ન્યુ ઝીલૅન્ડના ૧૭૫ રન સામે સાઉથ આફ્રિકાએ ૧૭.૧ ઓવરમાં ૧૭૮ રન કરીને ટાર્ગેટ ચેઝ કર્યો, કૅપ્ટન માર્કરમે ૧૯ બૉલમાં ફિફ્ટી ફટકારીને સાઉથ આફ્રિકાને ગ્રુપ Dમાં ટૉપર બનાવ્યું
સાઉથ આફ્રિકાના કૅપ્ટન એઇડન માર્કરમ ૪૪ બૉલમાં ૮૬ રનની શાનદાર અણનમ ઇનિંગ્સ રમ્યો હતો. સાઉથ આફ્રિકાનો પેસ બોલર માર્કો યાન્સેન ૪ ઓવરમાં ૪૦ રન આપીને ૪ વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ મૅચ જાહેર થયો હતો.
અમદાવાદમાં ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામે ૭ વિકેટે જીત મેળવીને સાઉથ આફ્રિકાએ હૅટ-ટ્રિક વિજય સાથે ગ્રુપ Dમાં ટૉપરનું સ્થાન મેળવી લીધું છે. ન્યુ ઝીલૅન્ડે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૭૫ રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ ૧૭.૧ ઓવરમાં માત્ર ૩ વિકેટના નુકસાન સાથે ૧૭૮ રન કરીને ૧૭૬ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. T20 વર્લ્ડ કપમાં ન્યુ ઝીલૅન્ડ સામે રમેલી પાંચેય મૅચ જીતીને સાઉથ આફ્રિકાએ પોતાનો વિજયરથ જાળવી રાખ્યો છે. T20 વર્લ્ડ કપમાં બન્ને ટીમ ૨૦૧૪ બાદ પહેલી વખત સામસામે રમી રહી હતી.
ન્યુ ઝીલૅન્ડ માટે પાંચમા ક્રમે રમીને માર્ક ચૅપમૅને ૨૬ બૉલમાં ૬ ફોર, બે સિક્સના આધારે ૪૮ રન કર્યા હતા. છઠ્ઠા ક્રમે રમીને ડૅરિલ મિચલે પણ ૨૪ બૉલમાં ૩૨ રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકાના પેસ બોલર માર્કો યાન્સેને ૪ ઓવરમાં ૪૦ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. સ્પિનર કેશવ મહારાજ સહિતના ૩ બોલર્સને ૧-૧ વિકેટ મળી હતી.
ADVERTISEMENT
33 : આટલા સૌથી વધુ શિકાર T20 વર્લ્ડ કપમાં કરવાના મામલે ક્વિન્ટન ડી કૉકે એમ. એસ. ધોની (૩૨)નો રેકૉર્ડ તોડ્યો.
સાઉથ આફ્રિકા માટે T20 વર્લ્ડ કપમાં ૧૯ બૉલની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારીને કૅપ્ટન એઇડન માર્કરમે શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે ૪૪ બૉલમાં ૮ ફોર અને ૪ સિક્સની મદદથી ૮૬ રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમી હતી. ડેવિડ મિલરે પણ અણનમ રહીને ૧૭ બૉલમાં ૨૪ રન ફટકાર્યા હતા.


