આયરલૅન્ડે નવા કૅપ્ટનની શાનદાર ઇનિંગ્સના આધારે પોતાનો હાઇએસ્ટ T20 સ્કોર ૨૩૫/૫ કર્યો, ઓમાન ૧૩૯ રને ઑલઆઉટ થઈ ૯૬ રને હાર્યું
આયરલૅન્ડના નવા કૅપ્ટન લૉર્કર ટકરે ૧૦ ફોર અને ૪ સિક્સના આધારે ૫૧ બૉલમાં અણનમ ૯૪ રન ફટકાર્યા હતા. આયરલૅન્ડના પેસ બોલર જોશુઆ લિટલે ૪ ઓવરમાં માત્ર ૧૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી.
ગઈ કાલે કોલંબોમાં ગ્રુપ Bની ટીમ ઓમાન સતત ત્રીજી મૅચ હારીને T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવાની રેસમાંથી આઉટ થનાર પહેલી ટીમ બની હતી. ઓમાન આ પહેલાં ૨૦૧૬, ૨૦૨૧ અને ૨૦૨૪નો T20 વર્લ્ડ કપ પણ રમ્યું છે. એ તમામમાં પણ ઓમાન પહેલા જ રાઉન્ડમાં આઉટ થયું હતું.
આયરલૅન્ડ સામે ઓમાનને ૯૬ રને હારનો સામનો કરવો પડ્યો હતો. નવા કૅપ્ટન લૉર્કર ટકરની ૯૪ રનની ઇનિંગ્સના આધારે આયરલૅન્ડે પોતાનો હાઇએસ્ટ ૨૩૫/૫નો T20 સ્કોર કર્યો હતો. આ સ્કોર વર્તમાન T20 વર્લ્ડ કપનો હાઇએસ્ટ ટીમ-સ્કોર પણ હતો. જવાબમાં ઓમાનની ટીમ ૧૮ ઓવરમાં ૧૩૯ રને ઑલઆઉટ થઈ હતી.
ADVERTISEMENT
૭.૩ ઓવરમાં આયરલૅન્ડે ૬૪ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી દીધી હતી. આયરલૅન્ડના નવા કૅપ્ટન લૉર્કર ટકરે ચોથા ક્રમે રમીને ૧૦ ફોર, ૪ સિક્સના આધારે ૫૧ બૉલમાં અણનમ ૯૪ રન ફટકાર્યા હતા. T20 વર્લ્ડ કપમાં આયરલૅન્ડ તરફથી ફટકારવામાં આવેલી આ સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ પણ હતી. છઠ્ઠા ક્રમના બૅટર ગેરેથ ડેલનીએ ૩૦ બૉલમાં ૩ ફોર અને ૪ સિક્સની મદદથી ૫૬ રન કર્યા હતા. જ્યૉર્જ ડોકરેલે સાતમા ક્રમે રમીને ૯ બૉલમાં પાંચ સિક્સ ફટકારીને ૩૫ રન કર્યા હતા. ઓમાનના ૭ બોલિંગ-વિકલ્પોમાંથી સ્પિનર શકીલ અહમદે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.
11 : આટલી હાઇએસ્ટ વિકેટ ડાબોડી બોલર્સે T20 વર્લ્ડ કપ મૅચમાં લીધી હોય એવી ૨૦૨૧ની બંગલાદેશ-ઓમાનની મૅચના રેકૉર્ડની બરાબરી થઈ.
44 વર્ષ 86 દિવસ : આટલી ઉંમરે ઓમાનનો આમિર કલીમ T20 વર્લ્ડ કપમાં ફિફ્ટી ફટકારનાર ઓલ્ડેસ્ટ પ્લેયર બન્યો.
22.10 : T20 વર્લ્ડ કપમાં આટલા હાઇએસ્ટ રન-રેટથી ભાગીદારીનો રેકૉર્ડ કર્યો લૉર્કર ટકર અને જ્યૉર્જ ડૉકરેલે (૧૯ બૉલમાં ૭૦ રન).
5 : આટલી વખત વર્તમાન વર્લ્ડ કપમાં ૨૦૦+નો સ્કોર થયો છે. ૨૦૦૭ના હાઇએસ્ટ રેકૉર્ડની બરાબરી થઈ.
રન-ચેઝ દરમ્યાન ઓમાનના ઓપનર આમિર કલીમે ૨૯ બૉલમાં પાંચ ફોર, બે સિક્સના આધારે ૫૦ રન કર્યા હતા. ઓમાને T20 વર્લ્ડ કપમાં પોતાનો ૬૩/૨નો હાઇએસ્ટ પાવરપ્લે સ્કોર પણ નોંધાવ્યો હતો. જોકે અંતિમ ૭ વિકેટ ૪૨ રનની અંદર ગુમાવીને ઓમાન મૅચ હાર્યું હતું. આયરલૅન્ડના પેસ બોલર જોશુઆ લિટલે ૪ ઓવરમાં માત્ર ૧૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી.


