ડિસેમ્બર ૨૦૧૨માં પુણેની એકમાત્ર T20 મૅચમાં ભારતની થઈ હતી જીત
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીર.
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં આજે સાંજે ૭ વાગ્યે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચની સિરીઝની ચોથી T20 મૅચ રમાશે. ૨-૧થી આગળ ભારતીય ટીમ પાસે ફરી એક વાર આજે સિરીઝ પર કબજો કરવાની તક રહેશે. રાજકોટમાં ત્રીજી મૅચ દરમ્યાન ભારતીય ટીમનો વિજયરથ રોકાયો હતો. સ્ટાર બોલર અર્શદીપ સિંહની ગેરહાજરી અને ટૉપ ઑર્ડરના બૅટર્સનું કંગાળ પ્રદર્શન સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીની હારનાં મુખ્ય કારણ બન્યાં હતાં. રાજકોટની મૅચમાં ટીમની નબળાઈઓને જોતાં ચોથી મૅચમાં ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં મોટા ફેરફાર થઈ શકે છે.
પુણેમાં ભારત અને ઇંગ્લૅન્ડની ટીમ વચ્ચે ૧૨ વર્ષ બાદ T20 મૅચ રમાશે. ડિસેમ્બર ૨૦૧૨માં રમાયેલી છેલ્લી T20 મૅચમાં ભારતની પાંચ વિકેટે જીત થઈ હતી. ભારતીય ટીમ આ મેદાન પર ૪ T20 મૅચમાંથી બે મૅચ જ જીતી શકી છે. ઇંગ્લૅન્ડની ટીમ આ મેદાન પર એક T20 મૅચ સિવાય પાંચ વન-ડે મૅચ રમી છે. પુણેમાં ભારત સામેની ચાર વન-ડે મૅચમાંથી ઇંગ્લૅન્ડ માત્ર એક મૅચ જીત્યું છે, જ્યારે ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ સમયે પુણેમાં ઇંગ્લૅન્ડે નેધરલૅન્ડ સામે ૧૬૦ રને જીત નોંધાવી હતી.

