આ વિડિયોમાં એક પોલીસવાળો હૅન્ડપમ્પ ચલાવી રહ્યો છે. આ હૅન્ડપમ્પ રસ્તાની વચ્ચોવચ બન્યો છે. હૅન્ડપમ્પનો પાઇપ રોડની વચ્ચેની ગૅપમાં ઉપર-નીચે થઈ રહ્યો છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આજકાલ નવા અને પાકા રસ્તાઓ બનાવવાની સીઝન ચાલી રહી છે. જોકે પાકા રસ્તા બનાવતી વખતે કેટલીક જૂની ચીજોને રસ્તામાં એમ જ રાખી દેવામાં આવે તો શું થાય એનો તાજું ઉદાહરણ સોશ્યલ મીડિયાના એક વિડિયોમાં જોવા મળી રહ્યું છે. આ વિડિયોમાં એક પોલીસવાળો હૅન્ડપમ્પ ચલાવી રહ્યો છે. આ હૅન્ડપમ્પ રસ્તાની વચ્ચોવચ બન્યો છે. હૅન્ડપમ્પનો પાઇપ રોડની વચ્ચેની ગૅપમાં ઉપર-નીચે થઈ રહ્યો છે. જોકે ખૂબ પમ્પ ચલાવવા છતાં ત્યાં ટીપુંયે પાણી નથી દેખાતું. જોકે ભલે પમ્પ પાસે પાણી નથી આવતું, રોડની વચ્ચેથી એક પાઇપ પસાર કરવામાં આવ્યો છે જેના થકી રોડની સાઇડમાં હૅન્ડપમ્પમાંથી નીકળતું પાણી આવી રહ્યું છે. હૅન્ડપમ્પ રસ્તાની વચ્ચે અને એમાંથી નીકળતું પાણી રોડની કિનારીએથી નીકળતા પાઇપમાંથી નીકળે? આ વિડિયોને કેટલાક લોકો દુનિયાની સાતમી અજાયબી ગણાવી રહ્યા છે. વિડિયોની કૅપ્શનમાં સવાલ પુછાયો છે કે તમને શું લાગે છે? પહેલાં હૅન્ડપમ્પ બન્યો હશે કે પાકી સડક? જો પહેલાં રોડ બન્યો હોય તો શા માટે રોડની વચ્ચે પમ્પ લગાવ્યો અને જો પહેલાં હૅન્ડપમ્પ બન્યો હોય તો રોડ બનાવતી વખતે એને ખસેડ્યો કેમ નહીં?

