ભારતીય મહિલા ક્રિકેટર્સ લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ડ્રેસિંગ રૂમમાં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાની વર્ષગાંઠ નિમિત્તે કેક કટિંગ કરીને ઉજવણી કરતી જોવા મળી હતી
સ્મૃતિ માન્ધનાની વર્ષગાંઠનું કેક-સેલિબ્રેશન
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ભારતીય વિમેન્સ ટીમનો રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો જેમાં ભારતીય મહિલા ક્રિકેટર્સ લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ડ્રેસિંગ રૂમમાં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાની વર્ષગાંઠ નિમિત્તે કેક કટિંગ કરીને ઉજવણી કરતી જોવા મળી હતી. શુક્રવારે સ્મૃતિ ૨૯ વર્ષની થઈ હતી.
ADVERTISEMENT
મૅચમાં વરસાદનું વિઘ્ન
ગઈ કાલે લૉર્ડ્સમાં ભારતીય સમય અનુસાર બપોરે ૩.૩૦ વાગ્યાથી ભારત-ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમ વચ્ચે બીજી વન-ડે મૅચ રમાઈ હતી. જોકે વરસાદ અને ભીના આઉટફીલ્ડને કારણે મૅચ છેક સાંજે ૭.૩૦ વાગ્યે ૨૯-૨૯ ઓવરની કરવામાં આવી હતી. ભારતીય ટીમે ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં ૨૯ ઓવરમાં ૮ વિકેટે ૧૪૩ રન કર્યા હતા.
ભારત તરફથી ઓપનર સ્મૃતિ માન્ધના (૫૧ બૉલમાં ૪૨ રન) અને ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (૩૪ બૉલમાં ૩૦ રન અણનમ) સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લૅન્ડ તરફથી અનુભવી સ્પિનર સોફી એક્લસ્ટન (૨૭ રનમાં ત્રણ વિકેટ) સૌથી સફળ રહી હતી. ભારત ત્રણ મૅચની સિરીઝની પહેલી મૅચ ચાર વિકેટે જીત્યું હતું.

