બીજી T20માં વેસ્ટ ઇન્ડીઝે ૬ વિકેટ ગુમાવીને ૧૯૬ રન બનાવ્યા, ઇંગ્લૅન્ડે ૧૮.૩ ઓવરમાં ૧૯૯ રન ફટકારીને ચાર વિકેટે મૅચ જીતી લીધી
વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન શાઇ હોપનું સ્ટમ્પિંગ કરીને ફિફ્ટી કરતા રોક્યો ઇંગ્લૅન્ડના વિકેટકીપર જૉસ બટલરે.
રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી T20 મૅચ ચાર વિકેટે જીતીને ઇંગ્લૅન્ડે ત્રણ મૅચની સિરીઝ પર ૨-૦થી કબજો કર્યો હતો. હાલમાં ઇંગ્લૅન્ડે આ હરીફ ટીમ સામે વન-ડેમાં ક્લીન સ્વીપ કરી હતી. મહેમાન ટીમે કૅપ્ટન શાઇ હોપ (૩૮ બૉલમાં ૪૯ રન)ની શાનદાર ઇનિંગ્સની મદદથી ૬ વિકેટ ગુમાવીને ૧૯૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લૅન્ડે વિકેટકીપર-બૅટર જૉસ બટલર (૩૬ બૉલમાં ૪૭ રન)ની ધમાકેદાર બૅટિંગના આધારે ૧૮.૩ ઓવરમાં ૧૯૯ રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
ઇંગ્લૅન્ડની ધરતી પર પહેલી વાર બન્ને ટીમ વચ્ચેની T20 સિરીઝમાં કોઈ વિજેતા બન્યું છે. આ પહેલાં ૨૦૦૭ અને ૨૦૧૧માં ઇંગ્લૅન્ડમાં રમાયેલી બન્ને ટીમની બે-બે મૅચની સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી. આ ફૉર્મેટમાં ઓવરઑલ બન્ને ટીમ વચ્ચે ૮ સિરીઝ રમાઈ છે જેમાં બન્ને ટીમે ૩-૩ સિરીઝ જીતી છે, જ્યારે શરૂઆતની જ બે સિરીઝ ડ્રૉ રહી છે.

