છ ઑક્ટોબરથી બન્ને ટીમો વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થશે.
પંચાવન રન સાથે ૧૦ વિકેટ લેનાર મુંબઈનો સ્પિન ઑલરાઉન્ડર શમ્સ મુલાની બન્યો પ્લેયર ઑફ ધ સિરીઝ.
પૉન્ડિચૅરીમાં આયોજિત બીજી મૅચ ડ્રૉ કરીને ઇન્ડિયા A ટીમે ઑસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટ-મૅચની સિરીઝમાં ૧-૦થી જીત મેળવી છે. ઑસ્ટ્રેલિયા A ટીમે ૩૫૮ રન અને ૧૭૩/૪ નો સ્કોર કરીને ૩૬૫ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૬૭ રન કરનાર ભારતે ચોથા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૧૦૩ ઓવરમાં ૩૧૦/૯નો સ્કોર કર્યો હતો. છેલ્લી વિકેટ બચાવી રાખીને પૂંછડિયા બૅટર્સે ભારતને હારતાં બચાવ્યું હતું.
ચોથા દિવસની શરૂઆતમાં ભારતનો સ્કોર ૧૩ ઓવરમાં ૨૮-૧નો હતો. બીજી ઇનિંગ્સમાં ભારત માટે ત્રીજા ક્રમે રમવા આવેલા તુષાર દેશપાંડેએ ૧૧૯ બૉલમાં બાવન રન કર્યા હતા. છઠ્ઠા ક્રમે બૅટિંગ કરનાર યશ રાઠોડે ૧૩૮ બૉલમાં ૮૦ રન કર્યા હતા.
૬૦.૨ ઓવરમાં ટીમે ૧૯૯-૭નો સ્કોર કર્યો પછી પૂંછડિયા બૅટર્સે ઇનિંગ્સ સંભાળી હતી. નવમા ક્રમે રમીને શમ્સ મુલાનીએ ૧૩૧ બૉલમાં ૨૯ રન અને નચિકેત ભુતે ૨૧ બૉલમાં અણનમ ૨૦ રનની ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમી હતી. ફાસ્ટ બોલર પ્રફુલ્લ હિન્ગે પણ ૬ બૉલમાં રન કર્યા વગર રહ્યો પણ વિકેટ બચાવીને રાખી હતી. ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર લિયામ સ્કૉટે બીજી ઇનિંગ્સમાં ૧૮ ઓવરમાં ૩૭ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.
