પાંચમા દિવસે નવ ઓવરની અંદર મોહમ્મદ સિરાજે અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ જીત માટે જરૂરી ચાર વિકેટ લીધી
સિરાજે ખૂબ આક્રમક બોલિંગ કરીને ઇંગ્લૅન્ડને ધરાશાયી કરી દીધું હતું.
ભારતે ૬ રનથી મૅચ જીતીને ટેસ્ટ-ઇતિહાસનો પોતાનો સૌથી ટૂંકો વિજય મેળવ્યો, સિરીઝ ૨-૨થી ડ્રૉ કરી : પાંચમા દિવસે નવ ઓવરની અંદર મોહમ્મદ સિરાજે અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ જીત માટે જરૂરી ચાર વિકેટ લીધી, તૂટેલા હાથ સાથે બૅટિંગ કરવા માટે ઊતરેલા ક્રિસ વોક્સને સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું
ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચેની પાંચ ટેસ્ટની પહેલી ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી સિરીઝ ૨-૨થી ડ્રૉ રહી છે. વિદેશી ધરતી પર સિરીઝની પાંચમી મૅચમાં હમણાં સુધી પરાજિત રહેનાર ભારતીય ટીમે પહેલી વાર ૬ રને બાજી મારવાની સાથે ઇંગ્લૅન્ડને સિરીઝ જીતતાં અટકાવ્યું હતું. ભારતીય ટીમે ૨૨૪ અને ૩૯૬ રન કરીને ઓવલ ટેસ્ટ-મૅચ જીતવા માટે ૩૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૪૭ રન કરનાર ઇંગ્લૅન્ડ બીજી ઇનિંગ્સમાં ૮૫.૧ ઓવરમાં ૩૬૭ રને ઑલઆઉટ થયું હતું. નવ વિકેટ લઈને તરખાટ મચાવનાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
ADVERTISEMENT
ઓવલમાં ઇંગ્લૅન્ડ સામે વર્ષ ૧૯૭૧ અને ૨૦૨૧ બાદ ભારત ત્રીજી ટેસ્ટ-મૅચ જીત્યું છે. ઇંગ્લૅન્ડમાં ભારતે વર્ષ ૨૦૨૧-’૨૨ બાદ સતત બીજી ટેસ્ટ-સિરીઝ ડ્રૉ રમી છે. વર્ષ ૨૦૦૭ બાદ ભારત ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-સિરીઝ જીતી શક્યું નથી. વર્ષ ૨૦૧૮થી હમણાં સુધી ઇંગ્લૅન્ડ પણ ભારત સામે ટેસ્ટ-સિરીઝ જીત્યું નથી. ત્યારથી હમણાં સુધી ભારતે બે સિરીઝ જીતી છે અને બે ડ્રૉ રહી છે. આ સિરીઝ ડ્રૉ થતાં બન્ને કૅપ્ટન્સે પટૌડી-મેડલ શૅર કર્યો હતો, જ્યારે ભારત તરફથી કૅપ્ટન શુભમન ગિલ અને ઇંગ્લૅન્ડ તરફથી હૅરી બ્રૂક પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યા હતા.

સિરીઝ ૨-૨થી ડ્રૉ કરાવ્યા પછી ખુશખુશાલ ભારતીય ટીમ.
પાંચમા દિવસે જીત માટે ઇંગ્લૅન્ડને ૩૫ રન અને ભારતને ચાર વિકેટની જરૂર હતી. પાંચમા દિવસની રમતમાં ઇંગ્લૅન્ડની ટીમે ૭૬.૨ ઓવરમાં ૩૩૯-૬ના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રમતની શરૂઆતમાં જ બે ફોર ફટકારીને પૂંછડિયા બૅટર જેમી ઓવરટન (૧૭ બૉલમાં નવ રન)એ ભારતીય ટીમને પ્રેશરમાં મૂકી દીધા હતા. જોકે મોહમ્મદ સિરાજ (૧૦૪ રનમાં પાંચ વિકેટ)એ દિવસની પોતાની બૅક-ટુ-બૅક ઓવરમાં વિકેટકીપર જેમી સ્મિથ (૨૦ બૉલમાં બે રન) અને ઓવરટનની વિકેટ લઈને જીતની આશા જીવંત રાખી હતી.
છેલ્લી પાંચ ઓવરમાં સંપૂર્ણ બાજી પૂંછડિયા બૅટર ગસ ઍટકિન્સન (૧૯ બૉલમાં ૧૭ રન)એ સંભાળી રાખી હતી. તેણે જોશ ટન્ગ (૧૨ બૉલમાં ઝીરો) અને ક્રિસ વોક્સ (ઝીરો) સાથે અનુક્રમે ૧૯ બૉલમાં ૩ રન અને ૧૩ બૉલમાં ૧૦ રનની ભાગીદારી કરીને છેલ્લે સુધી ભારતીય ટીમના શ્વાસ અધ્ધર રાખ્યા હતા. જોકે પ્રસિદ્ધ ક્રિષ્ના (૧૨૬ રનમાં ચાર વિકેટ)એ જોશ ટન્ગ અને મોહમ્મદ સિરાજે ગસ ઍટકિન્સનને બોલ્ડ કરીને રિઝલ્ટ ભારતીય ટીમના પક્ષમાં કરી દીધું હતું.
ઓવલ ટેસ્ટ-મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન ઇન્જર્ડ થયેલા ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે પહેલી ઇનિંગ્સમાં બૅટિંગ કરી નહોતી, પણ ટીમને જ્યારે જરૂર હતી ત્યારે તેણે પીડા છતાં ઇન્જર્ડ હાથ સાથે મેદાન પર આવીને સાથી પ્લેયરને સાથ આપ્યો હતો. તેને સ્ટેડિયમમાં સ્ટૅન્ડિંગ ઓવેશન પણ મળ્યું હતું અને ભારતીય પ્લેયર્સે પણ તેની પ્રશંસા કરી હતી. વધુ ઇન્જરીથી બચવા તે એક પણ બૉલ રમ્યો નહોતો.

ક્રિસ વોક્સ ઇન્જર્ડ હોવા છતાં બૅટિંગ માટે આવ્યો ત્યારે તેને સ્ટેડિયમમાં સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું હતું.
રોનાલ્ડોનું વૉલપેપર લગાવી સિરાજે કરી મૅજિકલ બોલિંગ
ઓવલ ટેસ્ટ-મૅચના પાંચમા દિવસે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બાકીની ચારમાંથી ત્રણ વિકેટ ઝડપીને ભારતની જીતનો હીરો બન્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૪ અને બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનાર સિરાજે ખુલાસો કર્યો કે ચોથા દિવસની રમતમાં હૅરી બ્રૂકનો કૅચ પકડીને તે બાઉન્ડરી પાર જતો રહ્યો ત્યારે ખૂબ નિરાશ થયો હતો, પણ પાંચમા દિવસની સવારે તેણે ગૂગલ પરથી BELIEVE (વિશ્વાસ) લખેલો ફુટબૉલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડોનો ફોટો પોતાના ફોનના વૉલપેપર પર સેટ કર્યો હતો. જેનાથી તેના વિશ્વાસમાં વધારો થયો હતો. તે મેદાન પર ઑલમોસ્ટ તમામ વિકેટ લીધા બાદ રોનાલ્ડોની સ્ટાઇલમાં સેલિબ્રેશન કરતો જોવા મળે છે.
4
આટલી પ્લસ વિકેટ બન્ને ઇનિંગ્સમાં લીધી સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ. બિશન બેદી અને એરાપલ્લી પ્રસન્ના (વર્ષ ૧૯૬૯માં ઑસ્ટ્રેલિયા સામે) બાદ ભારતની માત્ર બીજી જોડી બની.

સિરીઝ ડ્રૉ થયા પછી ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન બેન સ્ટોક્સ અને શુભમન ગિલ.
આખી સિરીઝમાં બન્ને ટીમે સંપૂર્ણ શક્તિ લગાવી અને જીતવાના પ્રયાસ કર્યા. આ રોમાંચક સિરીઝનો ભાગ બનવું મારા માટે અદ્ભુત હતું. - ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટોક્સ
જ્યારે તમારી પાસે સિરાજ અને પ્રસિદ્ધ જેવા સારા બોલરો હોય છે ત્યારે કૅપ્ટન્સી ખૂબ જ સરળ લાગે છે. આ ટીમ ક્યારેય હાર માનતી નથી. - ભારતીય કૅપ્ટન શુભમન ગિલ
ઇન્ડિયાના ગૂગલ અને પ્રીમિયર લીગ અકાઉન્ટે સિરાજ માટે કરી સ્પેશ્યલ પોસ્ટ : વી ઓન્લી બિલીવ ઇન સિરાજભાઈ
મોહમ્મદ સિરાજના ઐતિહાસિક પ્રદર્શન પર ગૂગલ ઇન્ડિયા અને પ્રીમિયર લીગ ઇન્ડિયાએ અનોખા અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી હતી. મોહમ્મદ સિરાજ હંમેશાં જસપ્રીત બુમરાહ માટે બોલતો હોય છે કે વી ઓન્લી બિલીવ ઇન જસ્સીભાઈ. ગૂગલ ઇન્ડિયાએ જે ફોટો શૅર કર્યો એમાં જોવા મળ્યું કે વી ઓન્લી બિલીવ ઇન આટલું લખ્યા બાદ ગૂગલ સર્ચ એન્જિન પર વી ઓન્લી બિલીવ ઇન સિરાજભાઈ જેવા રિઝલ્ટ વિકલ્પ તરીકે જોવા મળ્યા હતા.
પ્રતિષ્ઠિત ફુટબૉલ પ્રીમિયર લીગના ઇન્ડિયન અકાઉન્ટે ક્રિસ્ટિઆનો રોનાલ્ડોના ઉજવણીવાળા ફોટો પર સિરાજનો ચહેરો લગાવીને ફોટો શૅર કર્યો હતો. રોનાલ્ડો પોતાના સેલિબ્રેશન દરમ્યાન Siuuu... બોલતો હોય છે. આ ફોટોમાં સિરાજના સ્પેલિંગને siuuuraaaj લખીને અનોખા અંદાજમાં રજૂ કરવામાં આવ્યો હતો.
|
ભારતની સૌથી ઓછા અંતરની જીત |
|
|
ઇંગ્લૅન્ડ (વર્ષ ૨૦૨૫) |
૬ રન |
|
આૅસ્ટ્રેલિયા (વર્ષ ૨૦૦૪) |
૧૩ રન |
|
ઇંગ્લૅન્ડ (વર્ષ ૧૯૭૨) |
૨૮ રન |
|
આૅસ્ટ્રેલિયા (વર્ષ ૨૦૧૮) |
૩૧ રન |
|
વેસ્ટ ઇન્ડીઝ (વર્ષ ૨૦૦૨) |
૩૭ રન |
ઓવલમાં ભારતની જીતથી ખુશ લિટલ માસ્ટરે બતાવ્યું લકી જૅકેટ
ઓવલ ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસના અંતે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસકરે ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલને પોતાના લકી જૅકેટ વિશે વાત કરી હતી. બ્રિસ્બેનના ગૅબાના મેદાન પર ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક મૅચ જીતીને બૉર્ડર-ગાવસકર ટ્રોફી ૨૦૨૦-’૨૧ જીતી હતી ત્યારે ગાવસકરે એક જૅકેટ પહેર્યું હતું. ગાવસકરે શુભમન ગિલને કહ્યું હતું કે ભારતના પક્ષમાં રિઝલ્ટ આવે એ માટે તેઓ એ લકી જૅકેટ પહેરીને આવશે. ગઈ કાલે જ્યારે ભારતને રોમાંચક જીત મળી ત્યારે લિટલ માસ્ટરે કૉમેન્ટરી દરમ્યાન ટીવી પર ભરપૂર ઉત્સાહ સાથે પોતાના લકી જૅકેટનો પ્રચાર કર્યો હતો.
7187
આટલા રન થયા આ ટેસ્ટ-સિરીઝમાં. વર્ષ ૧૯૯૩ની ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડની ૭૨૨૧ રનની સિરીઝ પછી સૌથી હાઇએસ્ટ રનવાળી સિરીઝ બની.


