છેલ્લે ૪૩ વર્ષ પહેલાં સ્પિનર દિલીપ દોશીએ મેળવી હતી આ સિદ્ધિ
દિલીપ દોશી
મૅન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ-મૅચ પહેલાં ભૂતકાળના કેટલાક આંકડા ભારતીય ફૅન્સને હેરાન કરી રહ્યા છે. ભારત મૅન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં નવમાંથી એક પણ ટેસ્ટ-મૅચ જીત્યું નથી અને માત્ર ૮ બૅટર સદી ફટકારી શક્યા છે, જ્યારે બોલિંગ-પ્રદર્શનમાં ભારતનો રેકૉર્ડ વધુ ખરાબ છે. અહીં ભારતના માત્ર ૪ બોલર એક ટેસ્ટમાં પાંચ કે એથી વધુ વિકેટ લઈ શક્યા છે.
મૅન્ચેસ્ટરમાં સૌથી પહેલાં ૧૯૪૬માં મીડિયમ ફાસ્ટ બોલર લાલા અમરનાથે અને સ્પિનર વિનુ માંકડે પાંચ-પાંચ વિકેટ ઝડપી હતી. ૧૯૫૯માં મીડિયમ ફાસ્ટ બોલર સુરેન્દ્ર નાથે પણ પાંચ વિકેટ લેવાની કમાલ કરી હતી. છેલ્લે ૧૯૮૨માં ભારત તરફથી સ્પિનર દિલીપ દોશીએ પાંચ કે એથી વધુ વિકેટ લીધી હતી. છેલ્લાં ૪૩ વર્ષમાં આ મેદાન પર ભારત માટે કોઈ બોલર પાંચ કે એથી વધુ વિકેટ લઈ શક્યો નથી. રાજકોટના દિવંગત સ્પિનર દિલીપ દોશી (૧૦૨ રનમાં ૬ વિકેટ)નું એ પ્રદર્શન આ મેદાન પર ભારતીય બોલરનું અને તેમની ઇન્ટરનૅશનલ કરીઅરનું બેસ્ટ પ્રદર્શન હતું.
ADVERTISEMENT
ભારત-ઇંગ્લૅન્ડના આ મેદાન પર હાઇએસ્ટ વિકેટટેકર
આ મેદાન પર ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ મીડિયમ ફાસ્ટ બોલર એલેક બેડસરે ૧૯૪૬થી ૧૯૫૫ દરમ્યાન સૌથી વધુ સાત મૅચમાં ૫૧ વિકેટ લીધી છે. ભારત તરફથી સ્પિનર વિનુ માંકડે બે મૅચમાં સૌથી વધુ નવ વિકેટ ઝડપી છે. વર્તમાન સમયમાં ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સ સાત મૅચમાં ૩૫ વિકેટ સાથે આ મેદાનનો હાઇએસ્ટ વિકેટટેકર બોલર છે.


