ડૉક્ટર પણ આ ઘટનાથી અચંબિત અને ચિંતિત હતા
નવમી મેએ અમીનાએ પહેલા બાળકને જન્મ આપ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હતી
ઉત્તર પ્રદેશના સંભલમાં કિરાણા સ્ટોર ચલાવતા મોહમ્મદ આલિમના ઘરે નિકાહનાં બે વર્ષ પછી એકસાથે ૪ બાળકોની કિલકારી ગુંજી ઊઠી હતી. ૪ સંતાનો એકસાથે પેદા થવાં એ જ ખરેખર રૅર ઘટના છે, પરંતુ મોહમ્મદની પત્ની અમીનાની ડિલિવરી ખાસ એટલા માટે પણ હતી કેમ કે તેણે ૪ બાળકોને જન્મ પાંચ દિવસના અંતરે આપ્યો આપ્યો હતો. ડૉક્ટર પણ આ ઘટનાથી અચંબિત અને ચિંતિત હતા. અમીનાએ નવમી મેએ એક દીકરાને જન્મ આપ્યો હતો. એ પછી ગુરુવારે એક દીકરો અને બે દીકરીઓ પેદા થઈ. ગર્ભમાં ૪ બાળકો હોવાથી માતાની હાલત ખરાબ થઈ રહી હતી. નવમી મેએ અમીનાએ પહેલા બાળકને જન્મ આપ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તેને બચાવી શકાય એવું જ લાગતું નહોતું. જોકે એક બાળકના પ્રસવ પછી તેની હાલત સેટલ થઈ. એ સમયે બીજાં બાળકોનો પણ પ્રસવ કરાવવા માટે ડૉક્ટરોએ મથવાને બદલે માનું સ્વાસ્થ્ય સ્ટેબલ થાય એને પ્રાધાન્ય આપ્યું. થોડા જ કલાકોમાં અમીનાની હાલત સ્થિર પણ થઈ. જોકે પાંચ દિવસ પછી ફરીથી તેને પ્રસવની પીડા ઊપડી અને આ વખતે તેણે એક દીકરો અને બે દીકરીઓને એક જ પ્રસવમાં જન્મ આપ્યો હતો. ડૉક્ટરોનું કહેવું છે કે આ બહુ દુર્લભ કેસ છે.
