અચાનક પાણીમાંથી જાયન્ટ કદની હમ્પબૅક વ્હેલ ઍડ્રિઅનની પાછળથી બહાર આવી અને ઍડ્રિઅન કાયાક સહિત વ્હેલના વિશાળ મોંમાં ગરક થઈ ગયો
વ્હેલ દીકરાને ગળી ગઈ એ ક્ષણ, દીકરો વ્હેલના મોંમાંથી બહાર ફેંકાયો, પિતાની કાયાક પાસે પહોંચી ગયો.
સાઉથ અમેરિકાના ચિલી નામના દેશમાં બે ઑફ ઈગલ્સ પાસેના દરિયામાં શનિવારે એક પિતા-પુત્ર કાયાકિંગ કરી રહ્યા હતા. એ સમયે એક અજીબોગરીબ ઘટના ઘટી. ઍડ્રિયન સિમાન્કાસ નામનો ૨૪ વર્ષનો યુવક અને તેના પિતા ડેલ પોતપોતાની કાયાક પર દરિયામાં સર્ફિંગ કરી રહ્યા હતા. એવામાં અચાનક પાણીમાંથી જાયન્ટ કદની હમ્પબૅક વ્હેલ ઍડ્રિઅનની પાછળથી બહાર આવી અને ઍડ્રિઅન કાયાક સહિત વ્હેલના વિશાળ મોંમાં ગરક થઈ ગયો. થોડીક ક્ષણો માટે જાણે સન્નાટો છવાઈ ગયો, પરંતુ થોડી જ વારમાં વ્હેલે ફરી મોં ખોલીને ઍડ્રિયનને પાછો દરિયામાં ઠાલવી દીધો. આ આખી ઘટના થોડેક જ દૂર કાયાકમાં બેઠેલા તેના પિતા ડેલના કૅમેરામાં રેકૉર્ડ થઈ ગઈ હતી. જેમ-તેમ કરીને ડેલ પોતાની કાયાક દીકરા સુધી લઈ જાય છે અને દીકરાને પોતાની કાયાક પર ખેંચી લે છે. મોતના મોંમાંથી બહાર આવ્યા પછી ઍડ્રિયનનું કહેવું હતું કે ‘વ્હેલના મોંની અંદર બહુ ચીકણું દ્રવ્ય હતું. મારે ક્યાં સુધી શ્વાસ હોલ્ડ કરીને રાખવો પડશે એની ખબર નહોતી. જોકે થોડી જ વારમાં વ્હેલનું મોં ખૂલ્યું અને હું ફરી દરિયામાં હતો.’
આ ખતરનાક અનુભવ પછી લોકોએ પિતા-પુત્રની બેલડીને પૂછેલું કે શું ફરીથી દરિયામાં કાયાકિંગ કરવા જવાની હિંમત થશે? તો બન્નેનો જવાબ ‘હા’ હતો.


