ICCએ કૉમેન્ટરી પૅનલની જાહેરાત કરી : ક્રિકેટના મેદાન પરથી રિટાયર થનાર દિનેશ કાર્તિક કૉમેન્ટરી બૉક્સમાં મચાવશે ધમાલ
T20 મૅચ
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આવતા મહિને અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે કૉમેન્ટરી પૅનલની જાહેરાત કરી છે. ટુર્નામેન્ટ દરમ્યાન દુનિયાભરના ખેલાડીઓ મૅચનું વિશ્લેષણ કરીને તેમના અભિપ્રાય આપશે. હાલમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયર થનાર અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની અંતિમ મૅચ રમનાર ૩૮ વર્ષનો દિનેશ કાર્તિક પણ આ પૅનલનો ભાગ છે.
૪૧ સભ્યની આ કૉમેન્ટરી પૅનલમાં ૭ મહિલા કૉમેન્ટેટર પણ સામેલ છે. ભારતીય દિગ્ગજો રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસકર, હર્ષા ભોગલે અને દિનેશ કાર્તિક પણ આ પૅનલનો ભાગ છે. ૩૪ વર્ષનો ઑસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથ આ પૅનલનો સૌથી યંગેસ્ટ કૉમેન્ટેટર છે, જ્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકર ૭૪ વર્ષની ઉંમર સાથે સૌથી ઓલ્ડેસ્ટ કૉમેન્ટેટર છે. પૅનલમાં સૌથી વધુ ૯ ઑસ્ટ્રેલિયન કૉમેન્ટેટર સામેલ છે, જ્યારે સાઉથ આફ્રિકાના ૬ અને ઇંગ્લૅન્ડના પાંચ કૉમેન્ટેટર આ પૅનલનો ભાગ છે. આ તમામ કૉમેન્ટેટર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની પ્લસ હૉટસ્ટાર પર T20 વર્લ્ડ કપનો રોમાંચ વધારશે.


