Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બપોરે અજાઝે રચ્યો ઇતિહાસ, સાંજે કિવીઓનો થયો રકાસ

બપોરે અજાઝે રચ્યો ઇતિહાસ, સાંજે કિવીઓનો થયો રકાસ

05 December, 2021 02:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિવી સ્પિનર ભારતના દાવની તમામ ૧૦ વિકેટ લઈને રેકૉર્ડ-બુકમાં આવી ગયો, પણ ન્યુ ઝીલૅન્ડ ફક્ત ૬૨ રનમાં ખખડી ગયું : ભારત આજે જ જીતી શકે

અજાઝ પટેલ

અજાઝ પટેલ


મુંબઈમાં જન્મેલા અને ઊછરેલા ન્યુ ઝીલૅન્ડના લેફ્ટ-આર્મ સ્પિનર અજાઝ પટેલે ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમની બીજી તથા અંતિમ ટેસ્ટના બીજા દિવસે ભારતના પ્રથમ દાવમાં તમામ ૧૦ વિકેટ લઈને ટેસ્ટ-ક્રિકેટના ૧૪૪ વર્ષના ઇતિહાસમાં એક ટેસ્ટ-ઇનિંગ્સમાં તમામ દસેદસ વિકેટ લેનાર ઇંગ્લૅન્ડના સ્પિનર જિમ લેકર અને ભારતના અનિલ કુંબલે સાથે પોતાનું પણ નામ ઇતિહાસમાં લખાવી દીધું છે. જોકે બપોરે તેની આ મહાન સિદ્ધિની વાતો હજી પૂરી નહોતી થઈ ત્યાં તો કિવીઓની ટીમ પ્રથમ દાવમાં ફક્ત ૬૨ રનમાં ઑલઆઉટ થઈ જતાં અજાઝની ઉપલબ્ધિનો આનંદ કિવીઓમાં ઓસરી ગયેલો જોવા મળ્યો હતો.
અજાઝના તરખાટ પછી ભારતીય બોલરો કિવીઓ પર તૂટી પડ્યા
બીજા શબ્દોમાં કહીએ તો બપોરે અજાઝે એકલા હાથે ન્યુ ઝીલૅન્ડ માટે યાદગાર ક્ષણો સર્જી હતી, પરંતુ પછીથી ભારતીય બોલરો જેમાં ખાસ કરીને મોહમ્મદ સિરાજ, આર. અશ્વિન, અક્ષર પટેલ અને જયંત યાદવે કિવીઓને વિક્રમજનક નીચા સ્કોર પર આઉટ કરીને અજાઝને કારણે ભારતની બપોર જે રીતે બગડી હતી એને લગભગ ભુલાવી દીધી હતી. વિદેશી ટીમના ભારત સામેના સૌથી નીચા ૬૨ રનના સ્કોર પર કિવીઓને તંબુભેગા કરીને ભારતે ૨૬૩ રનની તોતિંગ લીડ લીધી હતી અને ત્યાર પછી તેમને ફૉલો-ઑન ન આપીને ફરી બૅટિંગ કરી હતી અને બીજા દાવમાં વિના વિકેટે ૬૯ રન બનાવ્યા હતા. સરસાઈ સાથે ભારતનો સ્કોર ગઈ કાલે ૩૩૨ રન હતો. પ્રથમ દાવમાં ૪૩૨ મિનિટ સુધી બૅટિંગ કરીને ૧૫૦ રન બનાવનાર મયંક અગરવાલ ગઈ કાલે ૩૮ રન પર અને શુભમન ગિલના સ્થાને ઓપનિંગમાં આવેલો ચેતેશ્વર પુજારા ૨૯ રને રમી રહ્યા હતા. ગિલે છેલ્લી અમુક મિનિટો સુધી ફીલ્ડિંગ કરી ન હોવાથી તેને ઓપનિંગમાં રમવા નહોતું મળ્યું. પ્રથમ દાવમાં ભારતના ૩૨૫ રન હતા.
કિવીઓને કદાચ ૪૫૦થી ૫૦૦ રનનો લક્ષ્યાંક અપાશે
ભારતીયો કદાચ આજે જ દાવ ડિક્લેર કરી કિવીઓને ૪૫૦થી ૫૦૦ જેટલો તોતિંગ ટાર્ગેટ આપી તેમને આજે (ત્રીજા દિવસે) અથવા આવતી કાલે (ચોથા દિવસે) જીતી શકશે જેથી તેમને સાઉથ આફ્રિકાના પ્રવાસે જતાં પહેલાં વધુ આરામ મળી શકે.

62
ન્યુ ઝીલૅન્ડ ગઈ કાલે પહેલા દાવમાં આટલા રનમાં આઉટ થયું. ટેસ્ટમાં ભારત સામે આ લોઅેસ્ટ ટીમ-સ્કોર તથા ભારતમાં રમાયેલી તમામ ટેસ્ટ-મૅચોમાં સાૈથી નીચો સ્કોર છે.



"મને કુંબલેની ૨૮ વર્ષ પહેલાંની ૧૦ વિકેટવાળી સિદ્ધિ બરાબર યાદ છે. મેં એ મૅચની હાઇલાઇટ્સ ઘણી વાર જોઈ છે. કુંબલે અને જિમ લેકરની એ સિદ્ધિની બરાબરીમાં હું આવ્યો એનો આનંદ મારામાં સમાતો નથી. કુંબલેએ ટ્વિટર પર મને અભિનંદન આપતો જે મેસેજ કર્યો એ મારા માટે ગૌરવની વાત છે." : અજાઝ પટેલ



અજાઝ પટેલને આઇપીએલના કૉન્ટ્રૅક્ટની હવે ઘણી આશા છે : તમામ ૧૦ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ લેફ્ટ-આર્મ સ્પિનર

*તમને ટેસ્ટ તમામ ૧૦ વિકેટના આ વિક્રમજનક પફોર઼્ર્મન્સ બદલ આઇપીઅેલનો કૉન્ટ્રૅક્ટ મળી શકે? અેવા સવાલના જવાબમાં અજાઝ પટેલે ગઈ કાલે કહ્યું, ૅઓહ! મને કોઈ કૉન્ટ્રૅક્ટ મળે તો હું ખુશ જરૂર થઈશ અને પોતાને નસીબદાર માનીશ, પરંતુ હમણાં તો મારું બધુ ધ્યાન ન્યુ ઝીલૅન્ડ વતી સારું પફોર઼્ર્મ કરવા પર જ છે.’
*વિદેશી ધરતી પર ટેસ્ટના દાવમાં તમામ ૧૦ વિકેટ લેનાર ૩૩ વર્ષીય અજાઝ પટેલ પહેલો બોલર છે. ઇંગ્લૅન્ડના જિમ લેકરે ૧૯૫૬માં મૅન્ચેસ્ટરમાં અને અનિલ કુંબલેઅે ૧૯૯૯માં દિલ્હીમાં હાંસલ કરી હતી.
*ટેસ્ટના દાવની તમામ ૧૦ વિકેટ લેનાર અજાઝ પટેલ પ્રથમ લેફ્ટ-આર્મ સ્પિનર છે. 
*ટેસ્ટના દાવમાં ૧૧૯ રનમાં તમામ ૧૦ વિકેટ લીધા પછી પણ પોતાની ટીમને હારતી જોવી પડશે તો અે પહેલો બનાવ બન્યો કહેવાશે, કારણકે ૧૯૯૯માં દિલ્હીમાં પાકિસ્તાન સામે કુંબલે (૭૪ રનમાં ૧૦)ની ૧૦ વિકેટ બાદ ભારત અે ટેસ્ટ ૨૧૨ રનથી જીત્યું હતું. અે પહેલાં, ૧૯૫૬માં મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડના જિમ લેકર (૫૩ રનમાં ૧૦)ની ૧૦ વિકેટની સિદ્ધિ બાદ ઑસ્ટ્રેલિયા અેક દાવથી હારી ગયું હતું.
*અજાઝ પટેલે પ્રથમ દાવમાં કુલ ૪૭.૫ ઓવર બોલિંગ કરી. ત્યાર પછી કિવીઓની આખી ટીમ ૨૮.૧ ઓવરમાં આઉટ થઈ ગઈ હતી.
*મયંક અગરવાલે પહેલા દાવમાં ૧૫૦ રન બનાવ્યા હતા, પરંતુ ગઈ કાલે કિવીઓની ટીમ તેનાથી અડધા રન પણ નહોતી બનાવી શકી અને ફક્ત ૬૨ રનમાં આઉટ થઈ ગઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

05 December, 2021 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK