ડંડીવા ગામનો જયપ્રકાશ વીજવિભાગના ગાઝીપુર સબ-સ્ટેશનમાં કૉન્ટ્રૅક્ટ બેઝ પર સ્ટેશન ઑપરેટરની નોકરી કરે છે. ગુરુવારે સાંજે ઘરેથી જમીને તે સબ-સ્ટેશન પર નોકરી કરવા જતો હતો
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં આ ઘટના બની છે. ડંડીવા ગામનો જયપ્રકાશ વીજવિભાગના ગાઝીપુર સબ-સ્ટેશનમાં કૉન્ટ્રૅક્ટ બેઝ પર સ્ટેશન ઑપરેટરની નોકરી કરે છે. ગુરુવારે સાંજે ઘરેથી જમીને તે સબ-સ્ટેશન પર નોકરી કરવા જતો હતો. તે બાઇક પર જતો હતો, પણ ટ્રાફિકના નિયમ પ્રમાણે તેણે હેલ્મેટ નહોતી પહેરી. ગાઝીપુર ચાર રસ્તા પર પોલીસની એક ટીમ વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી હતી. એ પોલીસે જયપ્રકાશને ઊભો રાખ્યો. હેલ્મેટ નહોતી પહેરી એટલે દંડ કરવા માટે ચલણની પાવતી ફાડી. જયપ્રકાશે બહુ કાલાવાલા કર્યા, પણ પોલીસ ન માની. જયપ્રકાશ બહુ ગુસ્સે થયો, પણ સાથે તેણે ચાલાકી વાપરી. જયપ્રકાશે પહેલાં અધિકારીઓ પાસેથી પોલીસ-સ્ટેશનના બાકી નીકળતા વીજબિલની રકમ જાણી લીધી. એ પછી લાઇનમૅનને બોલાવીને વીજપુરવઠો કાપી નાખ્યો. વાત મળી કે તરત જ વીજવિભાગના અધિકારીઓએ તાત્કાલિક જોડાણ પાછું શરૂ કર્યું. ગાઝીપુર પોલીસ-સ્ટેશનમાં બે કલાક સુધી અંધારું રહ્યું હતું.