હરિદ્વારની પોલીસે આ મહિલાને પકડી લીધી છે અને હવે પૂછપરછ કરી રહી છે.
૮ વર્ષના દીકરા પર ચડી ગયેલી ૯૦ કિલોની મુક્કા મારતી મહિલા મા કહેવાને લાયક છે?
ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના ઝબ્રેડા ગામમાં આઠ વર્ષના બાળકને એક મહિલા જે નિર્દયતાથી માર મારી રહી છે એ જોઈને રૂંવાડાં ઊભાં થઈ જાય. સોશ્યલ મીડિયા ‘ઍક્સ’ પર આ ઘટનાનો વિડિયો શૅર થયો છે જેમાં આ મહિલા બાળકની મા છે એવું કહેવાયું છે. જાડીપાડી લગભગ ૯૦ કિલો વજન ધરાવતી મા ૮ વર્ષના બાળકના પગ પર બેસી ગઈ છે અને તેના હાથ પકડીને તેને મુક્કા મારી રહી છે અને વારંવાર માથું જમીન પર અફળાવે છે. હજી આટલું ઓછું હોય એમ તે આખા શરીરનો ભાર બાળક પર મૂકીને તેના મોઢા પર પોતાનું માથું પટકે છે. આ હિંસક મારપીટ એક નાનું બાળક નજરે જોઈ રહ્યું છે. વિડિયો શૅર કરવાની સાથે જ અપીલ પણ થઈ હતી કે જો આ વિડિયો સાચો હોય તો આ હિંસક માને ઝડપથી અરેસ્ટ કરો. વાયુવેગે આ વિડિયો વાઇરલ થયા પછી હરિદ્વારની પોલીસે આ મહિલાને પકડી લીધી છે અને હવે પૂછપરછ કરી રહી છે.


