ઇંગ્લૅન્ડમાં મળ્યા રાજસ્થાન રૉયલ્સના ધુરંધરો
IPL 2025માં રાજસ્થાન રૉયલ્સનો યંગ બૅટર વૈભવ સૂર્યવંશી અને અનુભવી બોલર જોફ્રા આર્ચર તેમના પ્રદર્શનને કારણે ચર્ચામાં રહ્યા હતા.
ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમ સામેની પાંચ મૅચની વન-ડે સિરીઝમાં ભારતે ૨-૧ની લીડ મેળવી લીધી છે. બુધવારે વરસાદથી પ્રભાવિત ત્રીજી વન-ડેમાં ૪૦-૪૦ ઓવરની મૅચમાં ઇંગ્લૅન્ડે ૬ વિકેટ ગુમાવીને ૨૬૮ રન કર્યા હતા. ભારતે ૩૪.૩ ઓવરમાં ૬ વિકેટે ૨૭૪ રન બનાવી આ મૅચ જીતી લીધી હતી. પહેલી વન-ડે ભારતે ૬ વિકેટે અને બીજી વન-ડે ઇંગ્લૅન્ડે એક વિકેટે જીતી હતી. ૨૦ બૉલમાં ફિફ્ટી ફટકારનાર વૈભવ સૂર્યવંશીએ ત્રીજી વન-ડેમાં મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી.
IPL અભિયાન સમાપ્ત થયાના એક મહિના બાદ આ બન્ને ધુરંધર્સ ફરી એકબીજાને ઇંગ્લૅન્ડમાં મળ્યા હતા. ૩૦ વર્ષનો આર્ચર ભારતની સિનિયર ટીમની ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડ સ્ક્વૉડનો ભાગ છે, જ્યારે વૈભવ ભારતની અન્ડર-19 ટીમ સાથે ઇંગ્લૅન્ડમાં યુથ ક્રિકેટ સિરીઝ રમવા પહોંચ્યો છે.
ADVERTISEMENT
પહેલી બે વન-ડેમાં ૪૦ પ્લસની શાનદાર ઇનિંગ્સ રમીને ફિફ્ટી ચૂકી જનાર વૈભવે ત્રીજી વન-ડેમાં ૬ ફોર અને નવ સિક્સ ફટકારીને ૩૧ બૉલમાં ૮૬ રન ફટકાર્યા હતા. તેણે યુથ વન-ડેમાં ભારત તરફથી હાઇએસ્ટ ૮-૮ સિક્સ ફટકારવાનો રાજ બાવા (૨૦૨૨) અને મનદીપ સિંહ (૨૦૦૯)નો રેકૉર્ડ તોડ્યો હતો. યુથ વન-ડેમાં ૨૫૦ પ્લસના સ્ટ્રાઇક-રેટથી ૮૦ પ્લસની ઇનિંગ્સ રમનાર પહેલો પ્લેયર બનવાની સાથે તેણે ફાસ્ટેસ્ટ ૮૦ પ્લસ રનની ઇનિંગ્સ રમવાનો સુરેશ રૈના (૩૮ બૉલમાં ૯૦ રન)ના ૨૦૦૪ના રેકૉર્ડને પણ પાછળ છોડ્યો હતો.

