મંગળવારની શાનદાર જીતના હીરો હાર્દિક પંડ્યાએ કહ્યું આ : ઈજામુક્ત થઈને ટીમમાં પરત ફરીને મંગળવારે ૨૮ બૉલમાં અણનમ ૫૯ રન અને એક વિકેટ સાથે ઑલરાઉન્ડ પર્ફોર્મ કરીને પ્લેયર ઑફ ધ મૅચ બની ગયો હતો
હાર્દિક પંડ્યા
૩૨ વર્ષના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મંગળવારે કમાલનું કમબૅક કર્યું હતું. સપ્ટેમ્બરમાં T20 એશિયા કપ દરમ્યાન પગના સ્નાયુઓમાં ઇન્જરીને કારણે તે પ્રોફેશનલ ક્રિકેટથી દૂર હતો.
ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની બે મૅચ રમીને તેણે મંગળવારે ટીમ ઇન્ડિયામાં કમબૅક કર્યું હતું. મંગળવારે કટકની પિચ પર જ્યારે બૅટરો સ્ટ્રગલ કરી રહ્યા હતા ત્યારે ૨૮ બૉલમાં ૪ સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૫૯ રન ફટકારીને ટીમને ૧૭૫ રનના ચૅલેન્જિંગ સ્કોર સુધી લઈ ગયો હતો અને ડેવિડ મિલરની મહત્ત્વપૂર્ણ વિકેટ પણ ઝડપી હતી.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાએ મૅચ બાદ તેના આ શાનદાર કમબૅકનું શ્રેય ઇન્જરી-પિરિયડ દરમ્યાનના માનસિક સ્વાસ્થ્યને આપતાં કહ્યું હતું કે ‘મારી માનસિકતા ખરેખર હંમેશાં વધુ મજબૂતાઈથી અને વધુ સારી રીતે કમબૅક કરવાની રહી હતી. ઈજાઓ તમારી માનસિકતાની પરીક્ષા લે છે અને સાથે-સાથે તમારા મનમાં અનેક શંકાઓ પણ સર્જે છે. આ કપરા સમયને હેમખેમ પાર કરવા માટે હું પ્રિયજનોને શ્રેય આપીશ.’
ઇન્જરી સમયના કપરા કાળને યાદ કરતાં હાર્દિકે વધુમાં કહ્યું હતું કે ‘હું મજબૂત રીતે ઊભો રહ્યો, મેં ઘણી બધી બાબતો યોગ્ય રીતે મૅનેજ કરી અને એનાથી મને ખૂબ આત્મવિશ્વાસ મળ્યો છે. મેં મારી જાતને સપોર્ટ કર્યો અને મારી ટૅલન્ટ પર સંપૂર્ણ ભરોસો રાખ્યો. હું ખરેખર એક ખેલાડી તરીકે મારી જાત પર સંપૂર્ણ વિશ્વાસ કરું છું. હું હંમેશાં માનું છે કે જો તમે તમારા પર વિશ્વાસ નહીં કરો તો બીજાઓ તમારા પર કેવી રીતે વિશ્વાસ કરશે? મને લાગે છે કે હું જીવનમાં પણ ખૂબ જ પ્રામાણિક, ખૂબ જ વાસ્તવિક રહ્યો છું, એ મને ખૂબ જ મદદરૂપ થઈ રહ્યું છે. હું ખરેખર મારા જીવનમાં કોઈ બાબતોને છુપાવતો નથી. એ ક્યારેય બીજી વ્યક્તિ વિશે નથી હોતું, એ ક્યારેય બીજા લોકો કેવી રીતે વિચારે છે અથવા અન્ય લોકો કેવી રીતે જુએ છે એ વિશે નથી હોતું; હું અંદરથી કેવું અનુભવું છું એ વિશે હોય છે. હવે સમય આવી ગયો છે જ્યારે હાર્દિક પંડ્યા ફક્ત રમવા માગે છે, મેદાન પરની દરેક ક્ષણનો આનંદ માણવા માગે છે, મોટું અને સારું કરવાનું જ હવે મારા જીવનનું સૂત્ર રહેશે.’
હાર્દિક IPLમાં ગુજરાતી ટીમને છોડીને મુંબઈની ટીમમાં જોડાયો અને રોહિતને બદલે કૅપ્ટન બની ગયો ત્યારે ચાહકોમાં વિલન બની ગયો હતો અને અનેક વાર તેનો હુરિયો બોલાવ્યો હતો, પણ હવે બધું બદલાઈ ગયું છે અને ચાહકોનો ફરી લાડલો બની ગયો છે એ બાબતે હાર્દિકે કહ્યું હતું કે ‘તમારે રૉકસ્ટાર બનવું જોઈએ. તમે આવો, ૧૦ મિનિટ પર્ફોર્મ કરો અને ચાહકોને ખુશખુશાલ કરી દો, એ જ મારા માટે સૌથી મોટી પ્રેરણા રહે છે. મારા પર ઘણાં લીંબુ ફેંકાયાં છે, મેં હંમેશાં એનું લીંબુ-શરબત બનાવાનું વિચાર્યું છે. જ્યારે પણ હું બૅટિંગ માટે મેદાનમાં ઊતરું છું ત્યારે મને લાગે છે કે બધા જ પ્રેક્ષકો ફક્ત મારી જ રાહ જોઈ રહ્યા છે. તેઓ ફક્ત મને બૅટિંગ કરતો જોવા માટે જ આવ્યા છે.’


