ફરમાને ધમકી આપી છે કે તે અજયને તારાથી અને તારા ધર્મથી દૂર કરી દેશે. હવે અજય ઘણા મહિનાથી ઘરે આવ્યો નથી અને હું ઘરે બાળકો સાથે એકલી છું.
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ચૌપડા ગામમાં જ્યોતિએ પોલીસ-ફરિયાદ કરી
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ચૌપડા ગામમાં રહેતા અજય નામના યુવકની પત્ની જ્યોતિએ પોલીસ-ફરિયાદ કરી છે અને મદદ માગી છે. વાત એમ છે કે જ્યોતિનો પતિ છેલ્લા કેટલાક દિવસથી અજીબોગરીબ હરકત કરી રહ્યો છે. તે પહેલાં બહુ ધાર્મિક હતો. રોજ મંદિર જતો હતો. નવરાત્રિમાં ઉપવાસ કરતો હતો અને માતાજીની આરતી પણ કરતો હતો. જોકે છેલ્લા કેટલાક દિવસથી તે મસ્જિદ જવા માંડ્યો છે અને તેણે ઈદના રોજા પણ રાખ્યા હતા. જ્યોતિનું કહેવું છે કે પતિમાં આ બદલાવ એક મિત્રને કારણે આવ્યો છે. અજય ફેસબુક થકી ફરમાન મલિક ઉર્ફે શાનુ નામના માણસના સંપર્કમાં આવ્યો એ પછીથી તેના વર્તનમાં આ બદલાવ આવ્યો છે. જ્યોતિનો આરોપ છે કે જ્યારે તેણે પતિને આમ કરવાનું બંધ કરવા કહ્યું અને ફરમાનની દોસ્તી છોડી દેવા કહ્યું ત્યારે ફરમાન તરફથી ધમકીભર્યા કૉલ આવવા માંડ્યા. પત્નીનું કહેવું છે કે ‘ફરમાને ધમકી આપી છે કે તે અજયને તારાથી અને તારા ધર્મથી દૂર કરી દેશે. હવે અજય ઘણા મહિનાથી ઘરે આવ્યો નથી અને હું ઘરે બાળકો સાથે એકલી છું.’


