બંગલાદેશ ૬૪ અને ૯૫ રને ઢેર, પહેલા દાવમાં ૨૧૦ રન કરનાર ઑસ્ટ્રેલિયાએ એક ઇનિંગ્સ અને ૫૧ રને બીજી મૅચ જીતી
ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ અને સ્પિનર નૅથન લાયને પણ ૩-૩ વિકેટ લીધી હતી.
મકાયમાં આયોજિત પહેલવહેલી મેન્સ ટેસ્ટ-મૅચ શાનદાર બોલિંગ-પ્રદર્શન વચ્ચે માત્ર ૭૫૦ બૉલમાં સમાપ્ત થઈ ગઈ હતી. પહેલી ઇનિંગ્સમાં બંગલાદેશને ૬૪ રનમાં ઑલઆઉટ કર્યા પછી ઑસ્ટ્રેલિયાએ ૫૨.૩ ઓવરમાં ૨૧૦-૧૦નો સ્કોર કર્યો હતો. બીજા દિવસે ટાર્ગેટ સેટ કરવા ઊતરેલી બંગલાદેશી ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર ૩૮.૩ ઓવરની રમત રમીને ૯૫ રનના સ્કોર પર તંબુભેગી થઈ હતી. બંગલાદેશે પહેલી મૅચ નવ વિકેટે જીતી હતી, જ્યારે ઑસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરીને બીજી મૅચ એક ઇનિંગ્સ અને ૫૧ રને જીતીને સિરીઝને ૧-૧થી ડ્રૉ કરી હતી. બન્ને વચ્ચે ચોથી વખત ટેસ્ટ-સિરીઝ રમાઈ રહી હતી. પહેલી બે ટેસ્ટ-સિરીઝ ઑસ્ટ્રેલિયાએ જીતી હતી અને છેલ્લી બે ટેસ્ટ-સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી છે. બીજા દિવસે રમતની શરૂઆત થઈ ત્યારે ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૪૦ ઓવરમાં ૧૬૫-૮નો હતો. કૅમરન ગ્રીને ૧૦૫ બૉલમાં ૧૦ ફોરની મદદથી ૬૭ રન અને નૅથન લાયને ૬૨ બૉલમાં અણનમ ૩૨ રન કરીને ટીમનો સ્કોર ૨૧૦ રન સુધી પહોંચાડ્યો હતો. શોરીફુલ ઇસ્લામે ૪૮ રન આપીને ૭ વિકેટ લીધી હતી. બંગલાદેશી ટીમે બીજી ઇનિંગ્સમાં ૨૪.૪ ઓવરની રમતમાં ૬૩ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. બંગલાદેશ માટે નજમુલ હુસેન શાન્તો અને મુશફિકુર રહીમ જ ડબલ ડિજિટનો સ્કોર કરી શક્યા હતા. કૅપ્ટન નજમુલ હુસેન શાન્તોએ ૪૬ બૉલમાં ૩૧ રન કર્યા હતા, જ્યારે મુશફિકુર રહીમ ૮૦ બૉલમાં ૨૯ રન કરીને અણનમ રહ્યો હતો. ઑસ્ટ્રેલિયા માટે બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ૧૦ ઓવરમાં ૩૯ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર પૅટ કમિન્સ અને સ્પિનર નૅથન લાયનને ૩-૩ વિકેટ મળી હતી.
૨૧ વર્ષે કોઈ ટીમ બન્ને ઇનિંગ્સમાં ૧૦૦ રનની અંદર ઢેર
ADVERTISEMENT
બંગલાદેશી ટીમ બીજી ટેસ્ટ-મૅચમાં ૬૪ અને ૯૫ રન જ કરી શકી હતી. બંગલાદેશી ટીમ પહેલી વખત બન્ને ઇનિંગ્સમાં ૧૦૦ રનની અંદર ઑલઆઉટ થઈને માત્ર ૧૫૯ રન જ કરી શકી હતી.
મેન્સ ટેસ્ટ-ક્રિકેટમાં ૧૮મી વખત કોઈ ટીમ બન્ને ટેસ્ટ-ઇનિંગ્સમાં ૧૦૦થી ઓછા રન કરી શકી હતી. અગાઉ આવી ઘટના ૨૧ વર્ષ અગાઉ ૨૦૦૫માં બની હતી. ન્યુ ઝીલૅન્ડ સામે ઝિમ્બાબ્વેની ટીમ એ સમયે ૫૯ રન અને ૯૯ રન જ કરી શકી હતી.
109
એકવીસમી સદીમાં માત્ર આટલા બૉલમાં ફાસ્ટેસ્ટ ૧૦ વિકેટ લેવાનો રેકૉર્ડ કર્યો મિચલ સ્ટાર્કે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો હાઇએસ્ટ વિકેટટેકર બોલર બન્યો મિચલ સ્ટાર્ક
ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક પોતાના સાથી ખેલાડી પૅટ કમિન્સ અને નૅથન લાયનને પછાડીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો હાઇએસ્ટ વિકેટટેકર બોલર બન્યો છે. ૨૦૧૯થી મિચલ સ્ટાર્કે ૫૬ ટેસ્ટ-મૅચમાં ૨૩૪ વિકેટ લીધી છે. ફાસ્ટ બોલર પૅટ કમિન્સે ૫૪ ટેસ્ટ-મૅચ અને સ્પિનર નૅથન લાયને ૫૭ ટેસ્ટ-મૅચમાં ૨૨૮-૨૨૮ વિકેટ લીધી છે.
