પહેલી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડે ૨૪૭ રન કર્યા, બીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ભારતનો સ્કોર ૭૫/૨ : બીજા દિવસે ભારત પહેલી ઇનિંગ્સમાં ૨૦ રન જ ઉમેરી શક્યું, ૧૪.૪ ઓવરમાં ૧૦૦ રન પૂરા કરવા છતાં ઇંગ્લૅન્ડ પહેલી ઇનિંગ્સમાં માત્ર ૨૩ રનની લીડ મેળવી શક્યું હતું
ઇંગ્લૅન્ડના પ્લેયર્સ જેકબ બેથેલની વિકેટ લીધા બાદ મોહમ્મદ સિરાજ સાથે ઉજવણી કરતો યશસ્વી જાયસવાલ અને કૅપ્ટન શુભમન ગિલ
ઓવલ ટેસ્ટમાં ભારતીય ટીમે બીજા દિવસે જબરદસ્ત વાપસી કરી હતી. પહેલી ઇનિંગ્સમાં કરુણ નાયરની ફિફ્ટીના આધારે ભારતીય ટીમ ૬૯.૪ ઓવરમાં ૨૨૪ રન કરીને ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજી તરફથ ઓપનર્સની ધમાકેદાર ભાગીદારી અને હૅરી બ્રૂકની ફિફ્ટી છતાં ઇંગ્લૅન્ડ ૫૧.૨ ઓવરમાં નવ વિકેટે ૨૪૭ રન કરીને માત્ર ૨૩ રનની લીડ મેળવી હતી. બીજા દિવસના અંતે ભારતે ૧૮ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ૭૫ રન કર્યા હતા. ટીમ ઇન્ડિયા પાસે હવે બાવન રનની લીડ છે.
ભારતીય ટીમે બીજા દિવસે ૬૫મી ઓવરમાં ૨૦૪-૬ રનના સ્કોરથી પહેલી ઇનિંગ્સને આગળ ધપાવી હતી. ભારતીય ટીમમાં વાપસી બાદ પહેલી વાર ફિફ્ટી પ્લસ રન ફટકારનાર કરુણ નાયર (૧૦૯ બૉલમાં ૫૭ રન) અને યંગ ઓપનર વૉશિંગ્ટન સુંદર (પંચાવન રનમાં ૨૬ રન)એ સાતમી વિકેટ માટે ૧૦૫ બૉલમાં ૬૫ રનની ભાગીદારી કરી હતી. ૮ ફોર ફટકારનાર કરુણ નાયરની વિકેટ સાથે ભારતે અંતિમ ચાર વિકેટ ૬ રનની અંદર ગુમાવી દીધી હતી. બીજા દિવસે પહેલી ઇનિંગ્સમાં ભારત ઑલમોસ્ટ પાંચ ઓવર રમીને ૨૦ રન જ ઉમેરી શકી હતી.
ADVERTISEMENT

યશસ્વી જાયસવાલે બીજી ઇનિંગ્સમાં આક્રમક ૫૧ રન ફટકાર્યા હતા અને ભારતને ૫૨ રનની લીડ અપાવી હતી
ભારતના અંતિમ ત્રણ પૂંછડિયા બૅટર્સ એક પણ રન કરી શક્યા નહોતા. સાત બૉલ રમનાર આકાશ દીપ જ ઝીરો રને અણનમ રહ્યો હતો. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર ગસ ઍટકિન્સન (૩૩ રનમાં પાંચ વિકેટ)એ બીજા દિવસે ભારતની બાકીની ચાર વિકેટ લઈને પોતાની એક ટેસ્ટ ઇનિંગ્સનું બીજું બેસ્ટ પ્રદર્શન નોંધાવ્યું હતું. તેને ફાસ્ટ બોલર જોશ ટૉન્ગ (૫૭ રનમાં ૩ વિકેટ)નો સાથ મળ્યો હતો.
ઇંગ્લૅન્ડે ઓપનર્સ બેન ડકેટ (૩૮ બૉલમાં ૪૩ રન) અને ઝૅક ક્રૉલી (૫૭ બૉલમાં ૬૪ રન)ની ૭૮ બૉલમાં ૯૨ રનની તાબડતોડ ભાગીદારીને આધારે ૧૪.૪ ઓવરમાં જ ૧૦૦ રન કરી દીધા હતા. કૅપ્ટન ઑલી પોપ (૪૪ બૉલમાં બાવીસ રન) અને જો રૂટ (૪૫ બૉલમાં ૨૯ રન) સસ્તામાં આઉટ થતાં પાંચ ફોર અને એક સિક્સર ફટકારનાર હૅરી બ્રૂકે (૬૪ બૉલમાં ૫૩ રન) અંત સુધી ઇનિંગ્સ સંભાળી રાખી હતી. ઇન્જરીને કારણે અંતિમ પ્લેયર ક્રિસ વૉક્સ ઍબ્સન્ટ હર્ટ જાહેર થયો હતો.

ઇંગ્લૅન્ડના આક્રમક ઓપનર બેન ડકેટને આઉટ કર્યા બાદ તેના ખભા પર હાથ મૂકીને ફાસ્ટ બોલર આકાશ દીપ તેને ચીડવતો જોવા મળ્યો હતો
અંતિમ બાવન રનમાં યજમાન ટીમે પાંચ વિકેટ ગુમાવી હતી. ભારત માટે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (૬૨ રનમાં ચાર વિકેટ), મોહમ્મદ સિરાજ (૮૬ રનમાં ચાર વિકેટ) અને આકાશ દીપ (૮૦ રનમાં એક વિકેટ)એ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની હાજરીમાં આ ત્રણેય બોલર ચમક્યા હતા.
નંબર-ગેમ
2000
ઘરઆંગણે ભારત સામે આટલા રન પૂરા કરનાર ઇંગ્લૅન્ડનો પહેલો બૅટર બન્યો જો રૂટ.
200
આટલી ઇન્ટરનૅશનલ વિકેટ પૂરી કરી મોહમ્મદ સિરાજે.
4/62
પ્રસિદ્ધિ ક્રિષ્નાએ પોતાની ટેસ્ટ-કરીઅરનું બેસ્ટ પ્રદર્શન કર્યું.
18
આટલી વિકેટ સાથે વર્તમાન સિરીઝનો હાઇએસ્ટ વિકેટ-ટેકર બન્યો મોહમ્મદ સિરાજ.
16
આટલા હાઇએસ્ટ વાઇડ બૉલ ભારત સામે એક ઇનિંગ્સમાં ફેંકવાનો રેકૉર્ડ કર્યો ઇંગ્લૅન્ડે. વર્ષ 1989માં પાકિસ્તાને ફૈસલાબાદમાં ભારત સામે ૧૫ વાઇડ બૉલ કર્યા હતા.
ખભાની ઇન્જરીને કારણે ક્રિસ વૉક્સ પાંચમી ટેસ્ટમાં નહીં રમે

ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સ ખભાની ઇન્જરીને કારણે ભારત સામે ચાલી રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ-મૅચમાંથી બહાર થઈ ગયો છે. તેણે પહેલા દિવસે ૧૪ ઓવરમાં ૪૬ રન આપીને એક વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર જેમી ઓવર્ટનની ઓવરમાં કરુણ નાયરે મારેલા શૉટને બાઉન્ડરીલાઇન પર બચાવવાનો પ્રયાસ કરતી વખતે તે ઘાયલ થયો હતો. પહેલા દિવસે ઇન્જરીને કારણે તે મેદાન છોડીને ગયો ત્યારે તેનો ડાબો હાથ સ્વેટરમાં લપેટાયેલો હતો અને તે પીડાથી કણસતો હતો. ક્રિસ વૉક્સે આ સિરીઝમાં ૧૮૧ ઓવરમાં ૫૭૪ રન આપીને ૧૧ વિકેટ લીધી હતી. ૫૯મી ઓવરમાં તેને બાઉન્ડરીલાઇન પર પીડાતો જોઈને કરુણ નાયરે વધુ રન લેવાની તક હોવા છતાં ચોથો રન લીધો નહોતો જેની સોશ્યલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.
જસપ્રીત બુમરાહ ભારતીય સ્ક્વૉડમાંથી રિલીઝ
ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની સિરીઝમાં ત્રણ ટેસ્ટનો ક્વોટા પૂરો કર્યા બાદ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને શુક્રવારે ભારતીય સ્ક્વૉડમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ૩૧ વર્ષના બુમરાહે ઇન્જરીની ચિંતાઓ વચ્ચે ત્રણ મૅચમાં ૧૧૯.૪ ઓવર બોલિંગ કરીને ૧૪ વિકેટ લીધી હતી. તેણે હેડિંગ્લી (પાંચ વિકેટ) અને લૉર્ડ્સ (સાત વિકેટ) ટેસ્ટ-મૅચમાં એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી, જ્યારે મૅન્ચેસ્ટર ટેસ્ટ-મૅચમાં તેણે માત્ર બે વિકેટ લઈને પહેલી વાર એક ઇનિંગ્સમાં ૧૦૦ પ્લસ રન આપી દીધા હતા. બુમરાહ પાસે હવે ૪૮ ટેસ્ટમાં ૨૧૯ વિકેટ છે.


