બીજી વન-ડે મૅચમાં ૩૭૧ રનના ટાર્ગેટ સામે ૭ વિકેટે ૨૫૪ રન બનાવી શકી આયરલૅન્ડની ટીમ, ૧૧૬ રને જીત મેળવી ભારતીય વિમેન્સે ૨-૦થી વન-ડે સિરીઝ પર કબજો કર્યો
કરીઅરની પહેલી સેન્ચુરી ફટકાર્યા બાદ જેમિમા રૉડ્રિગ્સે બૅટને ગિટાર બનાવીને કરી ઉજવણી.
રાજકોટમાં ગઈ કાલે આયરલૅન્ડ સામે ૧૧૬ રને બીજી વન-ડે મૅચ જીતીને ભારતીય વિમેન્સ ટીમે ત્રણ મૅચની વન-ડે સિરીઝ પર કબજો કર્યો છે. પહેલા બૅટિંગ કરતાં ભારતીય ટીમે પાંચ વિકેટે ૩૭૦ રનનો સ્કોર ખડકી દીધો હતો. જવાબમાં મહેમાન ટીમે ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૫૪ રન બનાવી જબરદસ્ત ટક્કર આપી હતી પણ પહેલી વન-ડેમાં ૬ વિકેટે જીતનાર ભારતીય ટીમે બીજી વન-ડે જીતીને આયરલૅન્ડ સામે સળંગ ત્રીજી વન-ડે સિરીઝ જીતી છે. ૨૦૦૨માં ત્રણ મૅચની સિરીઝમાં અને ૨૦૦૬માં બે મૅચની સિરીઝમાં ભારતીય ટીમે ૨-૦થી જીત મેળવી હતી.
પહેલી વિકેટ માટે કૅપ્ટન સ્મૃતિ માન્ધના (૭૩ રન) અને પ્રતીકા રાવલે (૬૭ રન) ૧૧૪ બૉલમાં ૧૫૬ રનની પાર્ટનરશિપ કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ત્રીજી વિકેટ માટે જેમિમા રૉડ્રિગ્સ (૧૦૨ રન) અને હરલીન દેઓલ (૮૯ રન) ૧૬૮ બૉલમાં ૧૮૩ રનની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૩૦૦ને પાર પહોંચાડ્યો હતો.
ADVERTISEMENT
આયરલૅન્ડની બૅટર્સ ભારતીય સ્પિનર દીપ્તિ શર્મા (૩૭ રનમાં ત્રણ વિકેટ) અને પ્રિયા મિશ્રા (૫૩ રનમાં બે વિકેટ) સામે સૌથી વધારે હેરાન થઈ હતી. મહેમાન ટીમની વિકેટકીપર-બૅટર કોલ્ટર રૈલી (૧૧૩ બૉલમાં ૮૦ રન) જ પોતાની ટીમ માટે ફિફ્ટી પ્લસ સ્કોર કરી શકી હતી. બન્ને ટીમ વચ્ચે વન-ડે સિરીઝની અંતિમ મૅચ ૧૫ જાન્યુઆરીએ રાજકોટમાં જ રમાશે.
પહેલી સેન્ચુરી કરીને વન-ડેમાં ૧૦૦૦ રન પૂરા કર્યા જેમિમા રૉડ્રિગ્સે
ગઈ કાલે મુંબઈની જેમિમા રૉડ્રિગ્સે ૯૦ બૉલમાં કરીઅરની પહેલી ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી હતી. ભારત માટે આ સંયુક્ત ફાસ્ટેસ્ટ વન-ડે સેન્ચુરી હતી. ૨૦૨૪માં ૮૭ બૉલમાં સાઉથ આફ્રિકા સામે વન-ડે સેન્ચુરી કરનાર હરમનપ્રીત કૌરે ૨૦૧૭માં ઑસ્ટ્રેલિયા સામે ૯૦ બૉલમાં પણ વન-ડે સેન્ચુરી ફટકારી હતી. પોતાની ૪૧મી વન-ડે મૅચમાં સેન્ચુરી કરીને જેમિમા (૧૦૮૯ રન)એ વન-ડેમાં ૧૦૦૦ રન પણ પૂરા કર્યા હતા. તે વિમેન્સ વન-ડેમાં ૧૦૦૦ રન પૂરા કરનાર અગિયારમી ભારતીય ક્રિકેટર બની છે.
આયરલૅન્ડ સામે કરેલો હાઇએસ્ટ સ્કોરનો રેકૉર્ડ તોડ્યો
૩૭૦ રનનો સ્કોર વિમેન્સ વન-ડે ક્રિકેટમાં ભારતીય ટીમનો હાઇએસ્ટ સ્કોર છે, જ્યારે ઓવરઑલ લિસ્ટમાં આ ૧૫મા નંબરનો હાઇએસ્ટ સ્કોર છે. આ ફૉર્મેટમાં ભારતીય વિમેન્સ ટીમનો આ આઠમો ૩૦૦ પ્લસ રનનો સ્કોર હતો. મે ૨૦૧૭માં ભારતીય ટીમે આયરલૅન્ડની સામે જ પોતાનો ૩૫૮ રનનો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો. ડિસેમ્બર ૨૦૨૪માં વડોદરામાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૩૫૮ રન ફટકારીને ફરી આ રેકૉર્ડની બરાબરી કરી હતી.
વન-ડે મૅચમાં પહેલી વાર ભારતીય ટીમની બે ૧૫૦ પ્લસ રનની પાર્ટનરશિપ થઈ
આ પહેલી વાર છે જ્યારે ભારતીય વિમેન્સ ટીમની બૅટર્સે એક જ વન-ડે મૅચમાં બે વાર ૧૫૦થી વધુ રનની પાર્ટનરશિપ નોંધાવી છે. આવું ઇન્ટરનૅશનલ વિમેન્સ વન-ડે ક્રિકેટમાં માત્ર બે વાર બન્યું છે. ઑસ્ટ્રેલિયા ટીમે ૧૯૯૭માં પાકિસ્તાન સામે અને ૨૦૨૨માં ઇંગ્લૅન્ડ સામે આ કમાલ કરી હતી.
આયરલૅન્ડની સ્પિનર મૅગ્વાયર સામે શંકાસ્પદ બોલિંગ ઍક્શન માટે ફરિયાદ નોંધાઈ
ભારત સામેની પહેલી વિમેન્સ વન-ડે મૅચ બાદ આયરલૅન્ડની ડાબોડી ઑફ સ્પિનર એઇમી મૅગ્વાયરની બોલિંગ ઍક્શન શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. આ ૧૮ વર્ષની વિમેન્સ ક્રિકેટરે ૮ ઓવરમાં ૫૭ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જોકે બીજી મૅચ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. મૅચ અધિકારીઓએ તેની બોલિંગ ઍક્શન વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેની બોલિંગ ઍક્શન ICCના નિયમોનું ઉલ્લંઘન કરે છે કે નહીં એ નક્કી કરવા માટે તેને આગામી ૧૪ દિવસની અંદર ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા માન્યતા પ્રાપ્ત ટેસ્ટિંગ સેન્ટરમાં તેની બોલિંગ ઍક્શનનું પરીક્ષણ કરાવવું પડશે. ક્રિકેટ આયરલૅન્ડે જુલાઈ ૨૦૨૩માં ડેબ્યુ કરનાર પોતાની આ યંગ ક્રિકેટરને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે.

