૨૧ રને આઉટ થયેલો ડેવિડ મિલર હાર બાદ ખૂબ જ દુખી હતો
ફાઇલ તસવીર
૨૯ જૂને T20 વર્લ્ડ કપ ફાઇનલમાં લાસ્ટ ઓવરમાં મુંબઈકર સૂર્યકુમાર યાદવના હાથે કૅચ-આઉટ થનાર સાઉથ આફ્રિકન બૅટર ડેવિડ મિલર હજી સુધી એ કારમી હારને પચાવી શક્યો નથી. ‘કિલર મિલર’ના નામે જાણીતો આ બૅટર અંતિમ ઓવરમાં ૧૬ રન બનાવીને સાઉથ આફ્રિકાને પહેલી વખત વર્લ્ડ કપ ચૅમ્પિયન બનાવવા આતુર હતો, પણ પહેલા બૉલે લૉન્ગ ઑફ તરફ તેણે મારેલા શૉટને સૂર્યકુમાર યાદવે બાઉન્ડરી પાર જતાે અટકાવીને કૅચ-આઉટ કર્યો હતો. ૨૧ રને આઉટ થયેલો ડેવિડ મિલર હાર બાદ ખૂબ જ દુખી હતો.
કારમી હારના આઘાતમાં તેણે સોશ્યલ મીડિયા પર એક ઇમોશનલ વાત શૅર કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સાઉથ આફ્રિકન ટીમનો ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘હું ખૂબ જ દુખી છું, એ દિવસે જે બન્યું એને પચાવવું ખરેખર મુશ્કેલ છે. શબ્દોમાં સમજાવી શકતો નથી કે હું કેવું અનુભવું છું. એક વસ્તુ હું જાણું છું કે મને આ ટીમ પર કેટલો ગર્વ છે. આખા મહિના દરમ્યાન ઉતાર-ચડાવ સાથે આ પ્રવાસ અદ્ભુત હતો. અમે પીડામાંથી પસાર થયા છીએ, પરંતુ હું જાણું છું કે આ ટીમમાં કેટલી મજબૂતી છે અને એ પોતાના સ્તરને વધારવાનું ચાલુ રાખશે.’
ADVERTISEMENT
સાઉથ આફ્રિકા માટેની ફલાઇટ રદ થતાં તે ન્યુ યૉર્કમાં રોકાયો હતો. હારના આઘાતને ભુલાવવા માટે તે તેની પત્ની કૅમિલા મિલર સાથે ન્યુ યૉર્કની સિટીલાઇફ એન્જૉય કરી રહ્યો છે.


