જય શાહે ભારતીય ટીમના નવા હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરના નામની સત્તાવાર જાહેરાત કરી
ગૌતમ ગંભીર
ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના નવા હેડ કોચના નામની જાહેરાત કરી હતી. ગૌતમ ગંભીર (GG)નો ફોટો શૅર કરીને તેમણે લખ્યું હતું કે ‘આધુનિક જમાનાનું ક્રિકેટ ઝડપથી વિકસિત થયું છે અને ગૌતમે આ બદલાતા લૅન્ડસ્કેપને નજીકથી જોયો છે.
તેણે પોતાની કરીઅર દરમ્યાન અનેક ભૂમિકા ભજવી છે. મને વિશ્વાસ છે કે ગૌતમ ભારતીય ક્રિકેટને આગળ વધારવા માટે આદર્શ વ્યક્તિ છે.’
ADVERTISEMENT
શ્રીલંકા ટૂરથી ગૌતમ ગંભીરની આ નવી કોચિંગ યાત્રા શરૂ થશે એવું લાગે છે. બૅટિંગ કોચ, બોલિંગ કોચ અને ફીલ્ડિંગ કોચ સહિતનો સ્ટાફ પસંદ કરવાની તેને ખુલ્લી છૂટ આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટમાં હવે નવો GG યુગ શરૂ થયો છે. ગૌતમ ગંભીર ૨૦૦૭ અને ૨૦૧૧માં ભારતની ચૅમ્પિયન ટીમનો ભાગ હતો. ગંભીરે કોલકાતા નાઇટ રાઇડર્સને કુલ ત્રણ વખત IPL ચૅમ્પિયન બનાવ્યું છે.
હેડ કોચ નિયુક્ત થયા બાદ ગૌતમ ગંભીરે ભારતના રાષ્ટ્રધ્વજનો ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘ભારત મારી ઓળખ છે અને દેશની સેવા કરવી એ મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ રહી છે. એક અલગ ભૂમિકામાં પાછો ફરીને ગૌરવ અનુભવી રહ્યો છું, પરંતુ મારું ધ્યેય એ જ છે જે હંમેશાં રહ્યું છે, દરેક ભારતીયને ગર્વ અપાવવો. મેન ઇન બ્લુ ૧.૪ અબજ લોકોનાં સપનાંઓનો ભાર તેમના ખભે ઉપાડે છે અને આ સપનાંઓને હકીકતમાં બદલવા હું મારાથી બનતા પ્રયત્ન કરીશ.’

