વર્લ્ડ કપ રમનાર પ્લેયર્સે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો, પણ ટીમમાંથી સ્થાન ગુમાવ્યું અને દેશ છોડવા મજબૂર થયા
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં આયોજિત T20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ-સ્ટેજમાં જ સફર સમાપ્ત થતાં ઓમાન ક્રિકેટ બોર્ડને ઑલમોસ્ટ ૧ કરોડ ૯૨ લાખ રૂપિયા મળ્યા હતા. ICCના નિયમ અનુસાર ટુર્નામેન્ટ સમાપ્ત થયાના ૨૧ દિવસની અંદર આ પૈસા ટીમના સભ્યો વચ્ચે સરખા ભાગે વહેંચાઈ જવા જોઈએ, પરતું ઓમાન બોર્ડે પોતાના પ્લેયર્સને એક પણ રૂપિયો આપ્યો નથી.
ખેડામાં જન્મેલા અને એક વર્ષ પહેલાં ઓમાન માટે T20 વર્લ્ડ કપ સમયે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમનાર કશ્યપ પ્રજાપતિએ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેના કહેવા મુજબ પ્લેયર્સે સમયાંતરે આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો, પણ વર્લ્ડ કપ રમનાર ઑલમોસ્ટ દરેક પ્લેયરનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ તોડવામાં આવ્યો જેને કારણે તેમણે ઓમાન છોડીને અન્ય કોઈ દેશમાં સુરક્ષિત ભવિષ્ય શોધવાની ફરજ પડી છે. તેણે દાવો કર્યો છે કે ૨૦૨૧ના T20 વર્લ્ડ કપ બાદ પણ પ્લેયર્સને આવો જ અન્યાય થયો હતો.

