એક તરફ લગ્નના મંત્રોચ્ચાર ચાલી રહ્યા હતા અને પાછળ સગાંસંબંધીઓનાં ડૂસકાં સંભળાઈ રહ્યાં હતાં. જ્યારે મુખાગ્નિ આપવાની વાત આવી
પ્રેમિકાના મૃત્યુ બાદ તેના શબ સાથે કર્યાં લગ્ન, સેંથામાં સિંદૂર પૂરીને પતિ તરીકે અગ્નિદાહ આપ્યો
ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના એક ગામમાં એક અતિવિચિત્ર ઘટના બની હતી. એક યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી અને તેના મૃત્યુથી અત્યંત શોકમાં ગરકાવ થઈ ગયેલા તેના પ્રેમીએ પહેલાં તો હૈયાફાટ આક્રંદ કર્યું હતું. જોકે જ્યારે તેને વિદાય આપવા માટે અરથી સજાવવામાં આવી ત્યારે તેણે અચાનક કહ્યું હતું કે મેં વચન આપ્યું હતું કે તેને દુલ્હન બનાવીશ એટલે હું હવે તેને દુલ્હન બનાવીશ જ. ખરેખર તેણે અંતિમ વિદાય પહેલાં પ્રેમિકાના શબ સાથે વૈદિક મંત્રોચ્ચાર કરાવી લગ્નની રસમ પૂરી કરી હતી. એક તરફ લોકો રોકકળ કરી રહ્યા હતા ત્યારે આંસુ સાથે પ્રેમીએ પ્રેમિકાના શબ સાથે લગ્ન કર્યાં હતાં અને સેંથામાં સિંદૂર પણ પૂર્યું હતું. પ્રેમિકાના શબને સૌભાગ્યવતી મહિલાઓને અપાય એવી અંતિમક્રિયા કરવામાં આવી હતી. એક તરફ લગ્નના મંત્રોચ્ચાર ચાલી રહ્યા હતા અને પાછળ સગાંસંબંધીઓનાં ડૂસકાં સંભળાઈ રહ્યાં હતાં. જ્યારે મુખાગ્નિ આપવાની વાત આવી ત્યારે પણ પ્રેમીએ તેના પતિ તરીકે મુખાગ્નિ આપીને વિદાય આપી હતી.


