બૅટિંગ-પિચ પર આખો દિવસ ભારતીય બોલર્સનો હિંમતભેર સામનો કર્યો અને ૧૦૪ રને નૉટઆઉટ રહ્યો

ઉસ્માન ખ્વાજા
ટેસ્ટના વર્લ્ડ કપની જૂન મહિનાની ફાઇનલમાં પહોંચવા ઝઝૂમી રહેલા ભારતે ઑલરેડી ફાઇનલમાં પહોંચી ગયેલા ઑસ્ટ્રેલિયાને ગઈ કાલે અમદાવાદની નિર્ણાયક ટેસ્ટના પહેલા દિવસની તમામ ૯૦ ઓવરમાં થોડા કાબૂમાં રાખ્યા હતા, પરંતુ ખાસ કરીને ઓપનર ઉસ્માન ખ્વાજા (૧૦૪ રન, ૨૫૧ બૉલ, ૩૬૦ મિનિટ, પંદર ફોર)ને નહોતા નમાવી શક્યા અને તે કુલ ૧૪મી અને ભારત સામે પહેલી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.
પાકિસ્તાનમાં જન્મેલા ખ્વાજાએ હિંમત, સમજદારી, ધૈર્ય અને સંકલ્પથી ભારતના તમામ બોલર્સનો સામનો કર્યો હતો અને ખાસ કરીને સ્પિન-ત્રિપુટી આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની ઓવર્સ સલામત રીતે રમ્યો હતો. સ્વાભાવિક રીતે પહેલી ત્રણેય ટેસ્ટમાં પ્રભુત્વ જમાવનાર ભારતીય સ્પિનર્સને અમદાવાદની બૅટિંગ-પિચ પર ખાસ કોઈ મદદ નહોતી મળી.
ટ્રેવિસને શરૂઆતમાં જીવતદાન
ખ્વાજાએ મૅચની શરૂઆતમાં જ જીવતદાન મેળવનાર ટ્રેવિસ હેડ (૩૨ રન, ૪૪ બૉલ, સાત ફોર) સાથે ૬૧ રનની ભાગીદારી કરી હતી. હેડ ૭ રને હતો ત્યારે ઉમેશ યાદવના બૉલમાં વિકેટકીપર શ્રીકાર ભરતે તેનો આસાન કૅચ છોડ્યો હતો. ખ્વાજાએ પછીથી કાર્યવાહક કૅપ્ટન સ્ટીવ સ્મિથ (૩૮ રન, ૧૩૫ બૉલ, ત્રણ ફોર) સાથે ૭૯ રનની, પીટર હૅન્ડ્સકોમ્બ (૧૭ રન, ૨૭ બૉલ, ત્રણ ફોર) સાથે ૧૯ રનની અને કૅમેરન ગ્રીન (૪૯ નૉટઆઉટ, ૬૪ બૉલ, આઠ ફોર) સાથે ૮૫ રનની અતૂટ ભાગીદારી કરી હતી.
શમીની સૌથી વધુ બે વિકેટ
ભારતે ઇલેવનમાં મોહમ્મદ સિરાજના સ્થાને મોહમ્મદ શમીને સમાવ્યો હતો. રિવર્સ-સ્વિંગ સ્પેશ્યલિસ્ટ શમી (૧૭-૨-૬૫-૨) ગઈ કાલે તમામ બોલર્સમાં સૌથી સફળ રહ્યો હતો. ઉમેશ યાદવને ૫૮ રનમાં અને અક્ષરને ૧૪ રનમાં વિકેટ નહોતી મળી, પરંતુ અશ્વિન ૫૭ રનમાં એક અને જાડેજા ૪૯ રનમાં એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
હું આજે હસ્યો એટલો અગાઉ ક્યારેય કોઈ સેન્ચુરી વખતે નહોતો હસ્યો. અગાઉ ૨૦૧૩માં અને ૨૦૧૭માં ભારત આવ્યો હતો, પણ માત્ર ડ્રિન્ક્સમૅન હતો. મને હંમેશાં કહેવાતું કે હું સ્પિન સામે સારું નથી રમી શકતો એટલે મને ભારતમાં ટેસ્ટ નહોતી રમવા મળી.- ઉસ્માન ખ્વાજા
છેલ્લાં આટલાં વર્ષમાં ભારતમાં ભારત સામેની ટેસ્ટના પ્રથમ સેશનમાં સૌથી આસાનીથી અને એકેય વિકેટ ગુમાવ્યા વગર કોઈ ટીમ રમી હોવાનો પ્રથમ કિસ્સો ગઈ કાલે નોંધાયો હતો.