India`s T20 series defeat to England raises questions: T20 વર્લ્ડ કપ પછી ભારતનો પહેલા આયર્લેન્ડ પછી ઇંગ્લેન્ડ સામે પરાજય; બેટિંગ, ટીમ પસંદગી, વ્યૂહરચના, પરિસ્થિતિમાં અનુકૂલન સાધવામાં અસમર્થતા અને પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર ખરાબ પ્રદર્શનના મુખ્ય કારણ
ફાઇલ તસવીર
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ને ઇંગ્લેન્ડ (England) સામે વધુ એક શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ચોથી ટી૨૦ મેચમાં ઇંગ્લેન્ડે ભારત (India) સામે ૯ વિકેટે શાનદાર જીત નોંધાવીને શ્રેણીમાં અજેય લીડ મેળવી લીધી છે. શ્રેયસ અય્યર (Shreyas Iyer)ની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા સતત બીજી શ્રેણી હારી ચૂકી છે. આ પહેલાં ભારતીય ટીમ આયર્લેન્ડ (Ireland) સામે ૦-૨થી હરી ગઈ હતી. આ સતત ખરાબ પ્રદર્શનના કારણે હવે માત્ર કેપ્ટન જ નહીં, પરંતુ હેડ કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir)ની પણ આકરી ટીકા થઈ રહી છે અને તેની રણનીતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે.
ટીમમાં સતત ફેરફાર કેમ?
ADVERTISEMENT
ઘણા પૂર્વ ખેલાડીઓ અગાઉ પણ ગૌતમ ગંભીરને ચેતવણી (India`s T20 series defeat to England raises questions) આપી ચૂક્યા છે કે દરેક મેચ પછી ટીમમાં ફેરફાર કરવા યોગ્ય નથી. આયર્લેન્ડ સામેની પ્રથમ મેચ બાદ પ્રસિદ્ધ ક્રિષ્ણા (Prasidh Krishna) અને વોશિંગ્ટન સુંદર (Washington Sundar)ને ટીમમાંથી બહાર કરી દેવાયા હતા. માત્ર એક મેચના આધારે ખેલાડીના પ્રદર્શનનો ન્યાય કરવો યોગ્ય નહોતો, અથવા તો પ્રથમ મેચમાં જ પ્રિન્સ યાદવ (Prince Yadav)ને રમાડી દેવો જોઈતો હતો.
પ્રિન્સ યાદવે આયર્લેન્ડ સામેની ડેબ્યુ ટી૨૦ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ઇંગ્લેન્ડ (India vs England T20I) સામેની પ્રથમ ટી૨૦માં તેનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ત્યારપછી, પ્રસિદ્ધ અને વોશિંગ્ટનને ઇંગ્લેન્ડ સામેની ચોથી ટી૨૦માં પાછા લાવવામાં આવ્યા અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી (Varun Chakaravarthy)ને ટીમમાંથી હટાવી દેવાયો. દરેક ઇનિંગ કે મેચ પછી થતા આ ફેરફારો ટીમ મેનેજમેન્ટ પરના દબાણને દર્શાવે છે.
વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડીને કર્યો ડ્રોપ
સંજુ સેમસન (Sanju Samson) ભલે આયર્લેન્ડ સામેની બંને મેચમાં નહોતો ચાલ્યો અને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં પણ તેનું બેટ શાંત રહ્યું હતું, પરંતુ વર્લ્ડ કપ (T20 World Cup)માં `પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ` રહેલા આ ખેલાડીને વધુ એક તક આપી શકાતી હતી. વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi)ને પ્લેઇંગ ૧૧માં લાવવાની માંગ ચોક્કસથી ઉઠી રહી હતી, પરંતુ સંજુ સેમસનની જગ્યાએ તેને ટીમમાં સામેલ કરવો યોગ્ય નિર્ણય નહોતો.
બીજી તરફ, વાઇસ કેપ્ટન તિલક વર્મા (Tilak Varma)નું બેટ પણ શાંત છે અને જે મેચમાં તે થોડા રન બનાવે છે ત્યાં પણ તેનો સ્ટ્રાઈક રેટ ઘણો ઓછો હોય છે. તેને ટીમમાંથી હટાવી શકાયો હોત, પરંતુ તેને સતત ચાન્સ આપવામાં આવ્યો અને વિશ્વ કપના હીરોને બહાર બેસાડી દેવાયો. આ નિર્ણયની પણ ઘણા પૂર્વ ખેલાડીઓ ટીકા કરી રહ્યા છે.
પાંચ સ્પેશિયાલિસ્ટ બોલરો સાથે નથી રમી રહી ટીમ ઇન્ડિયા
ટીમ ઇન્ડિયાની સૌથી મોટી તાકાત તેની બેટિંગ લાઇન-અપ છે, પરંતુ હાલની પ્લેઇંગ ૧૧ જોતાં એવું લાગે છે કે કેપ્ટન અને કોચને પોતાના બેટ્સમેનો પર પણ પૂરો ભરોસો નથી. ભારતીય ટીમ ૮મા નંબર સુધી બેટિંગની મજબૂતી ઈચ્છે છે, પરંતુ તેના કારણે બોલિંગ નબળી પડી રહી છે. અનિલ કુંબલે (Anil Kumble) પણ આ અંગે સવાલ ઉઠાવી ચૂક્યા છે કે બેટ્સમેનો રન બનાવે છે પરંતુ બોલરો મેચ જીતાડે છે, તેથી ટીમમાં પાંચ સ્પેશિયાલિસ્ટ (પ્રોપર) બોલરો હોવા ખૂબ જરૂરી છે. હાલમાં ટીમમાં ઓલરાઉન્ડરોની સંખ્યા ઘણી વધારે છે. ગઈકાલની મેચમાં પણ અક્ષર પટેલ (Axar Patel), વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબે (Shivam Dube)ના રૂપમાં ત્રણ ઓલરાઉન્ડરો રમી રહ્યા હતા.
વૈભવ સૂર્યવંશીના આવવાથી વધી અસુરક્ષા?
જોકે, એવું નથી કે વૈભવ સૂર્યવંશીના આવ્યા પછી જ ભારત મેચ હાર્યું છે, કારણ કે આયર્લેન્ડ સામેની બંને મેચમાં તે રમ્યો નહોતો. પરંતુ તે ટીમનો હિસ્સો હોવાને કારણે જ અન્ય બેટ્સમેનો પર દબાણ વધી ગયું છે કે તેમણે ઝડપી ગતિએ રન બનાવવા જ પડશે, નહીં તો વૈભવ તેમની જગ્યા લઈ લેશે.
રવિ શાસ્ત્રી (Ravi Shahstri)એ પણ કહ્યું હતું કે જો વૈભવ એકવાર પ્લેઇંગ ૧૧માં આવી ગયો તો તેને રિપ્લેસ કરવો મુશ્કેલ બનશે. આવા વાતાવરણમાં અન્ય ખેલાડીઓમાં અસુરક્ષાની ભાવના (ઇનસિક્યોરિટી) હોવી સ્વાભાવિક છે. આ પરિસ્થિતિને યોગ્ય રીતે ન સંભાળવા બદલ કેપ્ટન શ્રેયસ અય્યર અને હેડ કોચ ગૌતમ ગંભીર પર આંગળીઓ ચિંધાઈ રહી છે.
ગૌતમ ગંભીરની રણનીતી પર ઉઠ્યા સવાલો
ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા બાદ ટીમની રણનીતિ અને પ્રદર્શનને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ભારતની હાર બાદ કોચ અને કેપ્ટનની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે.
બંને શ્રેણીમાં ભારતીય ટીમની સૌથી મોટી નબળાઈ એ રહી કે ખેલાડીઓ પિચ અને હવામાનની પરિસ્થિતિઓ અનુસાર પોતાની રમતને બદલી શક્યા નહીં. બ્રિસ્ટલ જેવી નાની બાઉન્ડ્રી ધરાવતા મેદાન પર જ્યાં ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ (ખાસ કરીને હેરી બ્રુકે) પરિસ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવ્યો, ત્યાં ભારતીય બેટ્સમેનો યોગ્ય દિશામાં શોટ પસંદ કરવામાં નિષ્ફળ રહ્યા. જ્યારે પણ બોલ હવામાં સ્વિંગ થયો કે સીમ મૂવમેન્ટ મળી, ત્યારે ભારતીય બેટિંગ લાઇન-અપ પત્તાની મહેલની જેમ વિખેરાઈ ગઈ.
મુશ્કેલ સમયમાં ક્રિઝ પર ટકી રહેવા, ધૈર્ય રાખવા અને સિંગલ-ડબલ રન લઈને સ્ટ્રાઈક રોટેટ કરવાને બદલે ભારતીય બેટ્સમેનો સતત મોટા શોટ રમવાના પ્રયાસમાં પોતાની વિકેટો ગુમાવતા રહ્યા. ટીમમાં એકસરખી શૈલીથી રમનારા ખેલાડીઓની ભરમાર હોવાને કારણે આ સમસ્યા વધુ ગંભીર બની. આ પ્લાનિંગ અને તૈયારીનો અભાવ સીધો મેનેજમેન્ટ તરફ આંગળી ચિંધે છે.
એક ખેલાડી તરીકે ગૌતમ ગંભીર પાસે ઇંગ્લેન્ડની ધરતી પર રમવાનો વર્ષોનો અનુભવ છે. તેથી મુખ્ય કોચ તરીકે મેચ શરૂ થાય તે પહેલાં ખેલાડીઓને ત્યાંની પરિસ્થિતિઓ, પિચના મિજાજ અને વિરોધી ટીમની રણનીતિ સામે માનસિક તથા તકનીકી રીતે તૈયાર કરવાની મોટી જવાબદારી તેમની બને છે. ટીમમાં દરેક મેચ પછી થતા સતત ફેરફારો અને વરિષ્ઠ ખેલાડીઓને ડ્રોપ કરવાના નિર્ણયોએ પણ ટીમની સ્થિરતાને નુકસાન પહોંચાડ્યું છે.
અલબત્ત, મેદાન પર પ્રદર્શન કરવાની અંતિમ જવાબદારી ખેલાડીઓની હોય છે, પરંતુ યોગ્ય રણનીતિ ઘડવામાં અને ખેલાડીઓને પરિસ્થિતિ મુજબ ગાઈડ કરવામાં હેડ કોચ તરીકે ગૌતમ ગંભીર પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં. આ જ કારણે પૂર્વ ક્રિકેટરો અને વિવેચકો તેમની આકરી ટીકા કરી રહ્યા છે.
