એક સમયની ફાસ્ટેસ્ટ મહિલા બોલર સાઉથ આફ્રિકાની શબનીમ પછી હવે ઇંગ્લૅન્ડની બ્રન્ટે જાહેર કરી રિટાયરમેન્ટ
શબનીમ ઇસ્માઇલ
જેમ પુરુષ ક્રિકેટર્સના માનસ પર પ્રોફેશનલ લીગના ફેલાવાની અસર થઈ છે અને ઇન્ટરનૅશનલ્સ ક્રિકેટ છોડી દીધું હોવાના ઘણા કિસ્સા બની ચૂક્યા છે એવું હવે મહિલા ક્રિકેટમાં પણ બનવા માંડ્યું છે. બુધવારે સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલર શબનીમ ઇસ્માઇલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડીને ટી૨૦ લીગમાં રમતાં રહેવાની જાહેરાત કરી એ પછી ગઈ કાલે ઇંગ્લૅન્ડની ઝડપી બોલર કૅથરિન સિવર-બ્રન્ટે પણ ઇન્ટરનૅશનલ્સમાં રમવાનું છોડી દીધું હોવાનું જાહેર કર્યું છે.
બ્રન્ટે ૧૯ વર્ષની કારકિર્દીમાં કુલ ૩૩૫ વિકેટ લીધી હતી, જેમાંની ૧૭૦ વિકેટ વન-ડેમાં અને ૧૧૪ વિકેટ ટી૨૦માં લીધી હતી. ઇંગ્લૅન્ડની વિમેન ક્રિકેટમાં તેના આ બન્ને પર્ફોર્મન્સિસ વિક્રમ તરીકે અંકિત થયા છે. તે ત્રણ વર્લ્ડ કપમાં રમી હતી અને ૨૦૦૯ના ટી૨૦ વિશ્વકપની ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.


