૬ વિકેટે ૨૫૪ રન કર્યા છતાં વેસ્ટ ઇન્ડીઝ T20 વર્લ્ડ કપનો હાઇએસ્ટ સ્કોરનો રેકૉર્ડ ૭ રનથી ચૂકી ગયું, જવાબમાં ઝિમ્બાબ્વે ૧૪૭ રન જ કરી શક્યું
શિમરન હેટમાયરે ૩૪ બૉલમાં ૮૫ રન કર્યા હતા
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડની ચોથી મૅચમાં જબરદસ્ત રમત જોવા મળી હતી. કૅરિબિયન બૅટર્સે ૨૦ ઓવરમાં એક સદીની ભાગીદારીને આધારે ૬ વિકેટ ગુમાવીને ૨૫૪ રન ફટકાર્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે ૧૭.૪ ઓવરમાં ૧૪૭ રને ઑલઆઉટ થયું હતું. વેસ્ટ ઇન્ડીઝ પહેલી વખત T20 વર્લ્ડ કપમાં સતત પાંચ મૅચ જીત્યું છે. વેસ્ટ ઇન્ડીઝ સામે મળેલી ૧૦૭ રનની હાર ઝિમ્બાબ્વેની સૌથી મોટી T20 હાર બની હતી. ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હંફાવનાર ઝિમ્બાબ્વે વાનખેડેના મેદાન પર કૅરિબિયન તોફાનમાં ફંગોળાઈ ગયું હતું.
શ્રીલંકાએ ૨૦૦૭માં કેન્યા સામે ૬ વિકેટ ગુમાવીને ૨૬૦ રન ફટકારી દીધા હતા. ૧૯ વર્ષ બાદ ગઈ કાલે કોઈ T20 વર્લ્ડ કપ મૅચમાં એક ટીમે ૨૫૦+ રનનો સ્કોર કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે ગઈ કાલે વધુ ૭ રન કર્યા હોત તો એ T20 વર્લ્ડ કપ ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર બન્યો હોત. ૨૫૪ રન એ ઝિમ્બાબ્વે સામે કોઈ ટીમે ફટકારેલો સૌથી મોટો T20 સ્કોર હતો. છેલ્લે ૨૦૨૪માં ભારતે ઝિમ્બાબ્વે સામે બે વિકેટે ૨૩૪ રન ફટકાર્યા હતા.
ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડીઝે ૫.૫ ઓવરમાં ૫૪ રનના સ્કોર પર બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી. શિમરન હેટમાયર અને રોવમેન પૉવેલે ત્રીજી વિકેટ માટે ૧૨૨ રનની ભાગીદારી કરીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. ત્રીજા ક્રમે ઊતરેલા શિમરન હેટમાયરે વેસ્ટ ઇન્ડીઝ માટે ૩૪ બૉલમાં ૭ ફોર અને ૭ સિક્સની મદદથી ૮૫ રન કર્યા હતા. રોવમેન પૉવેલે ૩૫ બૉલમાં ૪ ફોર અને ૪ સિક્સના આધારે ૫૯ રન કર્યા હતા. શરફેન રધરફૉર્ડે ૧૩ બૉલમાં ૩૧ રન અને રોમારિયો શેફર્ડે ૧૦ બૉલમાં ૧૦ રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર્સ બ્લેસિંગ મુઝરબાની અને રિચર્ડ નગારવાને બે-બે વિકેટ મળી હતી.
રન-ચેઝ દરમ્યાન ૧૦.૪ ઓવરમાં ઝિમ્બાબ્વેએ ૯૪ રનના સ્કોર પર ૬ વિકેટ ગુમાવીને લગભગ શરણાગતિ સ્વીકારી લીધી હતી. આઠમા ક્રમે રમવા ઊતરેલા ફાસ્ટ બોલર બ્રૅડ ઇવાન્સે મોટી ઇનિંગ્સ રમીને હારનું અંતર ઘટાડ્યું હતું. તેણે ૨૧ બૉલમાં બે ફોર અને પાંચ સિક્સની મદદથી ૪૩ રન ઝૂડી દીધા હતા. કૅરિબિયન સ્પિનર ગુડાકેશ મોતીએ ૨૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી. એ તેની T20 ઇન્ટરનૅશનલ કરીઅરનું બેસ્ટ બોલિંગ-પ્રદર્શન હતું. સ્પિનર અકીલ હુસેનને ૩ વિકેટ અને પેસ બોલર મૅથ્યુ ફૉર્ડને બે વિકેટ મળી હતી. પેસ બોલર જેસન હોલ્ડરને પણ એક વિકેટ મળી હતી.
17
એક T20 વર્લ્ડ કપ સીઝનમાં હાઇએસ્ટ આટલી સિક્સ ફટકારીને નિકોલસ પૂરનના ૨૦૨૪ના રેકૉર્ડની બરાબરી કરી શિમરન હેટમાયરે.
|
સુપર 8 ગ્રુપ વનનું પૉઇન્ટ-ટેબલ |
|||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
નેટ રનરેટ |
|
વેસ્ટ ઇન્ડીઝ |
૧ |
૧ |
૦ |
૨ |
+૫.૩૫૦ |
|
સાઉથ આફ્રિકા |
૧ |
૧ |
૦ |
૨ |
+૩.૮૦૦ |
|
ભારત |
૧ |
૦ |
૧ |
૦ |
-૩.૮૦૦ |
|
ઝિમ્બાબ્વે |
૧ |
૦ |
૧ |
૦ |
-૫.૩૫૦ |
