કૃત્રિમ ગર્ભાશયમાં ભ્રૂણને મોકલતાં પહેલાં ૩૦૦ કરતાં વધુ જનીન બદલવાની સ્વતંત્રતા આપે છે
કૃત્રિમ ગર્ભાશય
સમગ્ર વિશ્વમાં વર્ષે અંદાજે ૩,૦૦,૦૦૦ સ્ત્રીઓ ગર્ભાવસ્થાની જટિલતાને કારણે મૃત્યુ પામે છે, જેને દૂર કરવા માટે એક્ટોલાઇફ નામના કૃત્રિમ ગર્ભાશયની ડિઝાઇન કરવામાં આવી છે. હાલમાં તો આ એક કલ્પના છે, જેને બાયોટેક્નૉલૉજિસ્ટ અને ફિલ્મનિર્માતા હાશેમ અલ-ગૈલીએ વિચારી છે. એ ભવિષ્યનાં માતાપિતાને બાળકના જન્મ માટે સુરક્ષિત વિકલ્પ આપે છે.
આ મશીનને વસ્તીવૃદ્ધિમાં મોટા પ્રમાણમાં ઘટાડાવાળા દેશમાં મૂકી શકાય છે. સાઉથ કોરિયા, બલ્ગેરિયા અને જપાન જેવાં રાષ્ટ્રોને આ માટેનું આદર્શ સ્થળ કહી શકાય. વિડિયોમાં ૪૦૦ જેટલા પોડ્સમાં કૃત્રિમ ગર્ભાશય દેખાડવામાં આવ્યાં છે, જે સ્ત્રીના ગર્ભાશય જેવાં જ હોય છે. એમાં દર વર્ષે ૩૦,૦૦૦ બાળકોને જન્મ આપી શકાય છે. દરેક બાળક એની જરૂરિયાત મુજબનાં પોષક તત્ત્વો મેળવે છે. બાળકનાં માતા-પિતા ફોન પર તેમના સંતાનનો રિયલ ટાઇમ ડેટા જોઈ શકે છે. વળી તેઓ પોતાના મિત્રો અને પરિવાર સાથે પણ શૅર કરી શકે છે. કૃત્રિમ ગર્ભાશયમાં સ્પીકર્સ પણ ફિટ કરવામાં આવે છે, જે માતા-પિતાના અવાજને બાળક સુધી મોકલે છે. વળી સમગ્ર ઑપરેટિંગ સિસ્ટમ સૌર અને પવન ઊર્જા પર ચાલે છે, એથી વીજળીકાપમાં એને કશી અસર નહીં થાય એની ખાતરી છે.
ADVERTISEMENT
દરેક બાળક આઇવીએફ દ્વારા જન્મતું હોવાથી પેરન્ટ ઇચ્છે એ પ્રમાણે શ્રેષ્ઠ ગર્ભ પસંદ કરી શકે છે. કૃત્રિમ ગર્ભાશયમાં ભ્રૂણને મોકલતાં પહેલાં ૩૦૦ કરતાં વધુ જનીન બદલવાની સ્વતંત્રતા આપે છે. પરિણામે બાળકના વાળ અને આંખના રંગથી માંડીને એની ઊંચાઈ, બુદ્ધિનો સ્તર જેવું નક્કી કરી શકાય. વળી આનુવંશિક રોગોને ઠીક કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે. વળી જેઓ પોતાના ઘરે જ આ કૃત્રિમ ગર્ભાશય લઈ જવાનું પસંદ કરે તો તેમને એ વિકલ્પ પણ આપવામાં આવે છે.


