદ આમિર સાથે તકરાર થઈ હતી.

કોહલી-ગંભીર આમનેસામને

બૅન્ગલોરના વિજય બાદ બન્ને ટીમ હૅન્ડ-શેક માટે સામસામે આવી ત્યારે નવીને અગ્રેસિવ હૅન્ડ-શેક પછી કોહલીને અવગણ્યો હતો. લખનઉનો કાઇલ માયર્સ ત્યારે કોહલી સાથે કંઈક બોલી રહ્યો હતો ત્યારે ગંભીર ત્યાં આવી પહોંચ્યો અને માયર્સને બાજુએ જતા રહેવાનું કહીને કોહલીની સામે આવ્યો હતો. કોહલી જોકે ગંભીર સામે ખુન્નસથી જોઈને દૂર ગયો, પરંતુ ગંભીર ત્યારે કોહલીને કંઈક બોલ્યો હતો. કૅપ્ટન રાહુલે મેન્ટર ગંભીરને શાંત રહેવા સમજાવ્યો, પણ ગંભીર દૂર ગયા પછી પાછો કોહલીની નજીક આવ્યો અને કોહલી પણ તેની સામે આવી ગયો હતો. બન્ને ટીમના ખેલાડીઓ સામસામે કંઈક બોલ્યા હતા અને અમિત મિશ્રા તથા અન્યોએ બધાને શાંત પાડ્યા હતા.

કોહલીએ પછીથી લખનઉના સુકાની રાહુલને મળીને ઘણી વાતચીત કરી હતી. રાહુલે મામલો ત્યાં જ ખતમ કરવા નવીનને બોલાવ્યો હતો, પણ નવીન તેને અવગણીને જતો રહ્યો હતો. રાહુલ સાથેની વાતચીત આગળ વધારતાં પહેલાં કોહલી ફરી નવીનને કંઈક બોલ્યો હતો.

કોહલીએ ગંભીર માટે મીડિયામાં કરી ટકોર

વિરાટ કોહલીએ સોમવારે જીત્યા બાદ એક સોશ્યલ મીડિયામાંના પોતાના હૅન્ડલ પર લખ્યું હતું, ‘સાથીઓ, આપણે કમાલની જીત મેળવી. સ્વીટ વિન. તમે કોઈને કંઈક કહો તો સાંભળવું પણ પડે. સાંભળવું ન હોય તો પછી કહેવાનું જ નહીં.’

ડુ પ્લેસી મૅન ઑફ ધ મૅચ : કોહલીના બે કૅચ, કાર્તિકના પાંચ શિકાર

બૅન્ગલોરે બૅટિંગ લીધા પછી વિરાટ કોહલીના ૩૧ રન અને કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીના ૪૪ રન તથા દિનેશ કાર્તિકના ૧૧ રનની મદદથી ૯ વિકેટે ૧૨૬ રન બનાવ્યા હતા. કૅપ્ટન કે. એલ. રાહુલ ફીલ્ડિંગ દરમ્યાન ઈજા પામ્યો હોવાથી ઓપનિંગમાં નહોતો આવ્યો. બીજા બૉલથી જ વિકેટ પડવાની શરૂ થઈ ગઈ હતી. કે. ગૌતમ (૧૩ બૉલમાં ૨૩ રન) સિવાય બીજો કોઈ બૅટર ૨૦ રનનો આંકડો પાર નહોતો કરી શક્યો. સાથળની ઈજાને કારણે રાહુલ જરૂર પડતાં છેક ૧૧મા નંબરે બૅટિંગમાં આવ્યો હતો અને છેલ્લી ઓવરમાં લખનઉને નહોતો જિતાડી શક્યો. લખનઉની ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૦૮ રને ઑલઆઉટ થઈ જતાં બૅન્ગલોરનો ૧૮ રનથી વિજય થયો હતો. બૅન્ગલોરના ૭ બોલર્સમાંથી કર્ણ શર્મા અને જૉશ હેઝલવુડને બે-બે તથા સિરાજ, મૅક્સવેલ, હસરંગા, હર્ષલ પટેલને એક-એક વિકેટ મળી હતી. ડુ પ્લેસીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. કોહલીએ બે કૅચ પકડ્યા હતા, જ્યારે દિનેશ કાર્તિકે બે કૅચ પકડવા ઉપરાંત એક સફળ સ્ટમ્પિંગ અને બે રનઆઉટ કર્યા હતા.

લખનઉમાં સોમવારની મૅચ દરમ્યાન એક પ્રેક્ષક બાઉન્ડરી પરનું બોર્ડ કૂદીને ઓચિંતો મેદાન પર દોડી આવ્યો અને કોહલીને પગે લાગીને તેને ભેટ્યો હતો.

કોહલી અને ગંભીરને ૧૦૦-૧૦૦ ટકા મૅચ-ફીનો દંડ, નવીન-ઉલ-હકની ૫૦ ટકા ફી કપાઈ

સૌરાષ્ટ્ર વતી રણજી ટ્રોફી રમી ચૂકેલા મૂળ ભાવનગરના પ્રકાશ જિતેન્દ્રભાઈ ભટ્ટ સોમવારે લખનઉમાં મૅચ-રેફરી હતા. આઇપીએલના ગઈ કાલના નિવેદનમાં જણાવાયું કે ‘કોહલી અને ગંભીર બન્નેએ આચારસંહિતાની કલમ ૨.૨૧ હેઠળ બીજા લેવલનો અફેન્સ કબૂલ કર્યો છે. કોહલીની ૧૦૦ ટકા મૅચ ફી કાપી લેવામાં આવી છે અને લખનઉના મેન્ટર ગંભીરને પણ ૧૦૦ ટકા મૅચ-ફીનો દંડ કરાવામાં આવ્યો છે. લખનઉના અફઘાની બોલર નવીન-ઉલ-હકને સોમવારની મૅચની ૫૦ ટકા રકમ દંડ તરીકે ભરવાનું કહેવાયું છે.

કોહલી-ગંભીરના કટુતાભર્યા અસભ્ય વર્તનની આખી ઘટનાથી આઇપીએલની પ્રતિષ્ઠા પર ખરાબ અસર પડી હોવાથી વહીવટકારોએ આ આકરું પગલું ભર્યું છે.

લખનઉમાં કોહલી-ગંભીર વચ્ચે શું બોલાચાલી થઈ?

બેમાંથી એક ટીમના ડગ-આઉટમાં હાજર રહેલી એક વ્યક્તિએ પી.ટી.આઇ.ને ઘટનાક્રમનું વર્ણન કર્યું હતું. કોહલી-ગંભીર વચ્ચે જાણે બાળક જેવી બોલાચાલી થઈ હતી :

લખનઉના કાઇલ માયર્સે મૅચ પછી બાજુમાંથી જઈ રહેલા કોહલીને પૂછ્યું, ‘તું શા માટે તેમને (લખનઉના એક-બે પ્લેયર્સને) અપશબ્દો કહી રહ્યો હતો? કોહલીએ જવાબમાં તેને જ (માયર્સને) પૂછ્યું, ‘તું શા માટે મારી સામે ખુન્નસથી જોતો હતા?

એ પહેલાં, લખનઉના અમિત મિશ્રાએ અમ્પાયરને ફરિયાદમાં કહ્યું કે કોહલી લખનઉના બૅટર નવીન-ઉલ-હકને સતત ગાળ આપી રહ્યો છે.

ગંભીરે સ્થિતિ વણસી શકે એવા ડરથી માયર્સને મૅચ પછી કંઈ પણ બોલવાની ના પાડી હતી.

ગંભીરે કોહલીને કહ્યું, ‘ક્યા બોલ રહા હૈ, બોલ? કોહલીએ સામું જવાબમાં કહ્યું, ‘મૈંને આપ કો કુછ બોલા હી નહીં. આપ ક્યોં ઘૂસ રહે હો?’

ગંભીરે સામું સંભળાવ્યું, ‘તુને અગર મેરે પ્લેયર કો બોલા હૈ, મતલબ તુને મેરી ફૅમિલી કો ગાલી દી હૈ.’

કોહલી બોલ્યો, ‘તો આપ અપની ફૅમિલી કો સંભાલ કે રખિયે.’

ગંભીરે છેલ્લે કોહલીને કહ્યું, ‘તો અબ તૂ મુઝે સિખાયેગા...’

ભજ્જીની ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીને સલાહ, ‘શ્રીસાન્તને તમાચો મારવા બદલ મને હજી અફસોસ થાય છે’

૨૦૦૮ની પ્રથમ આઇપીએલમાં હરભજન સિંહ મુંબઈ વતી અને શ્રીસાન્ત પંજાબ વતી રમ્યો હતો. ત્યારે શ્રીસાન્તની વારંવારની કમેન્ટ બદલ ભજ્જીએ મૅચ પછી શ્રીસાન્તને લાફો મારી દીધો હતો અને શ્રીસાન્ત રડી પડ્યો હતો. હરભજન એ ઘટના વિશે છેલ્લા થોડા વર્ષો દરમ્યાન અફસોસ વ્યક્ત કરી ચૂક્યો છે અને ગઈ કાલે પણ ભજ્જીએ એક ઇન્ટરવ્યુમાં ગંભીર અને કોહલીને સલાહ પહોંચાડવાના આશયથી કહ્યું, ‘મેં વર્ષો પહેલાં શ્રીસાન્ત સાથે જે કર્યું હતું એનો મને હજીયે અફસોસ થઈ રહ્યો છે એટલે હું નથી ઇચ્છતો કે વર્ષો પછી ગંભીર અને કોહલીને પણ મારી જેમ (તેમની વચ્ચેની કટુતા વિશે) અફસોસ થાય.’

સોમવારે મૅચ પછી ડ્રેસિંગ-રૂમમાં કોહલીએ ડ્રેસ બદલતી વખતે પણ આક્રમકતા સાથે ગંભીર અને લખનઉની ટીમને ટકોર કરતો પોઝ આપ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

03 May, 2023 09:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK