બ્રેન્ડન મૅક્લમનો ૨૪ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો, ઇંગ્લૅન્ડ સામેની બીજી યુથ ટેસ્ટ પણ ડ્રૉ રહી
આયુષ મ્હાત્રે
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બે મૅચની યુથ ટેસ્ટ-સિરીઝની બીજી મૅચ પણ ડ્રૉ રહી છે. બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે ૩૦૯ અને ૩૨૪ રન ફટકારીને ૩૫૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૭૯ રન કરનાર ભારતે બીજી ઇનિંગ્સમાં ૪૦ ઓવરમાં છ વિકેટ ગુમાવી ૨૯૦ રન કર્યા હતા. જીતથી માત્ર ૬૫ રન દૂર હતા ત્યારે જ ચેમ્સફર્ડમાં ભારે વરસાદને કારણે અંતિમ દિવસે મૅચ આગળ વધી શકી નહોતી. આ પહેલાં ભારતે ૩-૨થી વન-ડે યુથ સિરીઝ જીતી હતી.
ભારતીય કૅપ્ટન આયુષ મ્હાત્રેએ પહેલી ઇનિંગ્સમાં ૯૦ બૉલમાં ૧૪ ફોર અને એક સિક્સ ફટકારીને ૮૦ રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં તેણે ૮૦ બૉલમાં ૧૩ ફોર અને ૬ સિક્સ ફટકારીને ૧૨૬ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. તેણે આ ટેસ્ટમાં ૧૨૧.૧૭ના સ્ટ્રાઇક-રેટથી ૧૭૦ બૉલમાં ૨૦૬ રન બનાવ્યા હતા. તેણે યુથ ટેસ્ટમાં હાઇએસ્ટ સ્ટ્રાઇક-રેટથી ૨૦૦ પ્લસ રન કરવાનો ૨૪ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. આ રેકૉર્ડ ઇંગ્લૅન્ડના વર્તમાન હેડ કોચ બ્રેન્ડન મૅક્લમનો હતો જેણે ન્યુ ઝીલૅન્ડ તરફથી સાઉથ આફ્રિકા સામે બનાવ્યો હતો. ૨૦૦૧માં તેણે હરીફ ટીમ સામે ૧૦૮.૪૧ના સ્ટ્રાઇક-રેટથી ૨૧૪ બૉલમાં ૨૩૨ રન કર્યા હતા.


