પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન સાહેબ (મોહસિન નકવી), કૃપા કરીને કૅપ્ટન, પસંદગી સમિતિ અને કોચને ફોન કરો અને પૂછો કે તેમણે કેવા પ્રકારની પસંદગી કરી છે.
શુભમન ગિલને બોલ્ડ કર્યા બાદ અબ્રાર અહમદે ગિલને ગ્રાઉન્ડમાંથી બહાર નીકળ જેવી વિચિત્ર સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું.
પાકિસ્તાનના ૨૬ વર્ષના લેગ-સ્પિનર અબ્રાર અહમદે ભારત સામેની મૅચમાં ૧૭મી ઓવરમાં એકમાત્ર શુભમન ગિલ (બાવન બૉલમાં ૪૬ રન)ની વિકેટ ઝડપી હતી. ૧૦ ઓવરમાં માત્ર ૨૮ રન આપનાર આ બોલરે ભારત સામે આક્રમક બોલિંગ કરી હતી, પણ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે તેની ઉજવણીને વખોડી કાઢી હતી. એક ઇન્ટરવ્યુમાં વસીમ કહે છે, ‘હું બૉલથી ખૂબ પ્રભાવિત થયો, પણ ઉજવણીથી પ્રભાવિત થયો નહીં. ઉજવણી માટે યોગ્ય સમય અને સ્થળ હોય છે. શું કોઈ એવું નથી જે તેને રોકે અને પૂછે કે તે શું કરી રહ્યો છે? મૅચની પરિસ્થિતિ જુઓ, તમે પ્રેશરમાં છો છતાં તમે એવી રીતે ઉજવણી કરી રહ્યા છો જાણે તમે પાંચ વિકેટ લીધી હોય. ઉજવણીથી બધી વસ્તુ બગડી હતી.’
પાકિસ્તાન ક્રિકેટમાં નીડર ક્રિકેટરો, યુવાન લોહીને લાવો : અકરમ
ADVERTISEMENT
ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલમાંથી ઑલમોસ્ટ બહાર થયા બાદ પાકિસ્તાન ટીમ માટે વસીમ અકરમ કહે છે, ‘કઠોર પગલાં લેવાની જરૂર છે. આપણે ઘણા સમયથી વાઇટ-બૉલ ફૉર્મેટમાં જૂની રીતે ક્રિકેટ રમી રહ્યા છીએ. આમાં ફેરફાર કરવાની જરૂર છે. ટીમમાં નીડર ક્રિકેટરો, યુવાન લોહીને લાવો. જો તમારે પાંચ-છ ફેરફારો કરવા પડે તો કૃપા કરીને એ કરો. તમે આગામી છ મહિના સુધી હારતા રહો એ ઠીક છે, પણ હવેથી T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ બનાવવાનું શરૂ કરો. આપણા બોલર્સ ઓમાન અને યુએસએ કરતાં પણ ખરાબ બોલિંગ કરી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન સાહેબ (મોહસિન નકવી), કૃપા કરીને કૅપ્ટન, પસંદગી સમિતિ અને કોચને ફોન કરો અને પૂછો કે તેમણે કેવા પ્રકારની પસંદગી કરી છે.’


