બિગ બૅશ લીગ રમવા કાંગારૂઓના દેશમાં ગયેલી જેમિમા રૉડ્રિગ્સે કરી રમૂજી કમેન્ટ
જેમિમા રૉડ્રિગ્સ
ભારતની સ્ટારક્રિકેટર જેમિમા રૉડ્રિગ્સે વર્લ્ડ કપ જીત્યાના એક અઠવાડિયામાં જ મેદાન પર વાપસી કરી છે. તે હાલમાં ઑસ્ટ્રેલિયામાં વિમેન્સ બિગ બૅશ લીગ રમવા પહોંચી છે. જોકે સ્પર્ધાત્મક ક્રિકેટમાં તેની વાપસી સાધારણ રહી. બ્રિસબેન હિટ માટે તે નવ બૉલમાં છ રન જ કરી શકી હતી. તેની ટીમને પણ ટુર્નામેન્ટની પહેલી મૅચમાં વરસાદના વિઘ્ન વચ્ચે મેલબર્નની ટીમ સામે DLS મેથડથી સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
મૅચ દરમ્યાન એક ઇન્ટરવ્યુમાં તેણે રમૂજ કરતાં કહ્યું કે ‘ઑસ્ટ્રેલિયાને સેમી ફાઇનલમાં હરાવ્યા બાદ મને ઑસ્ટ્રેલિયાની બૉર્ડર ક્રૉસ કરવાની મંજૂરી મળશે કે નહીં એ વિશે શંકા હતી. જોકે ટીમે મને ખૂબ સારી રીતે આવકારી છે. સાથી-પ્લેયર્સે વર્લ્ડ કપ જીતવા માટે શુભેચ્છા પણ પાઠવી છે. બધા લોકો વિમેન્સ ક્રિકેટની પ્રગતિને જોઈને ખુશ છે.’ વિમેન્સ બિગ બૅશ લીગમાં ઑસ્ટ્રેલિયન પ્લેયર્સની વચ્ચે જેમિમા વર્તમાન સીઝનમાં એકમાત્ર ભારતીય ક્રિકેટર છે.


